CM, Dy.CM કે મંત્રીઓને નહીં મળવા કોંગ્રેસે પોતાનાં MLAને આપ્યું ફરમાન, જાણો કેમ
। અમદાવાદ ।
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે ત્યાં રવિવારે પાલડી સ્થિત પ્રદેશ કાર્યાલયે પ્રદેશ કારોબારી તેમજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની મહત્ત્વની મિટિંગોનો દોર જામ્યો હતો. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો ઉપર ભાજપની નજર છે અને ક્રોસ વોટિંગ થઈ શકે છે તેવી કોંગ્રેસે જાણે મનોમન કબૂલાત કરી લીધી હોય તેમ હવે મિટિંગમાં એવો નિર્ણય લેવાયો છે કે, રાજ્યસભાની ચૂંટણી પૂરી ના થાય ત્યાં સુધી કોઈ કોંગી ધારાસભ્યે એકલ-દોકલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી કે મંત્રીઓને મળવા જવું નહિ. જો કોઈ મોટો ઈશ્યૂ ઊભો થાય તો પ્રતિનિધિ મંડળ સાથે જ જવું. એટલું જ નહિ પરંતુ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મિટિંગમાં ધારાસભ્યોને સ્પષ્ટ કહ્યું કે, કોઈ ધારાસભ્યે સત્તામાં ભાગીદાર થવું હોય, ડરીને ભાજપમાં જવા માગતા હોય કોંગ્રેસ નેતૃત્ત્વને પહેલેથી જ જાણ કરી દે એટલે અમે બેન્ડવાજા સાથે તેને ભાજપમાં મોકલીશું.
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી દશા થઈ તેના માટે ઈવીએમ ઉપર પણ ઉમેદવારોએ દોષનો ટોપલો ઢોળ્યો હતો. લોકસભામાં હાર્યા એ તો બરોબર છે પણ આટલી જંગી લીડથી હાર્યા તે વાત ગળે ઊતરે તેમ નથી તેવા સૂર સાથે ઈવીએમ ઉપર શંકા-કુશંકા વ્યક્ત કરી તેની ઉપર સંશોધન કરવા ચર્ચા થઈ છે. બેઠકમાં ફરી એક વાર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે કડક વલણ અપનાવવાની વાત કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એવું કહ્યું કે, કાર્યકરો અને નેતાઓ લોકો વચ્ચે જશે. સંગઠનને મજબૂત કરવામાં આવશે. બીજી તરફ આગામી વિધાનસભા સત્રને લઈ ફાયર સેફ્ટી સહિતના મુદ્દે કોંગ્રેસે રણનીતિ ઘડી હતી. મિટિંગમાં ૫૫ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા, ગેરહાજર રહેનારાએ પરવાનગી લીધી હતી, બે ધારાસભ્યે મંજૂરી મેળવી નહતી.
ભરતસિંહને હારમાં રશિયાનો હાથ દેખાયો !
પૂર્વ કોંગી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ બેઠકમાં કહ્યું કે, કોંગ્રેસનું હારવાનું કોઈ કારણ ન હતું. ચૂંટણીમાં ચોક્કસ ગોલમાલ થઈ છે. લોકસભા ચૂંટણીમાં રશિયાએ દખલગીરી કરી હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી હતી કહ્યું કે, કોંગ્રેસના મતભેદો આજકાલના નથી. જોકે ૨૦૨૦માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવાની આશા વ્યક્ત કરી હતી.
પ્રભારી રાજીવ સાતવ મિટિંગમાં ફરક્યા જ નહીં
પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવા પોતે ચૂંટણી લડયા નથી તેવી વાતો કરતાં હતા પણ મહત્ત્વની બીજી બેઠકમાં પણ તેઓ ફરક્યા નહોતા.
સુરત જેવી ઘટના ના બને તે માટે શિક્ષણ સંસ્થાઓમાં રેડ કરાશે
કારોબારી બેઠકમાં પાંચ ઠરાવો પસાર કરાયા હતા. સુરતની ઘટના અંગે શોક, સાથે જ આવી ઘટના ના બને તે માટે શિક્ષણ સંસ્થાઓમાં રેડ પાડવાનો નિર્ણય, સોનિયા ગાંધી સંસદીય દળના નેતા ચૂંટાયા તે બદલ અભિનંદન, આંદોલન ચાલુ રાખવા વગેરેનો સમાવેશ થાય છે. સાધ્વી પ્રજ્ઞાના વલણની ટીકા કરાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post CM, Dy.CM કે મંત્રીઓને નહીં મળવા કોંગ્રેસે પોતાનાં MLAને આપ્યું ફરમાન, જાણો કેમ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-congress-tells-mlas-to-not-to-visit-cm-or-dy-cm/
via Best Gujarati News
0 Comments