નીતીશકુમારનાં બ્લેકમેઇલિંગથી ભાજપ તાબે નહીં થાય
સ્નેપ શોટ
ઘરમાં પ્રસંગ લઇને બેઠાં હોય ત્યારે જ કોઇ નજીકનાં સગા વાંધા-વચકાં ઊભા કરીને રિસાઇ જાય તેવું મોટાં ભાગે બનતું હોય છે. આવા સગાઓ પ્રસંગની તાકમાં જ રહેતા હોય છે અને પોતાનું ધાર્યું કરાવવા ઇમોશનલી બ્લેકમેઇલ કરવા સુધી અચકાતાં નથી. ૩૦મી મેએ યોજાયેલાં નરેન્દ્ર મોદીનાં પ્રધાનમંડળનાં શપથવિધિ સમારંભમાં એનડીએનાં સાથીદાર એવાં જેડીયુનાં નેતા નીતીશકુમાર મંત્રીમંડળમાં સામેલ નહીં થઇને એનડીએનાં એક સુંદર પ્રસંગમાં વિવાદ ઊભો કર્યો હતો. સોનાની થાળીમાં લોઢાની મેખ એ કહેવત શપથવિધિ સમારંભમાં સામેલ નહીં થઇને નીતીશકુમારે સાર્થક કરી છે.
ભાજપનાં મજબૂત સાથીદાર તરીકેનો દેખાવ બિહારમાંથી જેડીયુએ કરેલો છે. એનડીએમાં ભાજપ પછી સૌથી વધુ બેઠકો શિવસેનાની ૧૮ છે અને ત્યારબાદ જેડીયુ પાસે ૧૬ બેઠકો છે. ભાજપે એનડીએનાં મુખ્ય સાથીદારોને કેબિનેટમાં સમાવેશ કર્યો છે અને એક મંત્રીપદ આપ્યું છે. જેડીયુને પણ શિવસેનાની જેમજ કેબિનેટ કક્ષાનું એક મંત્રીપદ આપ્યું હતું. પરંતુ જેડીયુને ત્રણ મંત્રીપદ જોઇતાં હતાં. ભાજપ પ્રમુખ અમિત શાહે નીતીશકુમાર સાથે વાત કરી પરંતુ નીતીશકુમારે એક મંત્રીપદ સ્વીકારવાનો ચોખ્ખો ઇનકાર કરી દીધો. બીજીતરફ ભાજપ પણ દ્વિધામાં હતું જો જેડીયુને વધારે મંત્રીપદ આપે તો જેડીયુથી વધારે બેઠકો લાવનાર શિવસેનાને પણ સ્વભાવિક છે કે વધારે મંત્રીપદ આપવા પડે. આ માટે ભાજપ તૈયાર નહોતું. પરિણામે જેડીયુની સામેલગીરી વગર જ એનડીએનાં મંત્રીઓની શપથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો.
મોદી મંત્રીમંડળનાં શપથવિધિ કાર્યક્રમનાં પહેલાં દિવસે જ જેડીયુની આ હરકતથી ચૂપ થઇ ગયેલાં વિરોધીઓને બોલવાનો મોકો મળ્યો. બિહાર કોંગ્રેક્નાં પ્રવક્તાએ કહ્યું કે, જેડીયુને મંત્રીમંડળમાં સામેલ નહીં થવું એ શપથવિધિને ગ્રહણ લાગવાં જેવું છે. નીતીશકુમાર ભાજપ સાથે નોર્મલ નથી. જેડીયુનાં સાંસદોને મંત્રીમંડળમાં નહીં સમાવવા એ ભાજપનો અહંકાર બતાવે છે. કોંગ્રેસનાં પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, બીજેપીએ નીતીશકુમાર સાથે સારો વ્યવહાર કર્યો નથી. અમને દુખ છે કે નીતીશજીએ ઉત્સાહની સાથે પાટલી બદલીને ભાજપ સાથે જોડાણ કરી લીધું પરંતુ ભાજપે તેમને અન્ડર એસ્ટિમેટ કર્યા છે. તો બિહારમાં સાવ ધોવાઇ ગયેલ લાલુપ્રસાદની પાર્ટી આરજેડીને તો નીતીશકુમારની ફિલમ ઉતારવાનો મોકો મળી ગયો. આરજેડીએ કહ્યું કે, જેડીયુનાં સાંસદોને પ્રધાનપદ નહીં આપવું એ ભોજન સમારંભ પહેલા થાળીમાં માખી પડવા જેવી બાબત બની ગઇ. બિહારમાં માત્ર છ બેઠકો મેળવનાર રામવિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી સાથે ૧૬ બેઠકો મેળવનાર જેડીયુની સરખામણી થાય તે ખરેખર તો અંધેરી નગરીને ગંડુ રાજા જેવી વાત થઇ ગઇ. આરજેડીએ કહ્યું, ભાજપનું આ કૃત્ય તો બિહારનું અપમાન સમાન છે. નીતીશકુમારે પ્રધાનમંડળમાં સામેલ નહીં થવાનો નિર્ણય કર્યો છે તે યોગ્ય છે. જો અત્યારથી જ નીતીશકુમાર ભાજપ સામે ઝૂકી જશે તો આવનારાં દિવસોમાં તો તેમણે હજુ કેટલું ઝૂકવું પડશે ?
બિહારમાં હવે એવો માહોલ બની ગયો છે કે જે લોકો નીતીશકુમારની પાર્ટીનાં ઉમેદવારોને હરાવવા ફરતાં હતાં તે લોકો હવે મોકો જોઇને નીતીશકુમાર તરફ સહાનુભૂતિ દર્શાવી રહ્યાં છે. રાજકારણ એ ખરેખર મોકાપરસ્તીનો ખેલ છે. નીતીશકુમારની પાર્ટીને પ્રધાનમંડળમાં વધારે સ્થાન મળે કે ઓછું સ્થાન મળે તેની સાથે કોંગ્રેસ અને આરજેડીને કોઇ લેવાદેવા નથી. પરંતુ અત્યારે સહાનુભૂતિ દર્શાવીને ખરેખર કોંગ્રેસ અને આરજેડી તો નીતીશકુમારનાં જખમ પર મીઠું ભભરાવી રહ્યાં છે.
રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે નીતીશકુમારે મોદી સરકારનાં પહેલાં દિવસે જ વિરોધ દર્શાવીને પોતાની અપરિપક્વતાનાં દર્શન કરાવ્યાં છે. જો કેબિનેટમાં એક જગ્યાથી નીતીશકુમારને સંતોષ ના હોત તો તેમને પોતાનો વિરોધ બંધબારણે રજૂ કરીને આવનારાં દિવસોમાં પોતાની માગણી સંતોષી શકત. પરંતુ સરકાર બનવાનાં પહેલાં દિવસે જ પોતાનો વિરોધ દર્શાવીને હકીકતમાં તો પોતાનું અને બિહારનું અવમૂલ્યન નીતીશકુમારે કર્યું છે. નીતીશકુમારનો આ સ્વભાવ છે. તેમનું રાજકારણ હંમેશા સ્વકેન્દ્રિય રહ્યું છે અને કાયમ નાજોઇતા વિવાદ ઊભા કરીને તેમણે પોતાની રાજકીય છબી ધૂંધળી કરી છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે બિહારમાં આવેલ રેલસંકટ વખતે ગુજરાતમાંથી સહાય મોકલવામાં આવી હતી. તે સહાયનો નીતીશકુમારે એમ કહીને ઇનકાર કર્યો હતો કે સહાયનાં પેકેટો ઉપર નરેન્દ્ર મોદીનાં ફોટા છે. આ સહાયનો અસ્વીકાર કરીને હકીકતમાં તો નીતીશકુમારે બિહારની જનતાને મળનારી રાહત ઠુકરાવી દીધી હતી.
બીજા પ્રસંગમાં ૨૦૧૪માં જ્યારે ભાજપે વડાપ્રધાનનાં ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનાં નામની જાહેરાત કરી ત્યારે સૌથી પહેલો વિરોધ આ નીતીશકુમારે જ કર્યો હતો અને એનડીએમાંથી ખસી ગયાં હતાં. જો કે ૨૦૧૪નાં પરિણામો આવતાં બિહારની ૪૦ બેઠકોમાંથી નીતીશકુમારની પાર્ટી જેડીયુને ગણીને માત્ર ૨ બેઠકો મળી હતી. બિહારમાં ભાજપનો ડંકો વાગ્યો હતો. આ પરિણામો પછી નીતીશકુમારને ભાન થયું હતું કે પોતાનાથી મોટી રાજકીય ભૂલ થઇ ગઇ છે. ત્યારબાદ યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બીકથી જ નીતીશકુમારે પોતાના રાજકીય હરીફ લાલુપ્રસાદની પાર્ટી આરજેડી સાથે ગઠબંધન કર્યું અને જેડીયુની ઓછી બેઠકો હોવા છતાં પણ મુખ્યમંત્રી પદ સંભાળ્યું. મુખ્યમંત્રી બન્યાં પછી લાલુપ્રસાદ યાદવનાં બે દીકરાઓની સતત સરકારમાં દખલગીરીથી કંટાળી નીતીશકુમારે ફરી એકવાર ભાજપ સાથે હાથ મિલાવ્યાં અને આરજેડી સાથે છેડો ફાડી નાખ્યો હતો. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં બિહારની ૪૦ લોકસભાની બેઠકોમાંથી નીતીશકુમારે જીદ કરીને ભાજપ જેટલી જ ૧૭ બેઠકો માગી ભાજપે પણ બિહારમાં નમતુ જોખીને ૨૦૧૪માં માત્ર બે બેઠકો મેળવનાર નીતીશકુમારને ૧૭ બેઠકો આપી હતી.
નીતીશકુમાર પાસે ભાજપનાં ટેકાથી બિહારનું મુખ્યમંત્રી પદ છે. પરંતુ હજુ પણ તેમનો રાજકીય અસંતોષ ઓછો થયો નથી. કેન્દ્રમાં વધારે સત્તા મેળવવા માટે ભાજપનું નાક દબાવ્યું છે. જો કે હવે ભાજપ કોઇના બ્લેકમેઇલિંગને તાબે થવાનું નથી. તેની પાસે પોતાનાં જ ૩૦૩ સાંસદો છે. બિહારમાં નીતીશકુમારને કાબૂમાં લેવા ભાજપે બિહારમાંથી પોતાના પાંચ સાંસદોને મંત્રી બનાવ્યાં છે. જેમાં બે મંત્રીઓને કેબિનેટમાં અને ત્રણ મંત્રીઓને રાજ્યકક્ષાનાં મંત્રી બનાવ્યાં છે. ભાજપ જાણે છે કે નીતીશકુમારને સત્તાની ભૂખ છે અને તેઓ કોઇપણ હદે જઇ શકે છે. તે સંજોગોમાં ભાજપે હવે બિહારમાં પોતાની ધરી મજબૂત કરવા મન બનાવી લીધું છે. જોઇએ હવે નીતીશકુમારનું આગળ શું થાય છે ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નીતીશકુમારનાં બ્લેકમેઇલિંગથી ભાજપ તાબે નહીં થાય appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/nitish-kumars-blackmail/
via Best Gujarati News
0 Comments