માણસાઈના દીવા :-  ઝવેરચંદ મેઘાણી

વાત અહીં પહોંચેલીઃ વ્યારા નજીકના ગામના એક ભગતના દીકરાએ આર્ય ધર્મ પરિષદ માટે દર વર્ષે એકસોને પચ્ચીસ મણ ભાતનું દાન નોંધાવ્યું  ત્યારથી રવિશંકર મહારાજને એ ભગતને મળવાનું મન હતું. છેવટે મેળ પડયો.  મહારાજ ભગતના ગામે પહોંચ્યા અને ભગતને મળ્યા. કાળો સૂકલ દેહ. બોખું મોં. શરીરે ફક્ત પોતડી. ભગત મહારાજને પોતાના ઘરે લઈ જઈને કહ્યું: આ અમારું ઘર. ડાકોરથી નાસિક જનારા સાધુઓનો વિસામો…’ પછી ભગતે વાત આગળ વધારીઃ ‘એકવાર મારા બાપને એક કાવડિયો (પૈસો) જડયો. જનમ ધરીને કદી કાવડિયો અગાઉ દીઠેલ નહીં, એટલે નવાઈનો પાર ન રહ્યો. હાથમાં રાખીને ફર્યા જ કરે! એમાં એક સાધુ આવી ચડયા. બાપે કાવડિયાનં શું કરવું એ મૂંઝવણમાંથી છૂટવા માટે કાવડિયો સાધુને આપ્યો. અને સાધુએ અમારા ઝૂંપડાના છાપરા પર હાથ લંબાવી, છાપરાના સૂકલ ઘાસમાંથી એક ચપટી ભરીને બાપાને કહ્યું: ‘લે, બેટા, દારૂ ન પીજે. તારું સારું થશે. તને ધન મળશે.’

‘ધન મળ્યું ખરું?’ મેં વચ્ચે ઉતાવળે પ્રશ્ર કર્યો. એણે જવાબ વાળ્યો-હસતે મોંએઃ ‘મળ્યું હશે કંઈ ખબર નહીં. પણ દાણા ઘણા થયા. ડાંગર ખૂબ પાકી. પછી મા મરી ગઈ, એટલે બાપા કહે કે, તારી માની પાછળ એનું અન્નક્ષેત્ર તો મારે ચાલુ રાખવું જ જોઈએ. ને એણે મૂઈ માનું કામ સંભાળ્યું. પછી થોડે વર્ષે બાપો મરી ગયો, એટલે મને થયું કે, બાપે ચાલુ રાખેલું માનું કામ મારે પણ ચાલુ રાખવું જોઈએ.’

થોડો વિસામો ખાઈને એણે કોઈ અદૃશ્ય ચોપડો વાંચતો હોય એવી રીતે ચલાવ્યું: ‘અમારે ત્યાં રિવાજ એવો કે દાણા ઘર બહાર વાડામાં મોટા પાલવ કરીને ભરી રાખીએ. દાણા ઘરમાં ભરવાનો રિવાજ જ નહીં, એમાં છપ્પનિયો દુકાળ આવ્યો. છોકરો અમરસંગ કહે કે, ‘બાપા, દાણા સંતાડી દઈએ’. મેં કહ્યું કે, ‘અરે દાણા તે કંઈ સંતાડાય? દાણા તો પરમેશ્વરે ખાવા સારુ આલ્યા છે, એને સંતાડાય નહીં. સંતાડીએ તો પરમેશ્વર આલે નહીં.’ એ કહે કે, ‘લોકો લઈ જશે.’ મેં કહ્યું: ‘લઈ શીદ જાય?’ તો કહે કે, ‘ખાવા’. મેં કહ્યું કે, ‘અમરસંગ, ખાવા માટે તો દાણા છેઃ દાણાનો બીજો શો ખપ છે? ખાવા દેને જેટલા ખાવા હોય તેટલા!’

દાણા વિશેનું સાચું તત્ત્વજ્ઞાન ચર્ચતો કોઈ દાર્શનિક આ ડોસાની અંદર મને દેખાયો. મેં કહ્યું: ‘પછી?’

‘પછી તો ખૂબ મે’ વરસ્યો. ડાંગરનો પાક ઊગ્યો. પણ પાકવા આડો એકાદ મહિનો રહ્યો, ને અમારું અનાજ ખૂટયું, એક દિવસ અમારા ઘરમાં ફક્ત એક જ ટંક ચાલે તેટલા વાલ રહ્યાઃ બીજું કંઈ ન મળે. અમરસંગની વહુએ આંધણ મૂક્યું. વાલ ઓરવાની ઘડી વાર હતી, તે જ વખતે છોકરાં બહારથી દોડી આવીને કહેવા લાગ્યાં: જંગલમાં ચાર ફકીર છે! (જંગલ અમારા ઘર પાસે જ હતું.)

”ફકીર છે એ સાંભળીને તરત મેં કહ્યું: ‘વહુ, વાલ ઓરશો નહીં.’ ”

બોખું મોં હસ્યું ને પાછું ચાલુ થયું:

‘વાલ હતા તે ચારેય ફકીરોને આપી દીધા. એમણે એ રાંધીને ખાધા, અમે સૌ ભૂખ્યાં રહ્યાં, પણ વરસાદ વરસવા લાગ્યો, એટલે ફકીરો તો રોકાઈ રહ્યા, એટલે આખી રાત મારા મનમાં એ જ વિચાર ચાલ્યા કર્યો કે, સવારે ફકીરોને શું આપશું!’

અહીં મે વિચાર્યું: ‘આ તો જુઓ! સવારે પોતે અને કુટુંબ શું ખાશે એનો વિચાર એને ન આવ્યો- ફકીરોનો આવ્યો!’ આટલા વિચાર પછી મહારાજે ભગવતી કથાનો ત્રાગડો પાછો પકડયોઃ

‘મેં અમરસંગને કહ્યું કે, હવે બીજે ટંકે ફકીરને શું આપશું? છોકરો કહે કે, બાપા, ચાલો વ્યારે; ત્યાંથી આપણે દાણા ઉછીના લઈ આવીએ. મેં કહ્યું કે, આપણને કોણ આપશે? છોકરો કહે, કે આપશે. ચાલો.’

‘અમારું ગાડું વ્યારાની ભાગોળે પહોંચ્યું, ત્યાં એક શેઠ સામા મળ્યા. હું તો એને નહોતો ઓળખતો, પણ મને એણે ઓળખ્યો અને નવાઈ બતાવીઃ ‘અરે ભગત! તમે અહીં ક્યાંથી?’ કારણકે હું કદી અગાઉ વ્યારા જેટલેયે આવેલો નહીં. મેં કહ્યું: ‘દાણા ઉછીના લેવા આવ્યો છું.’ એ કહે કે, ‘જોઈએ તેટલા લઈ જાવ ને! ચાલો, તમારે દાણા જોઈએ તો કોણ નહીં આપે!’

‘ગાડું શેઠે પોતાની દુકાને હંકારવ્યું. દુકાને જઈને મેં કહ્યું: ‘કળશી ચોખા આપો, ને બીજા એક મણ શક્કઈ (ઊંચા ચોખા) આપો.’

‘માગ્યા તેટલા શેેઠે આપ્યા. ગાડું ભર્યું, ને પછી મેં છોકરાને કહ્યું: ‘અમરસંગ, તું જા. હું અહીં શેઠનું કામ કરવા રોકાઈશ. તું આપણો પાક થાય ત્યારે ચોખા ભરીને પાછો આવજે, ને મને લઈ જજે.’ અમરસંગ ગાડું હાંકીને ચાલવા માંડયો ત્યારે શેઠની નજર મારા તરફ પડી. મને બેઠેલો જોઈને શેઠે કહ્યું: ‘અરે, તમે કેમ રોકાયા?’

‘મેં કહ્યું: તમારું કામ કરવા.’

‘કામ શાનું?’

‘કેમ! તમારા દાણા લીધા તે પાછા આપું ત્યાં સુધી તમારે ઘેર કામ કરવા રહેવું જ જોઈએ ને?’

‘અરે ભગત, તમે આ શું બોલો છો? તમારી પાસે કામ કરાવાય! અને મેં તમને ક્યાં ઉછીના આપ્યા છે? તમે તો ઘણાને દીધું છે.’

‘પછી તરત જ મને એ ગાડામાં વિદાય કર્યો. હું ગયો અને વરસ સારું પાક્યું, એટલે બધા દાણા વાણિયાને ચૂક્વી આપ્યા. પછી ગામનાં લોકો બધા ભેગા થયાં, અને મને કહેઃ ‘ભગત, તમે કાળ વરસમાં લોકોને દાણા પૂર્યા, માટે તમારી ધરમની ધજા બંધાવો.”

લોકોના આ શબ્દો સંભારીને ભગત મારી સામે જોઈને હસ્યા, અને કહેવા લાગ્યા કે, ‘ધરમની ધજા તે બંધાવાય? મેં શું દાન કર્યું છે તે હું ધરમની ધજા બંધાવું! અમારા ખાતાં જે વધ્યું, તે અનાજ અમને શા ખપનું હતું? એ અનાજ લોકો ના વાપરે તો તેનું શું થાય? વધેલું અનાજ વાપરવા આલ્યું તેની તે કાંઈ ધરમની ધજા હતી હશે? અમને તો અનાજનો કોઈ દિવસ તૂટો આવ્યો નથી.’

પછી મારી સામે જોઈને ફરી પાછા બોલ્યા- ને આ બોલતી વખતે તેમના મોં પર હાસ્ય નહોતું.

‘પણ હવે તૂટો આવવા લાગ્યો છે. અમારે અમરસંગનો છોકરો છે ને, તે આમ ક્યાંક દૂર દૂર ભણવા ગયો છે,’ એમ કહીને એમણે કોઈ દૂર અગમ્ય સ્થળ બતાવવા પોતાનો હાથ લંબાવ્યો. ‘અને તે એકલો જ અમારા આખા કુટુંબ જેટલું ખાઈ જાય છે.’

પ્રથમ તો હું ન સમજ્યો. પછી મને સમજ પડી કે આ ભગતનો પૌત્ર કવિવર ટાગોરના ‘શાંતિનિકેતન’માં ભણતો હતો, અને ત્યાંના ભણતરના ખર્ચની જે મોટી રકમ પૂરવી પડતી હતી, તેને માટે વેચી નાખવા પડતા ઘરના દાણાના મોટા જથ્થાને અનુલક્ષીને ભગત આમ બોલ્યા કે, ‘તે એકલો જ અમારા આખા કુટુંબ જેટલું ખાઈ જાય છે!’

આધુનિક કેળવણી ઉપરનો આ કટાક્ષ અતિ વેધક હતો! પણ ભગત એ કટાક્ષરૂપે નહોતા બોલ્યા. પોતાને નથી સમજાતું એવું કંઈક કુટુંબ-જીવનમાં બની રહ્યું છે- એટલો જ એનો મર્મ હતો.

‘ને હવે તો-‘ ભગત ફરી પાછા હસીને બોલ્યાઃ ‘હવે તો ગાડી થઈ ગઈ એટલે ડાકોરથી નાસિક જતાં સાધુઓ અહીં નથી આવતા- પણ ધગડા આવે છે.’

ધગડા એટલે પોલીસ!

‘અને-‘ ભગતે છેલ્લો બોલ ઉમેર્યોઃ ‘અને એ પણ અહીં ખાય છે.’

અમારી વાત પૂરી થઈ ગઈ, અને મારે ભગતને ઘેર રાત રોકાવું પડયું કારણકે પોતાને ત્યાં આવનાર કોઈને પણ એ જમ્યા વિના જવા દેતા નહીં, અને હું એક ટંક આહાર લેતો હોવાથી સાંજે મારાથી જવાય તેમ નહોતું. વળતે દિવસે જમીને હું ત્યાંથી નીકળ્યો. તે ઘડીથી આજ સુધી મારા મનમાં એક વાક્ય ગુંજી રહ્યું છેઃ ‘લાંબું દેખું છું. બહુ… બહુ લાંબું દેખું છું. સરકારનું રાજ નહોતું કે પૂર્વે હું હતો.’

તે દિવસથી હું કાળા કીટોડા જેવા, સૂકલ હાડપિંજર-શા, એક જ પોતડીભર રહેતા અને નિરંતર હસ્યા જ કરતા ગામીત આદિવાસીને ‘કળિયુગના ઋષિ’ કહી ઓળખાવું છું.

કળયુગના ઋષિ એ અર્થમાં કે, ગીતામાં જે અનાસકિતયોગ કહ્યો છે, તેનું સવાયું આચરણ મને આ માણસમાં દેખાયું છે. પોતાની જરૂરિયાતો પ્રત્યે ઉદાસીનતા હોવા છતાં કાર્યમાં તો એ ખૂબ રસ બતાવતા, અને પ્રયત્નવાન રહેતા. પોતાને ખાવા પૂરતું અનાજ તો એ દોઢ-બે વીઘામાંથી ઉત્પન્ન કરી લેતા. પણ-તે છતાંય, જમીન વધાર્યે જ જતા. વધાર્યે જતા-અને લોકો માટે એ અનાજ આપી દેતા. જમીન વધારતાં નીપજ વધી, પણ એની જરૂરિયાત વધી ન હતી. આવો નિષ્કામ કર્મયોગ આચરતા એ યોગી હતા. થોડા વર્ષ પર એ ગુજરી ગયા.

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અનાજના અર્થશાસ્ત્રનો સાચો મરમી! appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/grain-economics-true/
via Best Gujarati News

0 Comments