નરોડાના MLAની ગુંડાગર્દી, પાણીની રજૂઆત કરવા આવેલી મહિલાને ફટકારી
। અમદાવાદ ।
રાજ્ય સરકાર એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરી રહી છે ત્યારે બીજી તરફ ભાજપના જ નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી મહિલાઓ સાથે અમાનુષી વર્તન કરી રહ્યા છે. ધારાસભ્ય બલરામ થાવાણીના ગુંડાગર્દીથી ભરેલો ચહેરો બેનકાબ થતાં ચોમેર ફીટકાર વરસી રહ્યો છે. થાવાણીએ પાણીની રજૂઆત કરવા માટે આવેલી મહિલા સાથે અશોભનીય વર્તન કરતાં જાહેરમાં ફટકારી હતી જેનો વીડિયો સોશિયલ મીડીયામાં વાઈરલ થયો છે. સરકાર કયા મોંઢે મહિલા સશક્તિકરણની વાતો કરી રહી છે ? જ્યારે ભાજપના જ ધારાસભ્ય મહિલાઓ સાથે અમાનુષી અત્યાચાર ગુજારતા હોય ત્યારે બીજી ન્યાયની શું અપેક્ષા રાખી શકાય ? ધારાસભ્યની ગરીમાને લજવી મારનાર ધારાસભ્ય બલરામ થાવાણી સામે સરકાર પગલાં ભરશે ખરી ?
મેઘાણીનગર બંગલા એરિયામાં ધારાસભ્ય કાર્યાલય પર પાણીના મુદદ્ મહિલા રજૂઆત કરવા માટે પહોંચી હતી. જ્યાં રજૂઆત સાંભળવાનું તો દૂર રહ્યું અને બલરામ થાવાણીએ પિત્તો ગુમાવ્યો હતો અને તેમને અને સાગરિતોએ મહિલાને જમીન ઉપર પટકી દઈને બેફામ માર માર્યા બાદ લાતો પણ ફટકારી હતી. ધારાસભ્યને બેહૂદા વર્તન જોઈ લોકો સ્તબ્ધ રહી ગયા હતા. શું ધારાસભ્યની કોઈ ગરીમા નથી ? શું થાવાણીને કાયદા-કાનૂનનો કોઈ ડર નથી કે પછી ભાજપના રાજમાં ધારાસભ્ય બેફામ થઈ ગયા છે ? ત્રણેક દિવસ પહેલાં પણ થાવાણીના મોટાભાઈ કિશોરે કુબેરનગર વોર્ડમાં મહિલાને બિભત્સ ગાળો બોલીને કિશોરને માર માર્યો હતો. જેની શાહી પણ હજુ સુકાઈ નથી ત્યાં ધારાસભ્યએ પોતાની જોહૂકમી ચલાવી છે જેના નરોડા સહિત અન્ય વિસ્તારોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. શું મહિલાઓ રજૂઆત માટે જઈ ના શકે ? શું ધારાસભ્યની મહિલાની રજૂઆત સાંભળવાની જવાબદારી નથી ? આ તે કયા ઘરનો ન્યાય છે કે મહિલાને જાહેરમાં ફટકારવામાં આવે ?
DCPનું તપાસનું નાટક
વીડિયો ફૂટેજમાં ધારાસભ્ય થાવાણી અને તેના સાગરિતો મહિલાને બેફામ માર મારતા જણાય છે. જે સંદર્ભે ઝોન-૪ના ડીસીપી નીરજ બડગુર્જરે કહ્યું કે, મામલાની તપાસ થઈ રહી છે અને બાદમાં કાર્યવાહી કરીશું.ડીસીપી માત્રને માત્ર તપાસનું નાટક કરી રહ્યા છે. થાવાણી સામે કડક પગલાં ભરવામાં પોલીસના લાંબા હાથ ટૂંકા પડી રહ્યા છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નરોડાના MLAની ગુંડાગર્દી, પાણીની રજૂઆત કરવા આવેલી મહિલાને ફટકારી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/naroda-mla-beat-woman-over-water-issue-in-ahmedabad/
via Best Gujarati News
0 Comments