પકડો કલમને કોઇ પળે એમ પણ બને, હાથ આખેઆખો બળે એમ પણ બને…
વાઈડ એન્ગલ :- જયેશ ઠકરાર
ગુજરાતમાં સિંહ અને નરસિંહની ભૂમિ જૂનાગઢમાં પોતાનું કામ કરતાં બે પત્રકારોને પાંચ પોલીસમેને લાઠીઓથી ઝૂડી નાખ્યા, પૂરા રાજ્યમાં હોબાળો મચ્યા બાદ સસ્પેન્શનના પગલાં લેવાયા છે. પત્રકારો ઉપર હુમલાનો સિલસિલો વધી રહ્યો છે. પૂરા વિશ્વમાં જ્યાં ધૂમ ભ્રષ્ટાચાર થાય છે અને લોકશાહીને બદલે તાનાશાહી પ્રવર્તતી હોય ત્યાં ઓથોરિટીને મિડીયા આંખમાં કણાની જેમ ખટકે છે. ૨૦૧૮થી અત્યાર સુધીમાં ૨૭ પત્રકારોના ખૂન થયા છે, ૨૦૧૭માં આ આંકડો ૧૮ હતો જ્યારે ૨૦૧૬માં ૧૯ પત્રકારોની હત્યા થયેલી…
તૂટી કલમ તો આંગળીના ટેરવેથી લખ્યું
એથી જ રાતી ઝાંય છે મારા બયાનમાં…
અમાનૂષી અત્યાચારો થતાં રહે છે- છતાં પત્રકારો ડર્યા નથી. આ વર્ષે પત્રકારિત્વના નોબેલ ગણાતા પૂલિત્ઝર પૂરસ્કારથી ન્યૂઝ એજન્સી રોઈટર્સના બે પત્રકારો વા લોન અને ક્યાવ સો ઓને સન્માનિત કરવામાં આવ્યા. મ્યાનમાર સિક્યોરિટી ફોર્સ દ્વારા રોહિંગ્યા મૂસલમાનોના નરસંહારનું ઈન્વેસ્ટિગેશન કરવા બદલ જેનું બહુમાન થયું છે તે બંને પત્રકારો અત્યારે મ્યાનમારની જેલમાં છે. મ્યાનમાર સરકારે તેને ૪૯૦ દિવસની કારાવાસની સજા ફટકારી છે – તેનો ગૂનો માત્ર એટલો કે તેણે પૂરા વિશ્વ સમક્ષ ધ્રુજારીપૂર્ણ સત્ય રજૂ કર્યું – મેદાનમાં પડેલી લાશોનું પગેરૂ શોધતા શોધતા તે શયતાનો સુધી પહોંચી ગયા હતા.
ડો.સંપૂર્ણાનંદે કહ્યું છે કે, પત્રકારોએ મહર્ષિ નારદને ગુરૂ માનવા જોઈએ જે પ્રચારક તો હતા જ સાથોસાથ તેનામાં ધૈર્ય, શૌર્ય અને આત્મત્યાગના ગુણો હતા. Reporters Without Bordersના અહેવાલ મુજબ વોશિંગ્ટન પોસ્ટના કોલમિસ્ટ જમાલ ખાશોગીની તૂર્કીમાં સાઉદી અરેબિયાના દૂતાવાસમાં હત્યા થઈ એ સમયગાળામાં ૧૫ પત્રકારોને પણ બંદી બનાવાયા હતા. અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘની સેના અને મૂજાહિદીનો વચ્ચેના સંઘર્ષનું રિપોર્ટિંગ કરી જમાલનું નામ ચર્ચામાં આવ્યું હતું. ક્રાંતિકારી વિચારો ધરાવતા જમાલ ૨૦૦૩માં સાઉદી અરબના વિસ્ફોટક મેગેઝિન અલ વતનના સંપાદક બનેલા.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની લોહિયાળ સરમુખત્યારશાહી અને ઓસામા બિન લાદેન સાથેના શ્રેણીબધ્ધ ઈન્ટરવ્યુથી બહુચર્ચિત જમાલના કાકા અદનાના ખાશોગી કૂખ્યાત વેપન ડીલર હતા. ભારતમાં તાંત્રિક ચંદ્રાસ્વામી સાથે તેના સંબંધો બહુ ચગેલા.
સાઉદી અરબે જમાલનો કેસ ઢાંકવા ખૂબ ધમપછાડા કર્યા પરંતુ સીઆઈએ માને છે કે યુવરાજ નબી અહદે આ ખૂન કરાવ્યું છે.
બલ્ગેરીયામાં સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારી મહિલા પત્રકાર ઉપર બળાત્કાર કરી તેની હત્યા કરવામાં આવેલી. સ્લોવેકીયામાં જેન કૂસિયકે અને માલ્ટાના ડફ્ને કરૂઆનાનું રહસ્યમય સંજોગોમાં મોત થયું ત્યારે તે સરકારી લાંચકેસની તપાસ કરતા હતા.
વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ-૨૦૧૯માં ઉતર કોરિયા સૌથી તળિયે છે. અહીં સત્ય બયાન કરવા માટે આ વાત જ કાફી છે, બુધ્ધે કહ્યું છે ‘ત્રણ વસ્તુ લાંબો સમય ઢંકાયેલી રહેતી નથી- સૂર્ય, ચંદ્ર અને સત્ય!
ઈથોપિયા, તૂર્કમેનિસ્તાન, વિયેટનામમાં પત્રકારોના શ્વાસ રુંધી દેવાયા છે. રશિયા ૧૫૦માં ક્રમે છે. રિપોર્ટર્સ ઉપર હુમલા અને ધરપકડના દોરથી વેનેઝૂએલા પણ આ વખતે ૧૪૩માંથી ૧૪૮માં ક્રમે પહોંચી ગયું છે. ચાઈનીઝ ડ્રેગન ૧૭૭માં ક્રમે છે. અમેરિકા પણ ૩ પોઈન્ટ ગૂમાવી ૪૮માં ક્રમે છે.
હિન્દુસ્તાનમાં ગૌરી લંકેશ મર્ડર કેસની દુનિયાભરમાં ચર્ચા થયેલી. ૨૦૧૮માં ભારતમાં ૬ પત્રકારોના ખૂન થયા. ફ્રિડમ ઈન્ડેક્સમાં ભારત બે પોઈન્ટ નીચે ઉતરી ૧૪૦માં ક્રમે છે. ૧૮૦ દેશોમાં ૨૪ ટકા દેશોમાં પત્રકારો માટે ખૂબ જ ઉત્તમ તો નહીં પરંતુ સારું વાતાવરણ છે. બાકી અપમાન, ધમકી અને હુમલા હવે પત્રકારિત્વના લોકો માટે અનિવાર્ય દૂષણ બની ગયા છે.
કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલીસ્ટ્સના ડેટા મુજબ ૧૯૯૨થી અત્યાર સુધીમાં ૧૩૨૨ પત્રકારોને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. જર્નાલિઝમ લોકશાહીમાં ચોથો સ્તંભ ગણાય છે પરંતુ લોકશાહીના નામે જ્યાં જ્યાં સત્તાધીશો જૂલ્મગાર બની ગયા છે ત્યાં સૌથી પહેલું નિશાન મિડીયા જ બને છે.
ઝૂમ ઈન
છોટે શહેરકે અખબાર
જૈસા હું, મે જનાબ
દિલ સે લિખતા હું
ઈસ લિયે કમ બિકતા હું
ઝૂમ આઊટ
ઈસ શહેરમે જિનેકે
અંદાઝ નિરાલે હૈ
હોઠોપે લતીફે હૈ,
આવાઝમે છાલે હૈ
fb/ jayesh thakrar wide angle
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પકડો કલમને કોઇ પળે એમ પણ બને, હાથ આખેઆખો બળે એમ પણ બને… appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/hold-the-clause-any-moment-m-even-bun/
via Best Gujarati News
0 Comments