નવલકથા

પ્રકરણ-૧૫  

અલીબાગનો દરિયાકિનારો.  

આજે હવામાન ખુશનુમા હતું. સહેલાણીઓ સવારથી જ દરિયાકિનારા પરના બીચ પર મોજમસ્તી કરી રહ્યાં હતાં. બાળકો રમી રહ્યાં હતાં. કેટલીક યુવતીઓ સૂર્યસ્નાન કરી રહી હતી. ચારેબાજુ કોલાહલ હતો. પરંતુ દરિયા કિનારાનો એક છેડો એવો હતો જ્યાં કોઈ જ જતું નહોતું. માનવ કોલાહલથી દૂર એક યુવતી બેઠી હતી. એ હતાશ હતી, નિરાશ હતી, દુઃખી હતી. એ એકલી એકલી આંસુ સારી રહી હતી. રાત્રે એને લૂંટી લેવામાં આવી હતી. હવે તેની પાસે પૈસા પણ નહોતા. છેક બપોર સુધી તે ત્યાં જ બેસી રહી.

એ અલંકૃતા હતી.

એને ભૂખ લાગી હતી. એક વેન્ડર તેના હાથમાં પકડેલા બાસ્કેટમાં સેન્ડવીચ વેચવા આવ્યો પણ સેન્ડવીચ ખરીદવા તેની પાસે પૈસા નહોતા. એ ધીમેથી ઊભી થઈ અને એક મક્કમ નિર્ણય સાથે દરિયાના પાણીમાં ચાલવા લાગી. ‘ યહા સે આગે મત જાઈયે’ – તેવી સૂચના લખેલા એક બોર્ડની અવગણના કરીને તે આગળ વધતી રહી.

આજે દરિયામાં ઓટ હતી. મોજા પાછાં ઠેલાતાં હતાં. અલંકૃતા બેધ્યાન બનીને પાણીની અંદર ચાલતી જ રહી. એક વખત તો પાછાં ફરી રહેલાં મોજાના પ્રચંડ પ્રવાહના કારણે તે પાણીમાં જ ઉથલી પડી. તે આખી ને આખી ભીંજાઈ ગઈ. દરિયામાં ઓટ હોય ત્યારે તેમાં ઉભા રહેવું ભયજનક હોય છે. કારણકે પાણી માનવીને દરિયામાં પાછું ખેંચી જતું હોય છે.

એ ફરી ઊભી થઈ. એણે દરિયાના પાણીમાં ચાલવાનું ચાલુ રાખ્યું. હવે ઊંડાણ વધતું જતું હતું. દૂર ઊભેલાં લોકોને પણ લાગ્યુ કે કોઈ યુવતિ મોતના મોંમાં જઈ રહી છે. લોકોએ જોયું તો તે દરિયાનાં પાછાં ફરતાં પાણીમાં ઊભા થવા પ્રયાસ કરતી હતી અને પાણીમાં પડી જતી હતી. કેટલાક લોકોએ તેને પાછા આવવા બૂમો પાડીઃ ‘ડોન્ટ ગો…ડોન્ટ ગો…’

પણ અલંકૃતા કોઈનો અવાજ સાંભળવા માંગતી નહોતી. દરિયામાં આગળ વધવાનો એનો પ્રયાસ જોતાં એ વાત હવે સ્પષ્ટ હતી કે તે જાણી બુઝીને ડૂબવા જ આગળ વધી રહી હતી. તે શાયદ આત્મહત્યા કરી લેવા માંગતી હતી.

અને અચાનક તે એ પાણીના પાછાં ફરતાં પ્રચંડ પ્રવાહમાં ગરકાવ થતી ગઈ અને પાણીમાં ઉથલી પડી. પાણીમાં ડૂબવા લાગી. તેના શ્વાસ હવે રુંધાવા લાગ્યા હતા. પાણીમાંથી એણે ઊભા થવા કોઈ પ્રયાસ જ ના કર્યો. લોકોએ બૂમાબૂમ કરી મૂકી. કેટલાક લોકો અલંકૃતાને બચાવવા એ જ્યાં ડૂબી રહી હતી ત્યાં આગળ વધ્યા. પાણીના પાછાં ફરતાં મોજાંની વચ્ચે બે પુરુષો અલંકૃતા સુધી પહોંચી ગયા. એમણે પાણીમાં ગરકાવ થઈ રહેલી અલંકૃતાને ઊંચકીને બહાર કાઢી. એ અર્ધ બેભાન જેવી હતી. એ એટલું જ બોલીઃ ‘મને ડૂબવા દો…મને મરી જવા દો… મારે નથી જીવવું…’

પરંતુ અલંકૃતાને દરિયાના પાણીમાં ડૂબતી બચાવીને બહાર કાઢવામાં આવી. તેને કિનારે લાવી બીચ પર સુવરાવી દેવામાં આવી. અલંકૃતા પાણી પી ગઈ હતી. કેટલાકે એને ઊંધી સુવરાવી તેના પેટમાંથી પાણી બહાર કાઢવા પ્રયાસ કર્યો. એટલામાં એક સિક્યોરિટી ગાર્ડ પણ આવી ગયો. એણે બધાંને હડસેલી મૂકી અલંકૃતાને સ્વસ્થ કરવા કોશિશ કરી.

કોઈક બોલ્યું: ‘પોલિસ કો બુલાઓ. ઈસ મહિલા કો મદદ કી જરૂરત હૈં.’

સિક્યોરિટી ગાર્ડે કહ્યું: ‘હા…મેં અભી પુલિસ બુલાતા હું, લેકિન પહેલે યે મહિલા કો હોસ્પીટલ લે જાના પડેગા.’

અલંકૃતાની આંખો હજુ બંધ હતી. લોકોનો કોલાહલ હવે વધ્યો હતો. અલંકૃતા બીચની સપાટી પર જ સૂતેલી હતી. તેની ચારે તરફ લોકો એકત્ર થઈ ગયા હતા.

એટલામાં પોલિસ આવી પહોંચી.

અલંકૃતાએ હવે આંખો ખોલી. એની ચારે તરફ અનેક આંખો તેને નિહાળી રહી હતી. તે હવે વધુ ડરી. તે ભાનમાં આવી હતી. એ એટલું જ બોલીઃ ‘મને શા માટે બચાવી?’

એટલામાં એક પોલિસ કોન્સ્ટેબલ આવી પહોંચ્યો. એ સમજી ગયો કે કોઈ યુવતિએ આત્મહત્યા કરવા કોશિશ કરી છે.

પોલિસ કોન્સ્ટેબલે સહાનુભૂતિ દર્શાવતાં પૂછયુઃ ‘આપ કૌન હો, બહન?’

અલંકૃતાની આંખમાં પાણી હતું.

પોલિસે પૂછયુઃ ‘આપ કા નામ ક્યા હૈં મેડમ?’

અલંકૃતાએ મૌન રહેવાનું પસંદ કર્યું.

પોલિસ કોન્સ્ટેબલ બોલ્યોઃ ‘આપને આત્મહત્યા કરને કી કોશિશ ક્યોં કી? આપ કો પુલિસ સ્ટેશન આના પડેગા.’

અલંકૃતા કોઈ બોલે એ પહેલા એક પ્રભાવશાળી વ્યક્તિ એ ભીડને ખસેડીને અલંકૃતા પાસે આવ્યો. એ બોલ્યોઃ ‘મેડમ કો પુલિસ સ્ટેશન લે જાને કી કોઈ જરૂરત નહીં હૈં. મેં ઈસ મેડમ કો પહેચાનતા હું. આઈ વિલ ટેઈક કેર ઓફ હર…પ્લીઝ, આપ સબ જાઈએ.’

અલંકૃતા એમને જોઈ રહી.

પોલિસ કોન્સ્ટેબલે એ પ્રભાવશાળી વ્યક્તિને સલામ મારી અને તે બોલ્યોઃ ‘ઓહ! સર આપ?’

એ વ્યક્તિએ કહ્યું: ‘હા….! આપ સબ જાઈએ. મૈં ઉનકો સમાલતા હું.’

પોલિસ કોન્સ્ટેબલ ફરી એ વ્યક્તિને સલામ મારીને જતો રહ્યો. કોસ્ટલ સિક્યોરિટી ગાર્ડ પણ એમને ઓળખી ગયો હતો. એ પણ સલામ મારીને જતો રહ્યો. લોકોને પણ લાગ્યું કે આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતી હવે તેની પરિચિત વ્યક્તિના સાંનિધ્યમાં છે. એમ વિચારી બધાંએ ચિંતા છોડી દીધી અને ધીમે ધીમે બધાં વિખેરાઈ ગયાં.

અલંકૃતા પણ એ વ્યક્તિને ઓળખતી હોય તેમ તેના સહારે ઊભી થઈ.

હવે આસપાસ કોઈ નહોતું. અલંકૃતા પણ એ વ્યક્તિને ઓળખી ગઈ હતી. એ બોલીઃ ‘વિજયપત, તમે?’

અલંકૃતા જેના સહારે ઊભી થઈ હતી તે વિજયપત પવાર હતા. દેશના મોટા ઉદ્યોગપતિ, અનેક કંપનીઓના માલિક અને પૂણેની ફર્ગ્યુસન કોલેજમાં અલંકૃતાના સહાધ્યાયી.

વિજયપત બોલ્યોઃ ‘હા….અલંકૃતા, હું વિજયપત પવાર…’

‘પણ તમે અહીં ક્યાંથી?’

‘અહીં મારો બંગલો છે, સમર હાઉસ છે. વર્ષમાં બસ એક બે વાર અહીં આવું છું. હું આજે દરિયાકિનારે ચાલવા નીકળ્યો હતો અને મને ખબર પડી કે કોઈ યુવતિ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. લોકોનો કોલાહલ જોઈ હું અહીં આવ્યો. મેં તને જોઈ. પણ તેં આમ શા માટે કર્યું?’

અલંકૃતા રડવા લાગી. એ એટલું જ બોલીઃ ‘પ્લીઝ ડોન્ટ આસ્ક મી એનીથીંગ…’

વિજયપત પવારે કહ્યું: ‘મારે કાંઈ જ જાણવું નથી. પછી નિરાંતે વાતો કરીશું. હાલ તું ક્યાં રોકાઈ છે?’

‘સામેના રિસોર્ટમાં, પણ ગઈ રાત્રે એક કપલે મને લૂંટી લીધી. મારી પાસે પૈસા નથી, રિસોર્ટનું બિલ ચૂક્વવાના પણ.’

‘ડોન્ટ વરી…તું તારી કોટેજમાં જા અને નાહી લે. કપડાં બદલી રિસેપ્શન પર આવી જા. બેગ લઈને આવ. હું બધાં બિલ ચૂક્વી દઉં છું. હવે તારે અહીં રિસોર્ટમાં રહેવાની જરૂર નથી. યુ આર કમીંગ વીથ મી…મારા સમર હાઉસમાં તારે રહેવાનું છે.’ વિજયપત એટલું કહીં નજીકના રિસોર્ટના રિસેપ્શન પર ગયો.

થોડીવાર બાદ અલંકૃતા સ્નાન કરી, વસ્ત્રો બદલી રિસોર્ટના રિસેપ્શન પર આવી. વિજયપતે પોતાના ક્રેડીટ કાર્ડથી અલંકૃતાનાં બધાં બિલ ચૂક્વી દીધાં હતાં. વિજયપત પવાર એક મોટા ઉદ્યોગપતિ હોવાના કારણે અલીબાગમાં ઘણા બધાં એમને જાણતા હતા. રિસેપ્શન છોડતી વખતે રિસેપ્શનીસ્ટ યુવતિએ ફૂલોનું એક બુકે અલંકૃતાને આપ્યું. અલંકૃતા માંડ માંડ તેના ચહેરા પર સ્મિત લાવી શકી.

બેઉ બહાર નીકળ્યાં. રિસોર્ટના સ્ટાફે અલંકૃતાની બેગ બહાર પોર્ચમાં ઊભેલી ર્મિસડીઝ કારની ડેકીમાં મૂકી. અલંકૃતા અને વિજયપત પવાર બેઉ પાછળની સીટમાં ગોઠવાયાં.

અલંકૃતા હજુ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ નહોતી. રસ્તામાં જ વિજયપતે પૂછયું: ‘અલંકૃતા! તારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ છે?’

અલંકૃતા મૌન રહી.

વિજયપતે ફરી પૂછયું: ‘તારો હસબન્ડ તને શોધવા છેક પૂણે મારા બંગલે આવ્યો હતો. પોલિસના દફતરે તો તું ગૂમ છે અને પોલિસ એમ માની રહી છે કે તારા હસબન્ડે તારી હત્યા કરી નાંખે છે. આ બધું શું છે?’

અલંકૃતા ફરી ચૂપ રહી.

વિજયપતે કહ્યું: ‘અલંકૃતા, પ્લીઝ લેટ મી નો વોટ હઝ હેપન્ડ?…હું તારા માટે શું કરી શકું?… અને એક બીજી વાત સાંભળ. તારે મને ‘તું’ જ કહીને બોલાવવાનો. આપણે હજી મિત્રો છીએ. બોલ હવે તારે શું કરવું છે?’

અલંકૃતા બોલીઃ ‘ થેંક્સ. અત્યારે તો મારે આરામ કરવો છે. બસ મને ક્યાંક લઈ જા… મારે ઉંઘી જવું છે.’

વિજયપત બોલ્યોઃ ‘હું તને મારા સમર હાઉસ પર જ લઈ જાઉં છું…તારે જેટલું રહેવું હોય તેટલું રહેજે.’

‘શ્યોર?’

‘હા… હા… તારે પૂણે છોડવાની જરૂર જ નહોતી.’ વિજયપત સાંકેતિક બોલ્યો.

અલંકૃતા ફરી મૌન થઈ ગઈ.

વિજયપતે પૂછયું: ‘સાવ એક નાની સરખી વાત માટે તંે શા માટે મારી સાથે સંબંધ કાપી નાંખ્યો?’

‘વિજયપત, હું પઝેસીવ છું. હું જે વ્યક્તિને મારી માનું છું તે બીજાની ના હોઈ શકે. તારે એની સાથે જવાની જરૂર નહોતી.’

‘કોની સાથે?’ વિજયપત પવારે પૂછયું.

‘અનન્યા સાથે… મેં તને મારો મિત્ર માન્યો હતો. તેં મારા જન્મદિવસની પાર્ટી આપી. બધાંએ એ તસ્વીરો જોઈ હતી. તે પછી પણ તું અનન્યાને લઈને એક દિવસ બહાર ગયો…મને સારું ના લાગ્યું…અને મેં તને છોડી દેવાનો નિર્ણય કર્યો. હું એકવાર નિર્ણય કરું પછી તે બદલતી નથી.’

વિજયપત બોલ્યોઃ ‘આઈ એમ સોરી, અલંકૃતા.’

કાર હજી આગળ વધી રહી હતી.

ફરી વિજયપતે પૂછયું: ‘પણ પહેલાં મને કહે કે તેં ઘર કેમ છોડયું?’

અલંકૃતાએ કહ્યું: ‘મેં કહ્યું ને કે હું પઝેસીવ છું. મારો હસબન્ડ મારો જ રહેવો જોઈએ, બીજાનો નહીં. જેમ અનન્યાના કારણે મેં તને છોડયો તેમ પ્રેક્ષ્યાના કારણે મેં મારા હસબન્ડને છોડયો….’

‘પ્રેક્ષ્યા કોણ છે?’

‘હું જાણતી નથી.’

‘ઓ કે. એ વાત પછી કરીશું પણ તું મને એ કહે કે તેં ઘર તો છોડયું પરંતુ આવી ગુમનામ જિંદગી ક્યાં સુધી જીવી શક્ત? તારી પાસે જે પૈસા હતા તે તો આમે ય એક દિવસ ખલાસ થઈ જવાના હતા. તે પછી તું શું કરત?’ વિજયપત પવારે પૂછયું.

અલંકૃતા બોલીઃ ‘હા વિજયપત, હું એ વાત જાણતી હતી કે એક દિવસ મારી પાસે પૈસા ખલાસ થઈ જશે. પરંતુ મારે એક વાતાવરણમાંથી બહાર નીકળવું હતું. હું અત્યંત સંવેદનશીલ છું. બહાર નીકળીને એ બધાંથી કેટલાક દિવસ દૂર રહી હું મારા ભાવિ જીવન અંગે શાંતિથી વિચારવા માંગતી હતી. હું એવા નિર્ણય ઉપર આવી રહી હતી કે સાંસારિક જીવનથી દૂર જઈ માનવ સેવા કરતી કોઈ સંસ્થામાં જતી રહું અને ગરીબો, દિવ્યાંગો અને મંદબુદ્ધિની અનાથ મહિલાઓની સેવામાં મારું જીવન અર્પણ કરું. ‘

વિજયપત બોલ્યોઃ ‘અલંકૃતા, આ કામ તું સાંસારિક જીવનમાં રહીને પણ વધુ સારી રીતે કરી શકે છે.’

‘પણ કોની સાથે?’

વિજયપત બોલ્યોઃ ‘આજે પહેલા તું આરામ કર. પછી બીજી વાતો કરીશું.’

અને કાર હવે અલીબાગની વનરાજીથી ઢંકાયેલા ભવ્ય સમરહાઉસના પ્રાંગણમાં પ્રવેશી. કાર ઊભી રહી. ડ્રાઈવરે કારનો દરવાજો ખોલ્યો. પહેલાં અલંકૃતા બહાર આવી. તે પછી વિજયપત પવાર.

બહાર નીકળતા જ વિજયપત પવારનું ભવ્ય સમર હાઉસ જોઈ અલંકૃતા સ્તબ્ધ થઈ ગઈ. કહેવાતું સમર હાઉસ વાસ્તવમાં ભવ્ય અને અલિશાન વીલા હતું. તેમાં કલ્પના બહારના રૂમ્સ હતા. સ્વીમીંગ પુલ હતો. બે તો ડ્રોંઈગરૂમ્સ હતા.

અલંકૃતા પૂછયું: ‘ઈઝ ધીસ યોર્સ?’

વિજયપત પવારે જવાબ આપ્યોઃ ‘નાઉ ઈટ ઈઝ યોર્સ. મારા આ સમર હાઉસમાં છ બેડરૂમ છે, કિચન છે, ચાર રસોઈયા છે, સ્વીમીંગ પુલ છે, જીમ છે. બેડમીંટન બેડમિટન અને ટેબલ ટેનિસ રમવાની વ્યવસ્થા છે. પ્રાઈવેટ હોમ થિયેટર છે. એ સિવાય બારથી વધુ નોકર ચાકરોનો સ્ટાફ છે… અને એક બાર પણ છે.’

અલંકૃતાએ પૂછયુઃ ‘બાર એટલે?’

‘બારમાં તમામ પ્રકારના શરાબ છે. બ્લુ લેબલ સ્કોચ વ્હિસ્કી છે. નેધરલેન્ડનો હેનિકેન બિયર છે. રશિયન વોડકા અને જીન છે. ઈટાલિયન ર્માિટની વાઈન છે. ફ્રેન્ચ શેમ્પેન છે. ભૂતાનનો રમ છે…’

‘બસબસ… મારે વધુ સાંભળવું નથી… મારે તો એ જાણવું છે કે તું દારૂ પીવે છે?’્અલંકૃતાએ પૂછયું.

વિજયપત પવારે હસીને જવાબ આપતા કહ્યું: ‘આ બધું જ મારા મહેમાનો માટે છે. હું દારૂને સ્પર્શતો પણ નથી. જેને પીવો હોય તે જાતે લઈ લે.’

અલંકૃતાએ પૂછયું: ‘તું કેમ નથી પીતો?’

વિજયપતે કહ્યું: ‘તને યાદ છે ને અલંકૃતા, તારી બર્થડે પાર્ટી વખતે મેં શેમ્પેઈનની વ્યવસ્થા કરી હતી. તારો જન્મ દિવસ ઉજવવા મેં શેમ્પેઈનની બોટલ ખોલી હતી. મેં એક સીપ પીધો અને તું નારાજ થઈ ગઈ હતી. બસ એ દિવસથી મેં શરાબ છોડી દીધો. એ દિવસ બાદ હું આજ સુધી દારૂને સ્પર્શ્યો નથી.’

અલંકૃતા સ્તબ્ધ થઈને સાંભળી રહી અને લંડનની પાર્ટી યાદ આવી ગઈ. એ વિચારી રહીઃ ‘ મને શરાબ પસંદ નથી તેવી ખબર પડતાં અભિસારે પણ આ રીતે જ દારૂ છોડયો હતો. ફરક એટલો હતો કે પ્રેક્ષ્યાનો મામલો બન્યા બાદ અભિસાર એક રાત્રે દારૂ પીને ઘેર આવ્યો હતો જ્યારે વિજયપત મારાથી દૂર હોવા છતાં આજ સુધી દારૂને સ્પર્શ્યો નથી.’

તે મનોમન અભિસાર અને વિજયપતની સરખામણી કરતી રહી. એના મનમાં એક નવો જ ઝંઝાવાત પેદા થતો હોય તેમ લાગ્યું. તે ફરી મૌન બની ગઈ.

એનું મૌન તોડવા વિજયપત પવારે કહ્યું: ‘અલંકૃતા, હવે બધી ચિંતાઓ છોડી દે. અહીં શાંતિથી રહે. આ બધું તારું જ છે.’

અને અલંકૃતા વિજયપત પવારની સામે જોઈ રહી.

(ક્રમશઃ)

www.devendrapatel.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ‘મને ડૂબવા દો…મને મરી જ જવા દો..! મારે નથી જીવવું…’ એ બોલી રહી હતી appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/me-drown-to-me-mari-ja-ja-de/
via Best Gujarati News

0 Comments