કવર પોઈન્ટ :- રિપ્પલ એન. ક્રિસ્ટી

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ નજીકના દિવસોમાં જ રમાવાનો છે ત્યારે દિગ્ગજો અને ક્રિકેટ સમર્થકોએ પોતાના અભિપ્રાય તથા કઈ ટીમ ચેમ્પિયન બનશે તે અંગે અટકળો કરવાનું શરૂ કરી દીધા છે. પ્રત્યેક ટીમોએ છેલ્લા કેટલાક સમયથી પોતાની રમતમાં ઘણો સુધારો કર્યો છે. યજમાન ઇંગ્લેન્ડ ઘરઆંગણે રમશે તેથી તે સૌથી પહેલી પ્રબળ દાવેદાર ટીમ તરીકે રમશે. ત્યારબાદ ભારત અને ઓસ્ટ્રેલિયાને દાવેદાર માનવામાં આવે છે. ફોર્મ અને ફિટનેસ તો અત્યંત જરૂરી છે પરંતુ અન્ય એક પરિબળ છે જે સમર્થકોના પ્રોત્સાહનનું છે. ઇંગ્લેન્ડ છેલ્લા કેટલાક સમયથી વન-ડે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે અને પોતાના ઘરઆંગણે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે ત્યારે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે હજારોની સંખ્યામાં પ્રેક્ષકો સ્ટેડિયમમાં હાજર રહેશે તેમાં કોઈ શંકા નથી. ઇંગ્લિશ ટીમે છેલ્લા કેટલાક સમયથી ઘરઆંગણાની પિચો પર સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે. આ સ્થિતિમાં ઇંગ્લેન્ડ પોતાના સમર્થકોના પ્રોત્સાહનનો લાભ લેવાના તમામ પ્રયાસ કરશે.

સમર્થકોના પ્રોત્સાહનની વાત કરીએ તો ભારતમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય છે અને ક્રિકેટરોને ભગવાનનો પણ દરજ્જો આપી દેવામાં આવે છે. ઘણી વખત જોવા મળ્યું છે કે મોટી સંખ્યામાં સ્થાનિક પ્રેક્ષકોની સ્ટેડિયમમાં હાજરી યજમાન ટીમ માટે એક ટોનિકનું કામ કરે છે પરંતુ ક્યારેક તેની ખોટી અસર પણ પડતી હોય છે. મોટા સંખ્યામાં પોતાના પ્રેક્ષકોની હાજરી ટીમના ખેલાડીઓ પર અપેક્ષાઓનો વધારે પડતો બોજો પણ લાદે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડે પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે માનસિક રીતે પણ મજબૂત બનવું પડશે. ભારતની વાત કરીએ તો આપણી ટીમ વિશ્વમાં ભલે ગમે ત્યાં રમે પરંતુ દેશવાસીઓ આપણી ટીમ જ જીતે તેવી હંમેશાં અપેક્ષા રાખે છે. પાકિસ્તાન સામેની મેચોમાં તો દેશભરના સમર્થકો લાગણી સાથે જોડાઈ જાય છે. અગાઉ વર્લ્ડ કપમાં સચિન કે અન્ય સ્ટાર ખેલાડી નિષ્ફળ જાય ત્યારે એમ કહેવાતું હતું કે વધારે પડતી અપેક્ષાઓના બોજના કારણે ખેલાડીઓની રમત પર અસર પડે છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓએ પણ ક્રિકેટના મહાકુંભમાં રમવા જતા ખેલાડીઓને અપેક્ષાઓના બોજ હેઠળ લાદવા કરતાં તેમને નૈર્સિગક રમત રમવા દેવાની હાકલ કરી હતી. આ વખતે પણ કોહલી સેના પાસેથી ખાસ કરીને સિનિયર ક્રિકેટર ધોની પાસેથી સમર્થકો વર્લ્ડ કપ જીતી લાવવાની અપેક્ષા રાખી રહ્યા છે.

ઇંગ્લેન્ડનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ તેને સ્થાનિક પરિસ્થિતિનો લાભ મળશે. તે સ્થાનિક પિચો તથા હવામાનના મિજાજથી પરિચિત છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઇંગ્લિશ ટીમે વન-ડે ફોર્મેટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે જેના કારણે તેને ચેમ્પિયન બનવા માટેની હોટ ફેવરિટ ટીમ તરીકે ગણવામાં આવે છે. આંકડાની ચર્ચા કરીએ તો ઇંગ્લેન્ડે ૨૦૧૬ બાદ સ્થાનિક પિચો પર ૩૨માંથી ૨૪ મેચો જીતી છે અને માત્ર ચાર મેચમાં પરાજય થયો છે. એક મેચ ટાઇ થઈ હતી અને બાકીની ત્રણ મેચનું કોઈ પરિણામ આવ્યું નહોતું. છેલ્લા બે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ પર નજર નાખીએ તો તેમાં યજમાન ટીમે જ મેદાન માર્યું છે. વર્લ્ડ કપની ફાઇનલ ઇંગ્લેન્ડના ઐતિહાસક લોર્ડ્ઝ ગ્રાઉન્ડ ખાતે રમાવાની છે જેની પર ઇંગ્લેન્ડે છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ મેચ ગુમાવી નથી.

વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાન સામેની વન-ડે શ્રેણીમાં પણ ઇંગ્લેન્ડની ટીમે કોઈ પણ મુશ્કેલી વિના ૩૫૦ પ્લસનો સ્કોર હાંસલ કરી લીધો હતો. આમ જોવા જઈએ છેલ્લા પાંચથી છ વર્ષમાં ઇંગ્લેન્ડે વન-ડે ફોર્મેટમાં પોતાની રમતનું સ્તર ઊંચું કર્યું છે અને હવે તે અપેક્ષા કરતાં વધારે આક્રમક રમત દાખવી રહ્યું છે. આ કારણથી ૨૦૧૬ના ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો. વર્તમાન સમયમાં ઇંગ્લેન્ડની પિચો પહેલાં કરતાં બેટ્સમેન ફ્રેન્ડલી વધારે બની ગઈ છે તેથી ઇંગ્લેન્ડની સંભાવના અન્ય ટીમો કરતાં વધી જાય છે. તેમ છતાં ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે, ક્યારે કઈ પળમાં મેચનું પરિણામ બદલાઈ જાય તેની કોઈ અગાઉથી અટકળ કરી શકતું નથી. પ્રેક્ષકોની અપેક્ષાઓના બોજ સામે જે ટીમ માનસિક રીતે મજબૂત રહેશે તે વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કરવામાં સફળ રહેશે તેમાં કોઈ શંકા નથી.

ripple18765@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ફૅન્સનાં પ્રોત્સાહન અને અપેક્ષા પ્લેયર્સ માટે ટોનિકની સાથે બોજો પણ બને છે appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/fans-promotion-and/
via Best Gujarati News

0 Comments