દેશરૂપી પરિવારના વડીલો શું યોગ્ય કરી રહ્યા છે?
વાત વિશેષ :- પરવેઝ મલેક
દેશના બંધારણનું સૌથી મોટું પર્વ ચાલી રહ્યું છે. આ પર્વ તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું છે. આ પર્વના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન આજે ચાલી રહ્યું છે. છેલ્લી સભાઓ, છેલ્લા ભાષણો અને છેલ્લા આરોપો અને પ્રતિઆરોપોનો દૌર પુરો થઈ ગયો છે. બધા જ નિરીક્ષકો કહે છે કે આ વખતની ચૂંટણી ઐતિહાસિક છે. પણ કઈ રીતે? દુનિયાની સૌથી મોટી લોકશાહીની ચૂંટણી છે એટલે એ તો દર વખતે ઐતિહાસિક જ હોય!
તો શું આ વખતે વિશ્વમાં સૌથી વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેવો રેકોર્ડ સર્જાશે? એમાં નવું કઈ નથી દરેક વખતે દેશમાં વસ્તીવધારો થાય એટલે સૌથી વધુ મતદારોવાળી ચૂંટણી બનતી જ રહે તે સ્વભાવિક છે. પણ આ વખતે રેકોર્ડ એ વાતનો છે કે આપણા બંધારણીય હકનો સૌથી વધુ ગેરઉપયોગ થયો છે. ના આમાં બોગસ વોટિંગ કે ઈવીએમ ના છબરડાની વાત નથી. એવા આક્ષેપો-પ્રતિઆક્ષેપો તો વર્ષોથી થતા રહે છે. અહીં વાત વાણી સ્વાતંત્ર્યની થાય છે. આ વખતની ચૂંટણીમાં આ અધિકારના નામે ઘણી રાજકીય પાર્ટીઓ તેમજ રાજકીય વ્યક્તિઓએ જાણે હદ વટાવી છે. જે આ અગાઉની કોઈપણ ચૂંટણીમાં જોવા મળ્યું નહોતું. કોઈ પણ રાષ્ટ્રની ઓળખ અને પ્રતિભા તેના સરકાર તથા વિરોધપક્ષના વડાઓ તેમજ ચુંટણીના હરીફો જે ભાષા બોલે અને જે મુદ્દા છેડે એના દ્વારા આખા વિશ્વને સંદેશો મળી જાય છે કે રાજકારણ કઈ કક્ષાએ પહોંચ્યું છે.
આપણા દેશના નેતાઓએ આ ચૂંટણીમાં વિશ્વને સડકછાપ ડિપ્લોમસીનો સંદેશો આપી દીધો છે. એક રાજકીય વ્યક્તિ બીજાને ચોર કહે છે અને બીજા તરફ્થી એક પગલું આગળ તેના પિતા અને પરિવારને ચોર-કૌભાંડી કહેવામાં આવે તો નાગરિકોનું માથું શરમથી ઝૂકી જ જાય. અહીં વાત કોઈ રાજકીય પક્ષને સારો કે ખરાબ સાબિત કરવાની નથી. હદ તો ત્યારે થઈ છે જયારે સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને આવા આરોપો લગાડવામાં આવે છે. ઉત્તરપ્રદેશના એક જાણીતા નેતા તેમના મહિલા પ્રતિસ્પર્ધીના આંતરવસ્ત્રોની વાત છડે ચોક મંચ ઉપરથી કરે છે. એ જ ઉત્તર પ્રદેશમાં એક મહાશય જીતવાનો અખંડ દાવો કરે છે. તેઓ કહે છે, ભગવાન પણ મને જીતતાં રોકી શકે એમ નથી. એક નેતાએ તો વિરોધી પક્ષના નેતાને નીચા બતાવાની હોડમાં પાકિસ્તાન નામનું તુત ઉભું કરવાવાળા નેતાને તેમનાથી શ્રેઠ ગણાવી દીધા. વાણી વિલાસની હદ આપણે જોઈએ રહ્યા છે
જે લોકો તર્ક અને વિજ્ઞાનમાં વિશ્વાસ રાખે છે તેમણે તો આ વખતે આંચકાઓ સિવાય કઈ અનુભવ્યું નહિ હોય. સૌજન્યની તો સરેઆમ હત્યા થઈ જ ચૂકી હતી, તર્ક અને વિજ્ઞાન પણ જાણે ભૂગર્ભમાં જતા રહ્યા હતા. એક બીજા ઉપર તર્કહીન તેમજ શાલિનતાવિહિન આરોપો લગાવીને સભાઓ ગજવવામાં આવી. મોટાભાગના જાગૃત તેમજ જીવિત નાગરિકોને મનમાં પ્રશ્ન થાય છે કે આવા લોકો આપણું પ્રતિનિધિત્વ કરશે?!? આ પ્રશ્ન બધાના ફ્ક્ત મનમાં થાય છે. દેશવાસીઓ આવી સડકછાપ ડિપ્લોમસી વિરૂધ્ધ કોઈ ઉગ્ર વિરોધ કરતા નથી. આ નાગરિકો મતદાન વખતે પોતાનો વિરોધ દર્શાવી શકે તો જીવિત લોકો કહેવાય, નહિતર જીવતી લાશો કહેવાય.
સવાલ આપણા સંસ્કારોનો છે. ઘરમાં આવી વાણી વપરાય તો અસભ્યતાના અપરાધ તરીકે ધમકાવીને સજા આપવામાં આવે છે. આપણો દેશ એક વિશાળ અને બૃહદ પરિવાર જ છે. અને આ પરિવારના વડીલો જો એકબીજા સામે અધમ કક્ષાની ગાળાગાળી કરતા હોય તો દેશરૂપી પરિવારે ચિંતા કરવી જોઈએ. ભ્રષ્ટ થતા જવું છે કે વડીલોને હાથ પકડીને એમની ભૂલ બતાવવી છે. પરિવારને સ્વચ્છ બનાવવા યથાશક્તિ મહેનત કરવી છે. નક્કી કરવું જ પડશે.
malek.parvez@yahoo.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દેશરૂપી પરિવારના વડીલો શું યોગ્ય કરી રહ્યા છે? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/country-family-elderly/
via Best Gujarati News
0 Comments