તમારું મન ખુદને જ પીડા પહોંચાડતું રહે છે?
ઝીરો લાઈન :- ગીતા માણેક
એક ગૃહસ્થને ઘરે પધારેલા સંતના દર્શન કરવા ઘણાં લોકો આવ્યા હતા. એમાંના એકનો પરિચય કરાવતા તે ગૃહસ્થે કહ્યું કે આ મારી સાથે સ્કૂલમાં ભણતો હતો. અમે સ્કૂલમાં હતા ત્યારે તેણે મારા મામાએ મને અપાવેલી નવી નક્કોર પેન તોડી નાખી હતી. જે ગૃહસ્થ આ વાત કહી રહ્યા હતા તેમની ઉંમર હતી ૭૪ વર્ષ! સાઠ કે બાસઠ વર્ષ અગાઉ સ્કૂલમાં તેમના સહાધ્યાયીએ તેમની પેન તોડી નાખી હતી એ તેઓ ભૂલ્યા નહોતા.
આપણી ભીતર પણ આવી કેટલી બધી નકારાત્મક લાગણીઓ દબાયેલી પડેલી હોય છે. કોઈએ આપણું અપમાન, અવગણના કરી હોય, પોતાના વર્તન કે વાણી દ્વારા આપણા મનને ઠેસ પહોંચાડી હોય આ બધું જ આપણા સબકોન્શિયસ એટલે કે અર્ધજાગૃત મનમાં ધરબાયેલું પડયું હોય છે. જે વ્યક્તિને કારણે આપણા મનને દુઃખ, પીડા કે ઠેસ પહોંચી હોય તે સામે આવે, તેનો ઉલ્લેખ થાય કે પછી ક્યારેક તેના વિશે વિચાર આવે તો મન કડવાશથી, વેદનાથી કે આક્રોશથી ભરાઈ જાય. જે વ્યક્તિઓ આવું વર્તન કર્યું હોય એ જો આપણાથી વધુ શક્તિશાળી હોય કે અન્ય કોઈ કારણસર આપણે તેને કંઈ જ કરી ન શકતા હોઈએ ત્યારે આ મનમાંનો આ ધૂંધવાટ વધુ પીડા પહોંચાડે. ઘણી વાર તો તે વ્યક્તિ મૃત્યુ પામી હોય છતાં તેની સાથેની ઘટના અને કડવાશ મનમાં ફંસ બનીને ખૂંચતી રહે છે. મનને સમજાવવાનો પ્રયાસ કરીએ કે ભાઈ, આ વાતને તો વરસો વિતી ગયા હવે એનું શું છે? પણ મન હૈ કિ માનતા નહીં. આપણે જાણીબૂઝીને યાદ કરવાનો પ્રયાસ કરતા ન હોઈએ છતાં એનાથી છૂટકારો ન મળતો હોય, મન ખુદને જ પીડા પહોંચાડતું રહે એવો લગભગ આપણા સૌનો અનુભવ છે.
આવા સંજોગોમાં શું કરવું? મૂળ શ્રીલંકામાં જન્મેલા, ઓસ્ટ્રેલિયામાં ઉછરેલા અને હવે ન્યુયોર્કમાં સ્થાયી થયેલા દંડપાણી નામના હિન્દુ સાધુ આ વણઉકેલી રહેલી ભાવનાઓનું શું કરવું એનો સરસ માર્ગ સૂચવે છે. જાતને સતત પીડા આપતી આ ભાવનાઓમાંથી મુક્ત થવાનો સૌથી સહેલો, સોંઘો અને સચોટ રસ્તો છે- લખવું.
લખવાથી ભાવનાઓમાંથી મુક્તિ કઈ રીતે મળે એનો તર્ક સમજાવતા સાધુ દંડપાણી કહે છે કે દરેક અનુભવ સાથે લાગણીઓ જોડાયેલી હોય છે. દરેક વસ્તુ કે લાગણીઓ સાથે એક ઊર્જા અને એના વાઇબ્રેશન્સ અથવા આંદોલનો હોય છે. દરેક અનુભવ સાથે લાગણીઓ જોડાયેલી હોય છે. આ લાગણીઓ અર્ધજાગૃત મનમાં સતત આંદોલનો સર્જતી રહે છે. દાખલા તરીકે, આઠમા ધોરણમાં ગણિતના શિક્ષકે વગર વાંકે ક્લાસમાં ફ્ટકાર્યો હોય કે અપમાનિત કર્યો હોય એવો વિદ્યાર્થી અઠ્ઠાવનમાં વર્ષે એ અંગે કશું કરી શકતો નથી પણ એ અનુભવની સાથે જોડાયેલી લાગણીઓ તેને આજે પણ પીડા પહોંચાડી શકવા સક્ષમ હોય છે. ભૂતકાળને આપણે બદલી કે ભૂંસી શકતા નથી પણ એ વખતે બનેલી ઘટના સાથે જોડાયેલી લાગણીઓમાંથી મુક્ત થઈ શકાય છે. જ્યારે આપણે એ પીડાદાયક અનુભવને કાગળની ચબરખી પર લખીએ છીએ ત્યારે એક બહુ જ રસપ્રદ ઘટના બને છે. એ પીડાદાયક ઘટના સાથે સંકળાયેલી લાગણીઓ અર્ધજાગૃત મનમાંથી જાગૃત મનમાં આવે છે. ત્યારબાદ એ લાગણીઓની ઊર્જા લખનારની આંગળીઓ મારફ્ત કાગળ પર ટ્રાન્સફ્ર થાય છે. આ લખાણને જ્યારે આપણે ડૂચો વાળીને કે એના ઝીણા-ઝીણા ટુકડા કરીને સળગાવી નાખીએ છીએ ત્યારે લાગણીઓની જે ઊર્જા કાગળના ટુકડા પર ગઈ હતી એનું ધુમાડામાં, રાખમાં રૂપાંતર થઈ જાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે અભિનેતા અક્ષય કુમારે પ્રશ્ન પૂછયો હતો કે શું તમને ક્યારેય ક્રોધ નથી આવતો ત્યારે તેમણે કહ્યું હતું કે મને જ્યારે પણ કોઈ ઘટનાને લીધે કે વ્યક્તિને લીધે ક્રોધ આવ્યો ત્યારે હું એ કાગળ પર લખતો. અણગમતી ઘટના શું કામ બની, કેવી રીતે બની, એમાં કોણે શું ભૂમિકા ભજવી, મેં શું કર્યું વગેરે લખતો. પરંતુ એમાં મને કે અન્યને જસ્ટિફય કરવાનો એટલે કે વાજબી ઠરાવવાનો પ્રયાસ ન કરતો. ત્યારપછી એને બીજી વાર વાંચ્યા વિના જ ફડીને ફેંકી દેતો. છતાં જો મન શાંત ન થયું હોય તો આખી કથા ફ્રીવાર લખતો.
દંડપાણીએ જ્યારે એક અમેરિકનને આ યુક્તિ અજમાવવાનું કહ્યું હતું ત્યારે તેમને શંકા આવી હતી કે આવું કંઈ ખરેખર થઈ શકે? એ વખતે સાધુએ તેમને પૂછયું, “તારા બાળકે નાનપણમાં ગરબડિયા અક્ષરમાં લખેલું એવું કોઈ બર્થ-ડે કાર્ડ કે તેણે બનાવેલું ડ્રોઈંગ તેં સાચવી રાખ્યું છે?” પેલા અમેરિકને કહ્યું “હા, છેને!” સાધુએ પૂછયું, “આવું કાર્ડ તેં શું કામ સાચવી રાખ્યું છે? આના કરતાં વધુ કળાત્મક કાર્ડ તું સ્ટોરમાં જઈને ખરીદી શકે છે.” તે વ્યક્તિએ જવાબ આપ્યો, “એ કાર્ડ ભલે કળાત્મક ન હોય પણ એમાં મારા દીકરાનો પ્રેમ ભરેલો છે.” સાધુએ તેને સમજાવ્યું કે જો કાગળના એ ટુકડો તારા દીકરાના પ્રેમનું વહન કરી શકતો હોય તો એવો જ એક કાગળનો ટુકડો તારો ગુસ્સો કે પીડા કેમ ન લઈ શકે? આ નકારાત્મક લાગણીઓ ધરાવતો કાગળ જ્યારે આગમાં ભસ્મીભૂત થઈ જાય છે ત્યારે એની સાથે જોડાયેલી નકારાત્મક લાગણીઓનું પણ નિકંદન નીકળી જાય છે. એક કાર્ડ દ્વારા વ્યક્ત થયેલી પ્રેમની લાગણીને સંઘરી શકાતી હોય તો એવા જ એક કાગળ પર વેર, ક્રોધ, અપમાન કે અવહેલનાની લાગણીને પણ ઉતારીને એને સળગાવી કેમ ન શકાય! આ ઉપાય અજમાવવા જેવો ખરો એવું નથી લાગતું?
gitamanek@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post તમારું મન ખુદને જ પીડા પહોંચાડતું રહે છે? appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/your-mind-your-own-self-pain-path/
via Best Gujarati News
0 Comments