૩.૨૫ કરોડની ઠગાઈના કેસમાં વિસ્મયના પિતા ડો. અમિત શાહ ભાગેડુ તોય પોલીસ પકડથી દૂર
। અમદાવાદ ।
જિસ બંગલો નજીક હિટ એન્ડ રનમાં બે યુવકોને ઉડાવી દેનાર વિસ્મય શાહ દારુ પીને પકડાતા ચર્ચામાં આવ્યો તે પછી હવે તેના પિતા ડો.અમિત શાહ પણ પોલિસ સાથે ગોઠવણ કરી કેવી રીતે ગુનાનો સામનો કરવામાંથી બચે છે તેનો કિસ્સો પણ પ્રકારશમાં આવ્યો છે. પૂનાની કોર્ટે સવા ત્રણ કરોડની ઠગાઈના કેસમાં ડો.અમિત શાહને ભાગેડું જાહેર કર્યા છે. સેટેલાઈટ પોલીસને કાર્યવાહી કરવા માટે લેખિતમાં જાણ કરવા છતાં ડો. અમિત શાહમાં મળતાં ન હોવાથી મુંબઈના ફરિયાદી ડો.પિયુષ ટી.મહેતાએ અમદાવાદનો ધક્કો ખઇ ખુદ શહેર પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. આને ગંભીરતાથી લઇ કમિશનરે પણ સેટેલાઈટ પોલીસને ડો. શાહના ઘરે જઇ તેમને પકડવા આદેશ આપ્યો હતો. જોકે વિસ્મયની જેમ તેના ડોકટર પિતા પણ એટલા ગોઠવણબાજ નીકળ્યા કે પોલિસમાં રહેલતા તેમના બાતમીદારે શાહને આગોતરી જાણ કરી દેતા તેઓ રફુચક્કર થઇ ગયા હતા અને કમિશ્નરના આદેશને ઘોળીને પી ગઈ હોય તેમ પોલિસ ડો.અમિત શાહના ડેલે હાથ દઇને પાછી આવી હતી. હિટ એન્ડ રન કેસમાં સજા પામેલા વિસ્મયના પિતા ડો.અમિત નગીનદાસ શાહે ૧૯૯૭ની સાલમાં સવા ત્રણ કરોડના ચેક વટાવી ઠગાઈ આચરી હતી. આ કેસમાં પૂનાની શિવાજીનગર કોર્ટે ડો.અમિત શાહને ભાગેડું જાહેર કર્યા હતા. આની જાણ અમદાવાદની સેટેલાઈટ પોલીસને કરવામાં આવી હોવા છતાં સેટેલાઈટ પોલીસ ડો.અમિત શાહને આજ દિન સુધી પકડી શકી નથી એવો આક્ષેપ કરતાં ડો.પિયુષ મહેતા ઉમેરે છે કે સેટેલાઈટ પોલીસે ડો.અમિત શાહના ઘરે અને જુદા જુદા જાહેર સ્થળો પર નોટિસ ચોંટાડી હોવાનો દાવો ભલે કરતી હોય પણ પોલિસને ધરપકડ કરવામાં જરાય રસ નથી કે તેની પ્રોપર્ટી પણ જપ્ત કરતી નથી.
અંતે ડો.પિયુષ મહેતા જાતે ગત તા.૨૦ મેના રોજ અમદાવાદ આવી સીપી એ.કે.સિંઘને રૂબરૂ મળ્યા હતા. સીપીએ બનાવની ગંભીરતા પારખીને સેટેલાઇટ પોલિસને ગમે તે ભોગે ડો. અમિત શાહને પકડવા આદેશ કર્યો હતો. પોલિસે ડો. પિયુષ ગુપ્તાને સાથે રાખી ડો.અમિત શાહને શોધવા તેમના નહેરૂનગર સ્થિત નિવાસસ્થાન અને આંબાવાડી સ્થિત હોસ્પિટલ પર જઇ શાહને શોધવાનું નાટક માત્ર કર્યું હતું અને ડો.અમિત શાહ ઘરે કે હોસ્પિટલે ક્યાંય મળી આવ્યા નહોતા.
વિસ્મયનું ભોગ બનનાર સાથે સમાધાન પણ હજુ ચુકાદો બાકી
હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને પાંચ વર્ષની સજા ગ્રામ્ય કોર્ટે ફટકારી હતી. જેની સામે વિસ્મયે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલની સુનાવણી ચાલુ થતા જ વિસ્મયે ભોગ બનેલા યુવકના પરિવાર સાથે સમાધાન કરી તેની એફિડેવીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસ હાઈકોર્ટમાં સુનાવણીમાં છે અને ચુકાદો આવ્યો નથી. ત્યાં વિસ્મયે સામે દારૂનો મહેફિલનો કેસ થતા હાઈકોર્ટ સુધી જામીન લેવા માટે આવવું પડયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ૩.૨૫ કરોડની ઠગાઈના કેસમાં વિસ્મયના પિતા ડો. અમિત શાહ ભાગેડુ તોય પોલીસ પકડથી દૂર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/3-25-crore-cheating-case/
via Best Gujarati News
0 Comments