। અમદાવાદ ।

ગુજરાતમાં આગના બનાવો રોજબરોજના બની ગયા છે. તેને રોકવા અથવા અટકાવવા માટેના કોઇ ચોક્કસ પગલાં લેવાતા નહીં હોવાના કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. છતાં તંત્ર તરફથી પ્રજામાં પણ જાગૃત્તિ ફેલાવાતી નથી. પરિણામ સ્વરુપ આવી ઘટનાઓ બનતી રહે છે. હાઇકોર્ટે ટકોર કરવા સાથે કેટલાંક ચોક્કસ નિર્દેશો આપ્યા છતાં તંત્ર સુધરવાનું નામ લેતું નથી અને પ્રજાના જીવને જોખમમાં મૂકાય છે. કરોડો રુપિયાનું નુકસાન થાય છે. સુરતની ઘટનાના દેશભરમાં પ્રત્યાઘાત પડયાં છે. આ ઘટનાથી ગુજરાત સરકાર તો હેબતાઇ ગઇ છે. કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહેલું સરકારી તંત્ર સુરતની ઘટના પછી સફાળા જાગ્યું છે. ૨૦૧૮-૧૯ના આંકડાઓ તો હજુ જાહેર કરાયા નથી અથવા તો છુપાવવાના તંત્ર દ્રારા સતત પ્રયાસો થઇ રહ્યાં હોવાનું જણાઇ રહ્યું છે. પરંતુ છેલ્લાં પાંચ વર્ષના આકડાં જોઇએ તો ગુજરાતમાં દર વર્ષે આગના બનાવોમાં ૫૦થી ૧૦૦ વ્યક્તિઓ આગમાં ભુંજાઇ જાય છે. ગુજરાતમાં ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૭,૩૩૦ આગના બનાવો બન્યા હતા. આ આગના બનાવોમાં ૯૯ જણાં ભુંજાઇ ગયા હતા. તો ૮૪.૧૨ કરોડનું નુકસાન થયું હતું. આમ ગુજરાતમાં રોજ ૨૧ આગની ઘટનાઓ નોંધાઇ રહી છે. તેમાંથી માત્ર અમદાવાદ શહેરમાં જ ૩૫ જણાં ભુંજાઇ ગયા હતા. અને ૬૯ કરોડનું નુકસાન થયું હતું. છતાં નઘરોળ તંત્રના પેટનું પાણી હાલ્યું ન હોય તેમ જણાય છે. કેમ કે અમદાવાદ ફાયરબ્રિગ્રેડમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી ૪૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. જરુરિયાત સામે ફાયર સ્ટેશનો પણ પુરતા પ્રમાણમાં નથી. પરિણામે જ ફાયરબ્રિગ્રેડ કોઇપણ ઘટના સ્થળે ક્વિક રિસ્પોન્સ સમય સરેરાશ ૧૫થી ૨૦ મિનિટનો હોવાનું જાણવા મળ્યું છે.

સરકારી તંત્રમાં એપ્રિલથી માર્ચને વર્ષ ગણવામાં આવે છે. દર વર્ષે જે તે વિભાગમાં થયેલી કામગીરીનું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. આ જ પધ્ધતિ ફાયર બ્રિગ્રેડ, પોલીસ સહિતની આવશ્યક સેવાઓ આપતી એજન્સીઓમાં છે. પરંતુ અમદાવાદ ફાયરબ્રિગ્રેડ પાસે ૨૦૧૮-૧૯ના ડેટા ઉપલબ્ધ નહીં હોવાનું રટણ કરી રહ્યાં છે. વાસ્તવમાં તો રોજબરોજ બનતી ઘટનાઓની નોંધણી થાય છે. તે પ્રમાણે ૨૦૧૮-૧૯માં ૨,૧૨૩ આગના કોલ ફાયર વિભાગમાં નોંધાયા હતા. પરંતુ એપ્રિલ-૨૦૧૮-૧૯ દરમિયાન બનેલી ઘટનાઓ અંગે બે મહિના પછી એટલે કે મે મહિનામાં પણ તૈયાર નહીં હોવાનું રટણ કરતાં અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યાં છે.

૩૧ ટકાથી વધુ આગના બનાવો માત્ર અમદાવાદમાં

ગુજરાતમાં આગના ૭,૩૩૦ બનાવો બન્યાં હતા. તેમાંથી ૨,૩૮૧ બનાવો તો માત્ર અમદાવાદમાં નોંધાયા હતા. આમ ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો ગુજરાતમાં બનેલા આગના બનાવોમાં ૩૧ ટકાથી વધુ બનાવો તો અમદાવાદ ફાયર વિભાગમાં નોંધાયા છે. નવાઇની વાત તો એ છે કે, અમદાવાદ ફાયરબ્રિગ્રેડ મ્યુનિસિપલ લિમિટની અંદર તથા તેની બહારના વિસ્તારોમાં પણ આગ બુઝાવવાની કામગીરી કરવા જાય છે. તેના પરથી અમદાવાદ આસપાસના વિસ્તારમાં ફાયર વિભાગની સ્થિતિ નબળી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જો અમદાવાદમાં જ ફાયરબ્રિગ્રેડનો ક્વિક રિસ્પોન્સ ટાઇમ ૧૫થી ૨૦ મિનિટનો છે તો અન્ય સ્થળે કેટલાં સમયમાં પહોંચતું હશે તે તપાસનો વિષય છે. અમદાવાદ શહેરમાં ૨૦૧૭-૧૮ના વર્ષ દરમિયાન બનેલી આગની ઘટનામાં પ્રજાને ૬૯.૨૦ કરોડનું નુકસાન થયું હતું અને ૩૫ જણાં જીવતાં ભુંજાયા હતા. જો કે ફાયરબ્રિગ્રેડે ૯૬ જણાંને રેસ્કયુ કરીને ૮૩.૭૭ કરોડની માલ-મિલ્કત બચાવી હતી.

અમદાવાદ તથા તેની આસપાસ કયાં, કેટલાં બનાવો બન્યાં ?

કુલ ફાયર કોલ                                 ૨,૩૮૧

મ્યુનિ. લીમીટની અંદર                 ૨,૩૦૩

મૃત્તકની સંખ્યા                         ૩૫

કેટલાં પુરુષ મૃત્યુ પામ્યા                        ૨૭

કેટલી સ્ત્રીના મૃત્યુ                    ૦૮

અમદાવાદમાં સૌથી વધુ આગ નવરંગપુરામાં લાગી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના ૧૫ ફાયર સ્ટેશનો છે. આ સ્ટેશનોમાં ૨૦૧૭-૧૮ દરમિયાન નોંધાયેલા આગના બનાવોમાં સૌથી વધુ નવરંગપુરા ફાયર સ્ટેશન વિસ્તારમાં ૩૦૧ આગના બનાવો નોંધાયા હતા. સૌથી વધુ આગના કોલ ઓક્ટોબર મહિનામાં નોંધાયા હતા. આ મહિનામાં જ દિવાળી હોવાથી વધુ નોંધાયા હોવાનું માની શકાય. પરંતુ આ મહિનાને બાદ કરતાં માર્ચ મહિનામાં ૨૬૧ કેસો નોંધાયા હતા.

અમદાવાદમાં આગની ઘટનાની વિગત

વર્ષ આગના કોલ       મૃત્યુ પામેલ વ્યક્તિ     નુકસાનની રકમ

૨૦૧૩-૧૪                     ૧૬૧૪ ૦૨                     ૧,૨૪,૪૨,૭૯,૫૫૦

૨૦૧૪-૧૫                     ૧૮૨૨ ૧૪                     ૯૧,૧૨,૩૬,૫૨૫

૨૦૧૫-૧૬                     ૨૧૦૬ ૦૬                     ૪,૫૨,૧૬,૨૩૫

૨૦૧૬-૧૭                     ૧૯૩૨ ૧૦                     ૨,૧૯,૫૫,૭૪,૦૦૦

૨૦૧૭-૧૮                     ૨૩૦૩ ૩૫                 ૬૯,૨૦,૦૩,૪૦૦

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અગ્નિકાંડની આગ : રાજ્યમાં ૨૦૧૭-૧૮માં આગની ૭,૩૩૦ ઘટનાઓ ઘટી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/fire-fire-state/
via Best Gujarati News

0 Comments