બિયારણ કાંડ: સરકારના દાવા, તેમ છતાં એક્સ્પાયરી ડેટ-હલકી ગુણવત્તાનો ધૂમ વેપલો
ગુજરાતમાં ખાતર બાદ બિયારણ કૌભાંડ બહાર આવ્યું એ પછી ગુજરાત સરકારે દાવા કર્યા હતા કે, સિઝન પહેલાં તંત્રની ટીમ દરોડા પાડે છે અને ગુણવત્તા, વજન સહિતની બાબતે કાર્યવાહી કરે છે.
જોકે સરકારના દાવાથી વિપરિત દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જુલાઈ ૨૦૧૮માં ખેડૂતને એક્સ્પાયરી ડેટ વાળું બિયારણ પધરાવી દેવાતાં પાક નિષ્ફળ ગયું હતું.
આ કિસ્સામાં ગ્રાહક કોર્ટે કલ્યાણપુરના એગ્રી બિઝનેસ સેન્ટરને ૩૧ હજાર ૬ ટકા વ્યાજ સાથે ચૂકવવા તેમજ નુકસાન પેટે ૨૫ હજાર, માનસિક ત્રાસ ઉપરાંત ફરિયાદ ખર્ચ પેટે મળીને અન્ય પાંચ હજારનો દંડ કર્યો છે.
ગુજરાત રાજ્ય બીજ નિગમ, જામનગરને કોઈ દંડ ફટકારાયો નથી. બીજો કિસ્સો આણંદના પેટલાદનો સામે આવ્યો છે, જેમાં ગ્રાહક કોર્ટે ન્યૂ જિન્સ પ્રાઈવેટ લિમિટેડને નુકસાની વગેરે મળીને ૪૪ હજાર જેટલો દંડ કર્યો છે.
ભાનુભાઈ પરમારે કરેલા કેસમાં દાવો કર્યો હતો કે, જૂન ૨૦૧૮માં ડાંગરના પાક માટે તેમણે બિયારણ ખરીદ્યું હતું પરંતુ ડાંગરના પાકમાં સારું પરિણામ આવ્યું ન હતું. કંપનીના દાવા મુજબ ૨૫૦ મણ ડાંગર થવી જોઈતી હતી પરંતુ ૧૨૫ મણ જ ડાંગર ઊતરી હતી. એવા તો અસંખ્ય ખેડૂતો છે જેમણે કોર્ટના દરવાજા ખટખટાવ્યા નથી.
તો આ બે ચુકાદાથી વિપરીત જૂનાગઢના ૬૧ જેટલા ખેડૂતોએ મહેસાણા સ્થિત દીપક સીડસ પ્રા. લિમિટેડના બિયારણની ગુણવત્તા સામે સવાલો ઉઠાવી ૧.૧૦ કરોડથી વધુનો નુકસાની વળતરનો દાવો કર્યો હતો, જે કેસમાં ખેડૂતો અન્ય રિપોર્ટ રજૂ કરી શક્યા ન હોઈ હાલ તો વળતરથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.
૬૧ ખેડૂતોનો દીપક સીડ્સના બિયારણ સામે વાંધો પણ ૧.૧૦ કરોડનું વળતર નહીં
એકલા જૂનાગઢ જિલ્લામાં જ ૬૧ જેટલા ખેડૂતોએ ૧.૧૦ કરોડથી વધુના નુકસાની વળતરના દાવા કર્યા હતા, મહેસાણા સ્થિત દીપક સીડસ પ્રા. લિમિટેડનું બિયારણ ખરીદ્યું હતું જોકે તલનું યોગ્ય ઉત્પાદન થઈ શક્યું ન હતું. ખેડૂતોની રજૂઆત હતી કે, ખેડ, પાળા, ખાતર, જંતુનાશક દવા, પાણી વગેરેની માવજત કરી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારીએ અભિપ્રાય આપ્યો હતો કે, કોઈ આર્થિકક્ષમ ઉત્પાદન મળી શકશે નહિ.
વેચાણકર્તાનો દાવો હતો કે, તેમણે કોઈ ભેળસેળ કરી નથી, તલનો પાક નિષ્ફળ ગયો છે તેની બધી જવાબદારી દીપક સીડસની થાય છે. બીજી તરફ દીપક સીડસ કંપનીએ જવાબ રજૂ કર્યો હતો કે, ખેતીવાડી અધિકારી તરફથી જે રિપોર્ટ અપાયા છે તે એકતરફી છે. પાકના ઉગાવો બિયારણ ઉપરાંત બીજા પરિબળો આધારિત પણ હોય છે. આમ આ કેસમાં ખેડૂતોને હાલ તો નિરાશા હાથ લાગી છે. ખેડૂતોને વળતર અંગે હુકમ થયો નથી. આ ચુકાદા એપ્રિલ-મે ૨૦૧૯માં આવ્યા છે.
ખેડૂતોએ શું ધ્યાનમાં રાખવું ?
- બિયારણ કે ખાતર વગેરેની ખરીદી વખતે અધિકૃત પરવાનો હોય તેવી સહકારી મંડળી કે પ્રતિષ્ઠિત વિક્રેતા પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવો.
- બિલમાં નામ, સરનામા, સહીનું ધ્યાન રાખવું. ઉત્પાદકનું નામ, લોટ અને બેચ નંબર, ઉત્પાદનની મુદત પૂર્ણ થયાની તારીખ ચેક કરવી.
- ખાતરની થેલી કે બારદાન ઉપર ફર્ટિલાઈઝર, બાયોફર્ટિલાઈઝર, ઓર્ગેનિક ફર્ટિલાઈઝર અથવા નોન એડિબલ ડી-ઓઈલ્ડ કેક ફર્ટિલાઈઝર એવો શબ્દ લખેલો ન હોય તો તેવી થેલીમાં ભરેલો પદાર્થ ખાતરને બદલે ભળતો પદાર્થ હોઈ શકે. આવા પદાર્થની ખાતર તરીકે ખરીદી ના કરવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બિયારણ કાંડ: સરકારના દાવા, તેમ છતાં એક્સ્પાયરી ડેટ-હલકી ગુણવત્તાનો ધૂમ વેપલો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/seeds-scandal-government-claims-the-expiry-date-inferior-quality-dhoom-vepalo/
via Best Gujarati News
0 Comments