ખટોદરા પોલીસ સ્ટેશનમાં આરોપીને માર મારવાનો મામલો વધુને વધુ તુણ પકડતો જાય છે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં લવાયેલા આરોપી ઓમપ્રકાશ પાંડે નામના યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેના કારણે સુરત ખટોદરા પોલીસના PI ખીલેરી, PSI ચૌધરી અને અન્ય 6 સામે ગુનો નોંધાયો છે.

શનિવારે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તમામ 8 પોલીસકર્મીઓ ફરાર થઇ ગયા છે. જેમનો અત્યાર સુધી કોઇ અતોપત્તો નથી. જેના કારણે છેવટે તમામ 8 પોલીસકર્મીઓને હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આરોપીનું મોત થતા હવે આઠ આરોપી વિરુદ્ધ 302ની કલમ લગાવાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આરોપીનું મોત થતા હાલ તેના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, સુરતની આ ઘટનામાં ચોરીના ગુનાની કબૂલાત કરાવવા ત્રણ આરોપીઓને ખટોદરા પોલીસ મથકમાં બેરહેમીથી ફટકારાયા હતા. જેમાં એકની હાલત ગંભીર થતાં યુનિક હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી હતી.

પોલીસ દ્વારા ગુજારાયેલા દમનને પગલે એક આરોપી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોવાની વાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર આવતા આ કેસમાં જવાબદાર એવા ખટોદરા પીઆઈ એમ. બી. ખીલેરી, સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ સી. પી. ચૌધરી સહિત આઠ પોલીસકર્મી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. જ્યારે બીજા બે આરોપીની સિવિલમાં સારવાર કરાઈ હતી.

બીજી બાજુ પોલીસ પીઆઈ ખીલેરી સહિતના આઠેય આરોપીની અટકાયત કરવા કાર્યવાહી કરી રહી હતી, તે દરમિયાન પીઆઈ ખીલેરી સહિતના આઠેય પોલીસકર્મી પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી છૂટયાં હતા. જેમાં એક પીએસઆઈ સહિત ત્રણ પોલીસકર્મીને ઇજા થતાં સિવિલમાં ખસેડાયા હતા.

ત્રણ દિવસ અગાઉ ખટોદરા પોલીસે ચોરીના ગુનામાં ત્રણ શંકાસ્પદ આરોપી રામગોપાલ બિસમ્બર પાંડે, ઓમપ્રકાશ બિસમ્બર પાંડે અને જયપ્રકાશ (ત્રણેય રહે. વિનાયકનગર, પાંડેસરા)ને પકડી લાવ્યાં હતા. જોકે, પોલીસે ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ગેરકાયદે અટકાયતમાં રાખી બેલ્ટ, પથ્થર તથા બેટ જેવા સાધનોથી ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો, જેને પગલે ઓમપ્રકાશને ગંભીર ઇજા થતાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

પોલીસ અત્યાચારનો ભોગ બનેલા ઓમપ્રકાશને શુક્રવારે ગંભીર હાલતમાં સિવિલમાં લવાયો હતો. અહીં ઓમપ્રકાશને શું થયું? તેની કોઈ સ્પષ્ટતા તબીબ સમક્ષ પોલીસે કરી નહોતી. ફક્ત દુખાવો થઈ રહ્યો હોવાની કહેવાયું હતું. પરંતુ અહીં વેન્ટિલેટર નહીં હોવાથી તેને યુનિક હોસ્પટિલમાં લઈ જવો પડયો હતો. અહીં પોલીસે ઓમપ્રકાશને ખેંચ આવી હોવાનું કહ્યું હતું. ખટોદરા પોલીસે કેસ દબાવવા તમામ પ્રયાસ કર્યા હતા, મોડી સાંજ સુધી ઉપરી અધિકારીઓને પણ અંધારામાં રખાયા હતા.

ઓમપ્રકાશ સહિતના ત્રણેય આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો
પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાની ટેવવાળા ઓમપ્રકાશને દારૂની કુટેવ છે. ઓમપ્રકાશ, તેના ભાઈ રામગોપાલ અને મિત્ર જયપ્રકાશને ચોરીના ગુનાના કામે પૂછપરછ માટે લવાયા હતા. ત્રણેય વિરુદ્ધ ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આમ, ખટોદરા પોલીસનું ગુનાહિત કૃત્ય ઉજાગર થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પાછળથી ગુનો નોંધી ચામડી બચાવવા પ્રયાસ કર્યો છે.

કાર મેળાવાળા ચંદુ યાદવને પણ શંકાના આધારે ફટકારાયો
ઓમપ્રકાશ, રામગોપાલ અને જયપ્રકાશની પોલીસે ધોલાઈ કરતા તેમણે પાંડેસરા વિસ્તારના કારમેળાવાળા ચંદુ યાદવને રોકડા રૂ. એક લાખ આપ્યા હોવાનું કહ્યું હતું, જેને પગલે ગત તા. ૩૦મીએ સર્વેલન્સ સ્ટાફના માણસો ચંદુને પણ ઊંચકી લાવ્યાં હતા. પોલીસે ચંદુને બેલ્ટથી ફટકાર્યો હતો, પરંતુ તપાસ દરમિયાન આ ત્રણેય જણા કારમેળામાં ફક્ત કાર જોયા બાદ પરત ફર્યા હોવાની હકીકત સામે આવતા ચંદુને છોડી દેવાયો હતો.

નિર્દોષ હોવા છતાં પોલીસે ચંદુને માર માર્યો હતો, જેને પગલે ચંદુએ સિવિલમાં સારવાર લઈ તબીબો સમક્ષ પોલીસે તેને ખોટી રીતે ફટકાર્યો હોવાની આપવીતી કહી હતી. આ મામલે ચંદુએ ખટોદરા પોલીસ મથકના કુલદીપભાઈ, હરેશભાઈ અને બે અજાણ્યા પોલીસકર્મી અને સોનુ (પોલીસનો રિક્ષાવાળો) વિરુદ્ધ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. ઓમપ્રકાશ સહિતના ત્રણેય આરોપીને ત્રણ દિવસ નહીં પણ તેના પહેલાથી પોલીસે ગેરકાયદે અટક કરી રાખ્યાં હોવાનું કહેવાય છે.

આ પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધાયો
૧) મોહનલાલ ભગવાનરામ ખીલેરી (રહે.ગાંધીનગર)
૨) ચિરાગ પૃથ્વીરાજ ચૌધરી (ફાલસાવાડી પોલીસલાઈન, )
૩) કલ્પેશ નાગર ગરંભા (શિતલ રેસિડેન્સી, છાપરા ભાઠા, મૂળ સુરેન્દ્રનગર)
૪) આશિષ મનસુખ દિહોરા (સમર્પણ હાઈટ્સ)
૫) હરેશ જેસંગ ચૌધરી (રહે. સરકારી વસાહત નવી કોર્ટ, મૂળ લક્ષ્મીપુરાગામ, વિસનગર, મહેસાણા)
૬) પરેશ નાથાભાઈ ભુકણ (નેચર વેલી હોમ, પુણા રોડ, મૂળ ઢસા, ગઢડા, ભાવનગર)
૭) કનકસિંહ જેઠુસિંહ દિયોલ (સલાબતપુરા પોલીસલાઈન, )
૮) દિલુભાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સુરત પોલીસની સૌથી શરમજનક હરકત, આરોપીનું મોત થતાં 8 પોલીસકર્મીઓ વોન્ટેડ જાહેર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/surat-khatodara-police-station-8-police-officers-beaten-doubtful-accused-and-died/
via Best Gujarati News

0 Comments