ભારત એફ-૨૧ વિમાન ખરીદે તો બીજા કોઈ દેશને આ વિમાન નહીં વેચાય : US
। વોશિંગ્ટન ।
અમેરિકાની યુદ્ધવિમાન કંપનીએ ભારતને સંરક્ષણ ખરીદીમાં બમ્પર ઓફર આપી છે. અમેરિકાની એરોસ્પેસ જાયન્ટ કંપની લોકહીડ માર્ટિને જણાવ્યું છે કે જો ભારત તેની પાસેથી ૧૧૪ એફ-૨૧ યુદ્ધવિમાન ખરીદે તો તે અન્ય કોઈ દેશને એફ-૨૧ વિમાનનું વેચાણ નહીં કરે. ભારતીય એરફોર્સને યુદ્ધવિમાનોની તાતી જરૂર છે અને અમેરિકી, યુરોપિયન અને રશિયન સ્પર્ધક કંપનીઓ ભારતને મેગા ડીલ આપે તે પહેલાં અમેરિકી કંપનીએ ભારતને આ બમ્પર ઓફર આપી છે. લોકહીડના વાઇસ પ્રેસિડેન્ટ વિવેક લાલે જણાવ્યું છે કે, જો ભારત કંપની પાસેથી ૧૧૪ એફ-૨૧ વિમાનની ખરીદી કરે તો ભારતનો કંપનીની ગ્લોબલ ફાઇટર ઇકોસિસ્ટમમાં સમાવેશ કરી દેવાશે.
એક ન્યૂઝ એજન્સીને આપેલી મુલાકાતમાં વિવેક લાલે જણાવ્યું હતું કે, નવું યુદ્ધવિમાન ભારતના ૬૦ એરફોર્સ સ્ટેશનો ખાતેથી ઓપરેટ થઈ શકે તે રીતે ડિઝાઇન કરાયું છે. આ વિમાન સુપિરિયર એન્જિન મેટ્રિક્સ, ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ અને વેપન કેરિંગ કેપેસિટીથી સજ્જ છે. જો ભારત અમારી પાસેથી આ વિમાનની ખરીદી કરશે તો અમે આ વિષેશ વિમાન અને તેની ડિઝાઇન વિશ્વમાં અન્ય કોઈ દેશને વેચીશું નહી. કંપની દ્વારા ભારતને આ એક અભય વચન આપવામાં આવી રહ્યું છે અને તે દર્શાવે છે કે, ભારતનું કેટલું મહત્ત્વ છે. વિવેક લાલે જણાવ્યું હતું કે, જો કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તો તે ન કેવળ તાતા ગ્રૂપ સાથે મળીને ભારતમાં એફ-૨૧ વિમાનનું ઉત્પાદન કરશે પરંતુ ભારતને દેશમાં સંરક્ષણ ઉત્પાદન વધારવામાં મદદ કરશે.
એરફોર્સે ૧૧૪ યુદ્ધવિમાનની ખરીદી માટે કંપનીઓ પાસે માહિતી માગી
ગયા મહિને ભારતીય એરફોર્સે ૧૮ અબજ અમેરિકન ડોલરના ખર્ચે ૧૧૪ યુદ્ધ વિમાનની ખરીદી માટે પ્રારંભિક નિવિદા જારી કરી છે. તાજેતરના વર્ષોમાં આ સૌથી મોટી સંરક્ષણ ખરીદારી ગણાવવામાં આવી રહી છે. આ નિવિદામાં લોકહીડ માર્ટિન ઉપરાંત અમેરિકાની બોઇંગ, ફ્રાન્સની દસોલ્ટ, યુરોપની યુરોફાઇટર, રશિયાના મિગ-૩૫ વિમાનની નિર્માતા કંપનીઓ મેદાનમાં છે.
એફ-૨૧ યુદ્ધવિમાનની વિશેષતા
- અમેરિકી યુદ્ધવિમાન એફ-૧૬ કરતા અત્યાધુનિક
- ઓછા ઈંધણમાં લાંબુ અંતર કાપવાની ક્ષમતા
- અન્ય યુદ્ધવિમાનો કરતાં વધુ હથિયારો વહન કરવાની ક્ષમતા
- અત્યાધુનિક અને શક્તિશાળી રડારથી સજ્જ
- એડવાન્સ્ડ ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમથી સજ્જ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભારત એફ-૨૧ વિમાન ખરીદે તો બીજા કોઈ દેશને આ વિમાન નહીં વેચાય : US appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/india-f-21-airplane-buy-t-b/
via Best Gujarati News
0 Comments