કૃષિ કંપની મોનસેંટોને બે અબજ ડોલરનો દંડ
। ઓકલેન્ડ ।
ઓકલેન્ડની સ્ટેટ કોર્ટ જ્યૂરીએ કૃષિ કંપની મોનસેંટોને બે અબજ ડોલરનો દંડ ફટકાર્યો છે. અલ્વા પિલિયોડ અને અલ્બર્ટા પિલિયોડને આ કંપનીની દવાના કારણે કેન્સર થયું હતું. કોર્ટે બંનેને એક-એક અબજ ડોલર દંડ રૂપે આપવા અને ૫.૫ કરોડ ડોલર સંયુક્તરૂપે વળતર તરીકે આપવાનો આદેશ આપ્યો છે. ૭૬ વર્ષની અલ્બર્ટા પિલિયોડે કહ્યું હતું કે છેલ્લા નવ વર્ષથી હું અને મારા પતિ કેન્સર સામે લડી રહ્યાં છીએ. પહેલાં અમે ખેતરોમાં કામ કરી શકતાં હતાં પણ હવે બધું બંધ થઈ ગયું છે.
પિલિયોડના વકીલ માઈકલ મિલરે કહ્યું હતું કે કંપની આ ચુકાદા સામે અપીલ કરે તો દંડની રકમ ઓછી થઈ શકે છે પણ અમે લાંબી કાનૂની લડાઈ માટે તૈયાર છીએ. જે દવા માટે કંપની પર દંડ લાગ્યો છે એનું નામ રાઉન્ડઅપ રેડી છે. ખેતરોમાં વધારાનું ઘાસ ઊગી ન નીકળે એ માટે આ દવા છાંટવામાં આવે છે. સેન ફ્રાન્સિસ્કોની એક જ્યૂરીએ આ દવા બનાવતી કંપની પર માર્ચ મહિનામાં ૮ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો હતો. ગયા ઓગસ્ટ મહિનામાં એક ગોલ્ફ કોર્સના કીપરે પણ તેને થયેલા કેન્સર માટે આ દવાને જવાબદાર ઠરાવી હતી. કોર્ટે તેને ૨૮.૯ કરોડ ડોલરનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. જોકે અપીલ બાદ આ રકમ ઘટાડીને ૨૦ કરોડ ડોલર કરવામાં આવી હતી.
મોનસેંટો સામે ત્રણ કેસની સુનાવણી થઈ છે પણ અમેરિકામાં આવા ૧૩,૦૦૦ કેસની સુનાવણી પેન્ડિંગ છે. સેંટ લુઈની કંપની મોનસેંટોની માલિકી રસાયણો બનાવતી જર્મનીની કંપની બાયર એ. જી. પાસે છે. કંપનીએ કહી દીધું છે કે આ કેસના ચુકાદા સામે તેઓ અપીલ કરશે. જોકે અમેરિકામાં એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સીએ આ દવાને સુરક્ષિત ગણાવી છે. તેણે કહ્યું છે કે એમાં વાપરવામાં આવતા કેમિકલ ગ્લાયફોસેટના સંપર્કમાં આવનારા લોકોને કોઈ ખતરો નથી. ખેતરો, રસ્તાની બંને તરફ ઊગતું ઘાસ કે પાક લીધા બાદ ખેતરોમાં વધારે ઘાસ ન ઊગી નીકળે એ માટે આ દવા છાંટવામાં કોઈ ખતરો નથી.
જોકે કાનૂની લડાઈના કારણે બાયરના શેરના ભાવ અડધા થઈ ગયા છે. ગયા વર્ષે બાયરે મોનસેંટોને ૬૩ અબજ ડોલરમાં ખરીદી હતી.
દંપતી પોતાના અનુભવ લોકોને જણાવશે
અલ્વા અને અલ્બર્ટા નામના દંપતીએ આ દવાના ઉપયોગથી પોતાને પડતી મુશ્કેલીઓ અને તેના કારણે થયેલી બીમારી વિશે લોકોને જણાવવાનું અને જાગ્રત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેઓ જણાવે છે કે, દવાના ઉપયોગ વિશે લોકોને માહિતી મળે તે જરૂરી છે. તેના કારણે લોકો આવા કેન્સર વિશે માહિતગાર બનશે અને પોતાનો જીવ બચાવી શકશે. તેમણે એમ પણ જણાવ્યું કે, કંપની સામે અમારા જેવા ૧૩,૦૦૦થી વધુ કેસ ચાલી રહ્યા છે. લોકોની મક્કમતા જ તેમને આવા કેસમાં સ્પષ્ટ ન્યાય અપાવી શકે તેમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કૃષિ કંપની મોનસેંટોને બે અબજ ડોલરનો દંડ appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/agriculture-company-monsanto-two/
via Best Gujarati News
0 Comments