ભાજપ અને TMC માટે કુરુક્ષેત્ર બનેલું પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી તોફાની બની રહી છે. જ્યારથી લોકસભાની ચૂંટણીની શરૂઆત થઇ છે ત્યારથી પશ્ચિમ બંગાળમાં હિંસાની ખબરો આવ્યા જ કરે છે. ગઇકાલે ભાજપ પ્રમુખ અમિત શાહનો રોડ શો પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં યોજાયો હતો. રોડ શોમાં થયેલી હિંસાના કારણે રોડ શો અટકાવી દેવાયો અને ભાજપ પ્રમુખ અમિત શાહને સલામત સ્થળે ખસેડવા પડયા હતા.
પશ્ચિમ બંગાળમાં અત્યારે રાજકીય વાતાવરણ એટલું કલુશિત થઇ ગયું છે કે, મોટાગજાના નેતાઓની ભાષા નફરતથી ભરેલી થઇ ગઇ છે. લોકશાહી દેશમાં આટલી હદે નફરતના વાવેતર થતાં હોય તો તે દેશની લોકશાહી માટે ખતરારૂપ છે.
લોકસભાની ચૂંટણીના અંતિમ ચરણમાં 19 મેએ પશ્ચિમ બંગાળમાં 9 બેઠકો પર મતદાન યોજાવાનું છે. આ 9 બેઠકોમાં કોલકાતા દક્ષિણ અને કોલકાતા ઉત્તરની બેઠકોનો સમાવેશ થાય છે. પરિણામે 14મી મેએ ભાજપ પ્રમુખ અમિત શાહના કોલકાતામાં રોડ શોનું આયોજન કરાયું હતું. કોલકાતાના રોડ શોના આગલા દિવસે અમિત શાહે હુંકાર કર્યો હતો કે, જયશ્રી રામના નારા સાથે હું કોલકાતામાં રોડ શો કરવા આવી રહ્યો છું.
મમતા બેનરજીને જે કરવું હોય તે કરી લે. દરમિયાનમાં અમિત શાહના રોડ શોમાં જે થવાનું હતું તેજ થઇને રહ્યું. શહેરમાં અમિત શાહનો રોડ શો ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર કોલેજ પાસે આવ્યો ત્યારે કોલેજ પાસે ટીએમસીના કાર્યકરોએ અમિત શાહને કાળા ઝંડા દેખાડયા અને કોલેજમાંથી પથ્થરમારો શરૂ થયો.
જેના પરિણામે ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘમાસાન મારામારી શરૂ થઇ ગઇ. કોલેજની બહાર મુકાયેલી મોટર સાઇકલો સળગાવવામાં આવી. આ તોફાનમાં કોલેજની અંદર મુકવામાં આવેલી બંગાળના મહાન સાહિત્યકાર અને ફિલોસોફર ઇશ્વરચંદ્ર વિદ્યા સાગરની પ્રતિમા પણ તોડી નખાઇ હતી.
બંગાળમાં થયેલી આ હિંસાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ભાજપ અને ટીએમસી નેતાઓ વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો મારો શરૂ થઇ ગયો છે. રેલી બાદ ભાજપ પ્રમુખ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે, રેલીમાં જો મારી સાથે સીઆરપીએફ ના હોત તો મારુ બચીને પાછું આવવું બહુ મુશ્કિલ હતું. હિંસા દરમિયાન સ્થાનિક પોલીસે મૂકપ્રેક્ષકનો રોલ અદા કર્યો હતો.
અમિત શાહનું કહેવું હતું કે, દેશમાં છ તબક્કાની ચૂંટણી યોજાઇ ગઇ છે. આ છ તબક્કામાં બંગાળ સિવાય કોઇપણ જગ્યાએ હિંસા થઇ ન હતી. મમતાજીને હું કહેવા માંગુ છું કે તમે માત્ર બંગાળની માત્ર 42 બેઠક પર ચૂટણી લડી રહ્યા છે જ્યારે દેશમાં ભાજપ તમામ બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે પરંતુ દેશમાં કોઇપણ જગ્યા એ હિંસા થઇ નથી. પરંતુ માત્ર બંગાળમાં ચૂંટણીના તમામ તબક્કામાં હિંસા થઇ છે. તેથી એ પુરવાર થઇ રહ્યું છે કે, હિંસા ટીએમસી જ કરાવી રહ્યું છે.
અમિત શાહે કહ્યું હતું કે, ભાજપના રોડ શો પહેલા રસ્તા પર લગાવેલા પોસ્ટરો કાઢી નાખવામાં આવ્યા હતા અને જ્યારે રોડ શોમાં વિશાળ જનમેદની ઊમટી પડી ત્યારે રોડ શો પર ત્રણ વખત હુમલા કરવામાં આવ્યા. ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તૂટવા અંગે અમિત શાહે કહ્યું કે, આ પ્રતિમા કોલેજની અંદર બંધ કમરામાં મુકાયેલી છે.
કોલેજ બંધ હતી બધા રૂમો પર તાળાં હતા. તાળાં તૂટયા નથી ત્યારે અંદરની પ્રતિમા કેવી રીતે તૂટી. આ તાળાની ચાવી કોણી પાસે હતી. અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે આ કોલેજ પર ટીએમસીનો કબજો છે. હવે જ્યારે વોટ બેંકની રાજનીતિ માટે મહાન શિક્ષણશાસ્ત્રીની પ્રતિમા તોડવા સુધીનું કૃત્ય ટીએમસી દ્વારા કરવામાં આવ્યું ત્યારે ટીએમસીના દિવસો ભરાઇ ગયા છે. અમિત શાહે ચૂંટણી આયોગને પણ પક્ષપાત કર્યા વિના પશ્ચિમ બંગાળમાં કામગીરી કરવા બાબતે અનુરોધ કર્યો હતો.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી કોલકાતામાં બનેલી ઘટના અંગે લાલચોળ થઇ ગયા છે. ઇશ્વરચંદ્ર વિદ્યા સાગર કોલેજની મુલાકાત બાદ મમતા બેનરજીએ કહ્યું હતું કે અમિત શાહ શું ભગવાન છે કે તેમની સામે કોઇ વિરોધ પ્રદર્શન ના થઇ શકે ? અમિત શાહને ગુંડા તરીકે ઓળખાવી મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો કે, જો તમે વિદ્યા સાગર સુધી હાથ લઇ જાવ છો તો હું તમને ગુંડા સિવાય શું કહીં શકું ? મને તમારી વિચાર ધારાથી નફરત છે. મને તમારા વર્તાવથી નફરત છે.
કોલકાતા ખાતે ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે, ભાજપ પ્રમુખ અમિત શાહે બહારના ગુંડાઓ બોલાવ્યા હતા. લોકશાહી રીતે જ્યારે અમિત શાહનો કાળાં ઝંડાઓ બતાવી વિરોધ થઇ રહ્યો હતો ત્યારે આ ગુંડાઓએ દેખાવકારો પર હુમલો કર્યો હતો. બંગાળમાં જે રીતની હિંસા થઇ રહી છે તેનાથી સમગ્ર બંગાળ દુઃખી થયું છે.
અમારી પાસે પુરાવા છે કે, આ તોફાન અમિત શાહે જ કરાવ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીએમસીના ડેરેક ઓ બ્રાયન ભાવુક થઇ ગયા હતા અને કહ્યું હતું મેં બહુ પ્રેસ કોન્ફરન્સ કરી છે પરંતુ આજની આ પ્રેસ કન્ફરન્સ મારા માટે બહુ દુઃખ દાયક છે. અમિત શાહે અમને બહું દુઃખ પહોંચાડયું છે. સમગ્ર બંગાળ તમારી હરકતોથી દુઃખી થયું છે.
વડાપ્રધાન મોદીએ 14મીએ કોલકાતામાં થયેલી હિંસાને માટે મુખ્યમંત્રી મમતા બેનરજીને જવાબદાર ઠેરવ્યા હતા. પશ્ચિમ બંગાળની બસીરહાટ લોકસભાની ચૂંટણી રેલીને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મમતા દીદીએ બે દિવસ પહેલાં જાહેર કર્યું હતું કે તે બદલો લેશે તેમને 24 કલાકની અંદર જ પોતાનો એજન્ડા પુરો કર્યો અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો પર હુમલો કર્યો.
મોદીએ કહ્યું કે, દેશમાં બહાર પડેલા તમામ સરવે ભાજપને પૂર્ણ બહુમતી મળતી હોય તેવું બતાવે છે. પરંતુ દીદી તમારી હતાશા અને બંગાળના લોકોનું સમર્થન જોયા બાદ હું કહી રહ્યો છું કે બંગાળ અમને 300 થી વધારે બેઠકો જીતવામાં મદદ કરશે. ભાજપ યુવા મોરચાની નેતા પ્રિયંકાએ મમતા બેનરજીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ કરી હતી તે બાબતે તેની ધરપકડ કરાઇ હતી.
એ મુદ્દે મોદીએ કહ્યું હતું કે એક તસવીર માટે આટલો બધો ગુસ્સો ? તમે જાતે આર્ટિસ્ટ છો તમે મારું ખરાબમાં ખરાબ ચિત્ર બનાવો અને 23 મે પછી હું જ્યારે વડાપ્રધાન પદના શપથ લઉ ત્યારે તમે મને આ ચિત્ર ભેટ આપશો તેને હું પ્યારથી સ્વીકારીશ.
આમ પશ્ચિમ બંગાલ અત્યારે ભાજપ અને ટીએમસી વચ્ચે કુરુક્ષેત્રની ભૂમિ બની ગયું છે. જોઇએ હવે કોણ જીતે છે.
ઇલેકશન : વોર ઇઝ ઓન
સ્નેપ શોટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભાજપ અને TMC માટે કુરુક્ષેત્ર બનેલું પશ્ચિમ બંગાળ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/for-the-bjp-and-tmc-the-kurukshetra-comprised-of-west-bengal/
via Best Gujarati News
0 Comments