આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ભારતીય ટીમ માટે ખુશખબર છે કે ઓલરાઉન્ડર કેદાર જાધવે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. આઇપીએલ દરમિયાન ઇજાગ્રસ્ત બનેલા જાધવના વર્લ્ડ કપમાં રમવા અંગે વિવિધ અટકળો ચાલી રહી છે જેના પર શનિવારે પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. કેદાર જાધવ હવે ૨૨મીએ ટીમ સાથે ઇંગ્લેન્ડ રવાના થશે.

ભારતીય ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટે જાધવની ફિટનેસનો રિપોર્ટ બીસીસીઆઇને સુપરત કરી દીધો હતો. ઇજાના કારણે જાધવ આઇપીએલના પ્લે ઓફ મુકાબલામાં પણ રમ્યો નહોતો. જાધવ ફિઝિયોની બાજનજર હેઠળ ફરહાર્ટ પાસે રિહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થઇ રહ્યો હતો અને તેણે મુંબઇ ખાતે ફિટનેસ ટેસ્ટ પાસ કરી હતી. આ સાથે જાધવના સ્થાને અક્ષર પટેલ અથવા અંબાતી રાયડુને મોકલવામાં આવશે તેવી અટકળોનો પણ અંત આવી ગયો હતો.

એમસીએ ખાતે જાધવે ફિટનેસ ટેસ્ટ આપી

આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે જાધવ છેલ્લી લીગ મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. બાઉન્ડ્રી બચાવવા માટે તેણે ડાઇવ મારી હતી અને આ દરમિયાન તેને ખભામાં ઇજા થઇ હતી. ત્યારબાદ તે પ્લે ઓફમાં રમી શક્યો નહોતો.

જાધવ અને ફરહાર્ટ છેલ્લા કેટલાક દિવસથી મુંબઇમાં છે. આ દરમિયાન મુંબઇ ક્રિકેટ એસોસિયેશનના (એમસીએ) બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે ફિટનેસની મુશ્કેલી પર કાર્ય કરી રહ્યા હતા. બીકેસીમાં જાધવની ફિટનેસ ટેસ્ટ લેવાઇ હતી.

૫૯ વન-ડેમાં ૧૧૭૪ રન તથા ૨૭ વિકેટ

જાધવે ૫૯ વન-ડેમાં ૪૩.૫૦ની સરેરાશથી ૧૧૭૪ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે સદી તથા પાંચ અડધી સદી પણ નોંધાવી છે. તેનો સ્ટ્રાઇક રેટ ૧૦૨.૫૦નો છે. જાધવ સાઇડ આર્મ ઓફ સ્પિન બોલિંગ કરે છે અને તેણે અત્યાર સુધી ૨૭ વિકેટો હાંસલ કરી છે.

ભારતીય ટીમનો યો-યો ટેસ્ટ લેવાશે નહીં

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. એક તરફ કેટલીક ટીમો કન્ડિશનિંગ કેમ્પ યોજી રહી છે તો કેટલીક ટીમો ઇંગ્લેન્ડમાં જ અગાઉથી રહીને વિવિધ ટીમો સામે વન-ડે શ્રેણી રમી રહી છે. આ દરમિયાન ભારતીય ખેલાડીઓને ક્રિકેટથી દૂર રહેવાની સલાહ આપી છે. ટીમના પસંદગી પામેલા ખેલાડીઓને ૨૧મી મેએ મુંબઇ પહોંચતા પહેલાં આરામ કરવાની સલાહ આપી છે. ભારતીય ટીમ ૨૨મીએ ઇંગ્લેન્ડ રવાના થશે. ખેલાડીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ ટ્રેનિંગમાંથી બ્રેક લઇને પરિવાર તથા પત્ની સાથે સમય પસાર કરે અને સકારાત્મક અભિગમ સાથે ઇંગ્લેન્ડ રવાના થાય.

સમયનો અભાવ, ટેસ્ટ કેન્સલ

ભારતીય ટીમના ૧૫ સભ્યોમાંથી તમામે IPLમાં ભાગ લીધો હતો. વર્લ્ડ કપ અને IPLની વચ્ચે ઘણો ઓછો સમય હોવાના કારણે ખેલાડીઓનો યો-યો ટેસ્ટ પણ લેવામાં આવશે નહીં. રિપોર્ટના અનુસાર IPLના ૧૦ દિવસ બાદ યો-યો ટેસ્ટ લેવાનો કોઇ મતલબ નથી કારણ કે ટેસ્ટ આપવા માટે ખેલાડીઓને ફ્રેશ હોવું અત્યંત જરૂરી છે.

મોટા ભાગની ટીમો વનડે શ્રેણીમાં વ્યસ્ત

મોટા ભાગની ટીમોએ વર્લ્ડ કપની તૈયારીઓની શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામે તેની જ ધરતી પર વન-ડે શ્રેણી રમી રહી છે. બાંગ્લાદેશ અને વિન્ડીઝની ટીમે આયરલેન્ડમાં ત્રિકોણીય વન-ડે શ્રેણી રમી હતી. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડે ગત દિવસોમાં જ ફ્રેન્ડલી વોર્મ-અપ મેચો રમી હતી. આ ખેલાડીઓ ઇંગ્લેન્ડ ખાતે સમય કરતાં વહેલાં પહોંચીને સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ થવાના પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ICC ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે ખુશખબર, આ ભારતીય ક્રિકેટર ફિટનેસ ટેસ્ટમાં પાસ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/icc-cricket-world-cup-good-news-for-the-team-the-indian-cricketer-to-pass-fitness-test/
via Best Gujarati News

0 Comments