ચિટચેટ ઓન GST : નયન શેઠ

દોઢ કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી નોંધાયેલ વ્યક્તિ GST કાયદાની કલમ ૧૦ હેઠળ ઉચ્ચક વેરાનો વિકલ્પ ધરાવી શકે છે. કલમ ૧૦ હેઠળ ઉચ્ચક વેરાના વિકલ્પ માટેની એક અગત્યની શરત એવી છે કે, રેસ્ટોરન્ટ સિવાયની સેવાઓ પૂરી પાડનાર દ્વારા તેના અગાઉના વર્ષના કુલ ટર્નઓવરના ૧૦% કે ૫ લાખ રૂપિયા બેમાંથી જે વધુ હોય તેનાથી વધુ રકમની સેવા પૂરી પાડવાનો તેમનો ટર્નઓવર ન હોવું જોઈએ. આમ જેઓ માલની સાથે સેવાઓ પૂરી પાડવાના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેઓને નિર્ધારિત રકમ મર્યાદાથી ઓછી રકમની સેવાઓ પૂરી પાડતા હોય તો જ તેઓને ઉચ્ચક વેરાનો વિકલ્પ મળવાપાત્ર છે.

રેસ્ટોરન્ટ સિવાય જેઓ ફક્ત સેવાઓ પૂરી પાડતા હોય તેઓને કાયદાની કલમ ૧૦ હેઠળ ઉચ્ચક વેરાનો વિકલ્પ મળવાપાત્ર નથી. જે નાના વેપારીઓ છે કે જેઓ માલ અને સેવા બંને સપ્લાય કરે છે અને તેઓને ઉચ્ચક વેરાનો વિકલ્પ મળવાપાત્ર નથી તેઓના માટે કેન્દ્ર સરકાર દ્વારા તા. ૭-૩-૧૯ના રોજ નોટિફિકેશન નંબર ૨/૨૦૧૯ Central Tax (Rate) બહાર પાડવામાં આવેલ છે. આ જ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. આ નોટિફિકેશનમાં તા. ૨૯-૩-૧૯ના રોજ સુધારો પણ કરવામાં આવેલ છે. આ નોટિફિકેશનોની માહિતી આ લેખમાં આપેલ છે.

નોટિફિકેશન હેઠળનો વેરાનો દર

નોંધાયેલ વ્યક્તિ દ્વારા કોઈ પણ નાણાકીય વર્ષમાં પહેલી એપ્રિલથી થતા પ્રથમ માલ કે સેવા કે બંનેના સપ્લાયનો કુલ ટર્નઓવર રૂ. ૫૦ લાખ સુધીનો થાય તેના પર કેટલીક શરતોને આધીન ૩% CGST અને ૩% SGST એમ કુલ ૬% વેરો ચૂકવી શકાશે. જો કોઈ વ્યક્તિ નવો ધંધો શરૂ કરે અને તે માટે GSTમાં નોંધણી નંબર લીધેલ ન હોય તો આ જાહેરનામા હેઠળ લાભ મેળવવા માટે ટર્નઓવરની મર્યાદા નક્કી કરવા જે તે નાણાકીય વર્ષની પહેલી એપ્રિલથી કરેલ ટર્નઓવર ધ્યાનમાં લેવાનો રહેશે, પરંતુ વેરો જે તારીખથી નોંધણી નંબર લેવાની જવાબદારી ઉપસ્થિત થતી હોય તે તારીખથી થતા ટર્નઓવર પર ભરવાનો રહેશે.

રૂ. ૫૦ લાખની ટર્નઓવરની મર્યાદા નક્કી કરતી વખતે ડિપોઝિટ, લોન કે એડવાન્સ કે જેના માટે વ્યાજ કે ડિસ્કાઉન્ટ મળતું હોય તેવી સેવાના ટર્નઓવરને ધ્યાને લેવાનું રહેશે નહીં. આ નોટિફિકેશનોથી ઠરાવેલ ૩% CGST અને ૩% SGST એમ કુલ ૬%ના દરે વેરો તમામ સપ્લાય પર ભરવાનો રહેશે અને તેના માટે GST કાયદા કલમ ૯(૧) કે કલમ ૧૧ હેઠળના અન્ય કોઈ જાહેરનામાથી આપવામાં આવેલ વેરામાં રાહતના દરનો લાભ લઈ શકાશે નહીં. સપ્લાય પર આ જાહેરનામા અનુસાર લાગતા વેરા ઉપરાંત બિનનોંધાયેલ વ્યક્તિ પાસેથી મેળવેલ માલ કે સેવા પર કાયદાની કલમ ૯(૩) કે ૯(૪) હેઠળ રિવર્સ ચાર્જ પર લાગતો વેરો ભરવાનો રહેશે.

રાહતના દરના લાભ મેળવવાની શરતો

જાહેરનામાથી રૂ. ૫૦ લાખ સુધીનો માલ કે સેવાના સપ્લાયના ટર્નઓવર ધરાવતી નોંધાયેલ વ્યક્તિ માટે કાયદાની સામાન્ય જોગવાઈ હેઠળ વેરાનો દર જે પણ હોય છતાં ૩% CGST અને ૩% SGST લેખે વેરો ભરવા માટે નીચેની શરતો પરિપૂર્ણ થાય તે જરૂરી છે :

૧. જે વર્ષમાં આ નોટિફિકેશન હેઠળ વેરો ભરવાનો લાભ લેવો હોય તેની અગાઉના નાણાકીય વર્ષનો કુલ ટર્નઓળર રૂ. ૫૦ લાખ કે તેતી ઓછો હોવો જોઈએ.

૨.એવી વ્યક્તિ હોવી જોઈએ કે જે કલમ ૧૦ હેઠળનો ઉચ્ચક વેરાનો લાભ મેળવવાને પાત્ર ન હોય.

૩.એવી વ્યક્તિ GST હેઠળ વેરો જ ન લાગતો હોય તેવા સપ્લાય કરતી ન હોવી જોઈએ. GST કાયદામાં માનવ વપરાશ માટેના ક્રૂડ ઓઇલ, હાઇ સ્પીડ ડીઝલ, પેટ્રોલ, કુદરતી ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યૂઅલ પર વેરો લાગતો નથી. આથી આવી વ્યક્તિ આ ચીજોના સપ્લાય કરતી ન હોવી જોઈએ.

૪.આવી વ્યક્તિ આંતર રાજ્ય સપ્લાય કરતી ન હોવી જોઈએ.

૫.આવી વ્યક્તિ કેશ્યૂલ ટેક્સેબલ પર્સન કે નોન-રેસિડન્ટ ટેક્સેબલ પર્સન ન હોવી જોઈએ.

૬.કલમ ૫૨ હેઠળ વેરો ઉઘરાવવા જવાબદાર હોય તેવા ઇલોક્ટ્રોનિક કોમર્સ ઓપરેટર મારફતે આવી વ્યક્તિ સપ્લાય કરતી હોવી જોઈએ નહીં.

૭.આવી વ્યક્તિ નીચેની ચીજોનો વ્યવસાય કરતી ન હોવી જોઈએ.

અ.    આઇસક્રીમ અને અન્ય ખાવાનો બરફ તેમાં કોકો હોય કે ન હોય જે હેડિંગ નંબર ૨૧૦૫ ૦૦ ૦૦માં પડતા હોય.

બ.     પાન-મસાલા જે હેડિંગ નંબર ૨૦૦૬ ૯૦ ૨૦માં પડતા હોય.

ક.      ચેપ્ટર ૨૪માં પડતો તમામ માલ એટલે કે તમાકુ અને ઉત્પાદિત તમાકુના વિકલ્પો.

૮.જ્યારે એકથી વધુ નોંધાયેલ વ્યક્તિ ઇન્કમટેક્સ કાયદા હેઠળ એક જ PAN ધરાવતી હોય ત્યારે આવી તમામ વ્યક્તિઓએ તેમના તમામ સપ્લાય પર આ જાહેરનામા અનુસાર વેરો ભરવાનો રહેશે.

૯.નોંધાયેલ વ્યક્તિ તેના સપ્લાય માટે ગ્રાહક પાસેથી વેરો ઉઘરાવી શકશે નહીં.

૧૦.આવી વ્યક્તિને માલ કે સેવાની પ્રાપ્તિ પર ચૂકવેલ વેરાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર રહેશે નહીં.

૧૧.આવી વ્યક્તિ તેના સપ્લાય માટે ટેક્સ ઇનવોઇસ આપી શકશે નહીં અને તેઓએ તેમના સપ્લાય માટે બિલ ઓફ સપ્લાય આપવાનું રહેશે.

૧૨.આવી વ્યક્તિએ તેમણે આપેલ બિલ ઓફ સપ્લાય પર નીચે મુજબનું લખાણ લખવાનું રહેશે :

” taxable person paying tax in terms of notification No.2/2019-Central Tax (Rate) dated 07.03.2019, not eligible to collect tax on supplies.”

૧૩.જો કોઈ વ્યક્તિ આ નોટિફિકેશનનો લાભ લેવા માગતી હોય અને તેમે અગાઉ માલ કે સેવાની પ્રાપ્તિ પર ચૂકવેલ વેરાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ માગેલ હોય તો તેઓએ જેટલો માલ, અર્ધ તૈયાર માલ કે તૈયાર માલ સ્ટોકમાં હોય અને કેપિટલ ગુડ્ઝ કે જેની ઇનપુટ ટેક્સ ક્રેડિટ માગેલ હોય તેને ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાંથી બાદ કરીને અથવા જો તેવું ક્રેડિટ બેલેન્સ ન હોય તો ઇલેક્ટ્રોનિક કેશ લેજરમાં પૈસા ભરીને ભરી દેવાની રહેશે. જો આવી રીતે ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં સ્ટોક કે કેપિટલ ગુડ્ઝને લગતી ક્રેડિટ બાદ કર્યા બાદ તે લેજરમાં કોઈ ક્રેડિટ વધતી હશે તો તે જતી રહેશે.

૧૪. કલમ ૧૦ હેઠળ ઉચ્ચક વેરાનો વિકલ્પ ધરાવનાર નોંધાયેલ વ્યક્તિને GSTના જે કોઈ નિયમો લાગુ પડતા હોય તે તમામ નિયમો આ જાહેરનામાનો લાભ લેનારને પણ લાગુ પડશે.

જાહેરનામાનો લાભ લેવા શું કરવાનું ?

કેન્દ્ર સરકારના GST પોલિસી વિંગ દ્વારા બહાર પાડવામાં આવેલ તા. ૫-૪-૧૯ના પરિપત્ર નંબર ૯૭/૧૬/૨૦૧૯-GST અનુસાર જે વ્યક્તિ આ જાહેરનામાનો લાભ લેવા માગતી હોય તેઓએ તા. ૩૦-૪-૧૯ સુધીમાં FORM GST CMP-૦૨માં તેની જાણકારી આપવાની રહેશે. આ માટે FORM GST ITC-૦૩ પણ ભરવાનું રહેશે. નવો નોંધણી નંબર લેનારે તેમની નોંધણી નંબર માટેની અરજીના FORM GST REG-૦૧માં અનુક્રમ ન બર ૫ અને ૬.૧(ii)નો વિકલ્પ સ્વીકારવાનો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post નાના વેપારીઓ માટે GSTમાં રાહત, જાણો કેવી રીતે appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/relieve-gst-for-small-businessmen-learn-how/
via Best Gujarati News

0 Comments