દેશના વિકાસ અને સામાજિક સુરક્ષા માટે થઈ શકે છે ડિજિટલ જનધન એકાઉન્ટનો ઉપયોગ
અર્થ અને તંત્ર : અપૂર્વ દવે
ભારતમાં બેન્કો પોતાનું પર્ફોર્મન્સ ભૂલીને નોન પર્ફોમિંગ એસેટ્સની સમસ્યાની પાછળ પડી છે ત્યારે વિદેશમાં બેન્કો ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગ્રાહકોને આકર્ષવા માટે નવી-નવી યોજનાઓ શરૂ કરે છે. આજે આપણે આવાં એક ઉદાહરણની વાત કરીએ.રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડનો દાખલો લેવા જેવો છે. તેણે હાલમાં જ ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ સર્વિસ શરૂ કરી છે. રોયલ બેન્ક ઇન્વેસ્ટ નામની આ સેવા હેઠળ ગ્રાહકોને ૫૦ પાઉન્ડથી શરૂ થતું રોકાણ કરવાની સુવિધા આપવામાં આવી છે. ગ્રાહકો પોતાનાં નાણાકીય લક્ષ્યો નક્કી કરીને તેને અનુરૂપ રોકાણ શરૂ કરી શકે એવી આ સેવા છે.
દેખીતી વાત છે કે સામાન્ય ગ્રાહકને નાણાકીય લક્ષ્યો વિશેની સમજણ આપવાની જરૂર હોય છે. આ કામ બેન્કે ઓટોમેટેડ એડવાઇઝ એટલે કે આપોઆપ સલાહ આપનારી ટેક્નોલોજીની મદદથી કર્યું છે. નાણાકીય લક્ષ્યમાં ક્યાં સુધી પહોંચાયું છે એ તેઓ ઓનલાઇન જોઈ શકે છે. આવકમાંથી કેટલી બચત થાય છે અને કયું નાણાકીય લક્ષ્ય છે તેના આધારે ટેક્નોલોજી ગ્રાહકોને સલાહ આપે છે.
ટીપે ટીપે સરોવર ભરાય એ ઉક્તિને સાર્થક કરનારી આ સેવા છે, કારણ કે અગાઉ કહ્યું તેમ માત્ર ૫૦ પાઉન્ડથી રોકાણની શરૂઆત કરી શકાય છે અને તેમાં એટલી રકમ નિયમિત ધોરણે ઉમેરી શકાય છે. રોકાણમાં નિયમિતતા જાળવવી અત્યંત જરૂરી છે. આથી રોયલ બેન્ક ગ્રાહકોને સલાહ આપે છે કે તેઓ ઓછામાં ઓછાં પાંચ વર્ષ સુધી રોકાણની સામું જ ન જુએ. ગ્રાહક કેટલું જોખમ સહન કરી શકે છે તેના આધારે પાંચ અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ ફ્ંડ રાખવામાં આવ્યાં છે, જેમાં ફી ઘણી ઓછી લેવાય છે. જો વ્યક્તિગત સલાહ જોઈતી હોય તો તેની પણ વ્યવસ્થા બેન્કે કરી રાખી છે. તેની ફી ફ્ક્ત ૧૦ પાઉન્ડ છે.
સ્કોટલેન્ડમાં દરેક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલ સેવિંગ્સ એકાઉન્ટ આપવામાં આવે છે, જેમાં દર વર્ષે ૨૦,૦૦૦ પાઉન્ડ સુધીની રકમ પર મળતું વ્યાજ કરમુક્ત રાખવામાં આવ્યું છે. આ એકાઉન્ટનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે, જેમાં ઘર ખરીદવા માટે ભંડોળ ભેગું કરવું, સંતાનો માટે બચત અને રોકાણ કરવું, શેર ખરીદવા અને નિવૃત્તિ માટે રોકાણ કરવું, એ બધાનો સમાવેશ થાય છે. ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટને આ એકાઉન્ટ સાથે સાંકળવાનો લાભ પણ રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડે આપ્યો છે. ટૂંકમાં, નિયમિત અને નાણાકીય લક્ષ્ય આધારિત રોકાણ કરવા માટેની ઉત્તમ વ્યવસ્થા થયેલી છે. તમે વચ્ચે ક્યાંય અટકો તો ૧૦ પાઉન્ડમાં નાણાકીય સલાહકાર પાસેથી માર્ગદર્શન પણ લઈ શકો છો.
ભારતમાં આવી વ્યવસ્થા કરવાનું શક્ય જ નહીં, વધારે લાભદાયક પણ છે. અહીં બચત અને રોકાણ કરવા બાબતે જાગરૂકતાની વાત તો જવા દો, ૨૦૧૪ની પહેલાં કરોડો લોકોની પાસે બેન્ક ખાતાં પણ ન હતાં.
જનધન યોજના હેઠળ શૂન્ય ડિપોઝિટનાં ખાતાં શરૂ કરવામાં આવ્યાં છે. આ ખાતાંને સ્કોટલેન્ડના ઇન્ડિવિજ્યુઅલ સેવિંગ્સ માફ્ક બનાવીને ૨૦,૦૦૦ રૂપિયા સુધીની બચતને કરમુક્ત રાખી શકાય છે. પાંચ વર્ષ સુધી રોકાણ ઉપાડી ન શકાય એવું ખાતું જો આપવામાં આવ્યું હોય તો લોકોનાં નાણાંનો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે મોટાપાયે ઉપયોગ કરી શકાય છે. સ્કોટલેન્ડની સરકાર ઇન્ડિવિજ્યુઅલ સેવિંગ્સ અકાઉન્ટમાં જમા થતી રકમમાંથી ઘર ખરીદવાનું હોય કે નિવૃત્તિ માટે ભંડોળ એકઠું કરવાનું હોય તો વર્ષેદહાડે પોતાના તરફ્થી પણ રકમ ઉમેરે છે. આમ, સામાજિક સુરક્ષાનું કાર્ય પણ ડિજિટલ જનધન એકાઉન્ટ મારફ્તે થઈ શકે છે. ડિજિટલ ઈન્ડિયા હેઠળ આ ઉત્તમ કાર્યની શરૂઆત થાય એવી આશા રાખીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દેશના વિકાસ અને સામાજિક સુરક્ષા માટે થઈ શકે છે ડિજિટલ જનધન એકાઉન્ટનો ઉપયોગ appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/use-of-digital-generation-account-can-be-done-for-the-countrys-development-and-social-security/
via Best Gujarati News
0 Comments