। નવી દિલ્હી ।

પીએમ મોદી તેમનાં કેબિનેટ સાથીઓ સાથે ગુરુવારે શપથ લેવાના છે ત્યારે ખરાબ તબિયતને કારણે મોદીની બીજી ઇનિંગમાં કેન્દ્રીય કેબિનેટમાં સામેલ નહીં કરવા ભાજપ નેતા અરુણ જેટલીએ મોદીને પત્ર લખ્યો હતો. જેટલી અગાઉની મોદી સરકારમાં નાણાપ્રધાન હતા. બીમારીને કારણે તેમણે કેબિનેટમાં સામેલ થવા અસમર્થતા દર્શાવી હતી. મોદીને લખેલો પત્ર તેમણે ટ્વિટર પર મૂક્યો હતો. વિદાય લીધેલી સરકારમાં કેબિનેટમાં સ્થાન આપવા માટે તેમજ પાર્ટીમાં મહત્ત્વની જવાબદારી સોંપવા માટે મોદીનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું કે આપના નેતૃત્વમાં દેશને વિકાસનાં નવા રસ્તા પર લઈ જવાની તક મળી હતી. પાર્ટીમાં મને સંગઠન સ્તરે મોટી જવાબદારી આપવામાં આવી હતી. હું આનાથી વધુ કશું માગી શકું તેમ પણ નથી.

નવી સરકારમાં મને કોઈ નવી જવાબદારીનો હિસ્સો બનાવવામાં આવે નહીં

જેટલીએ લખ્યું કે છેલ્લા ૧૮ મહિનામાં મને સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ થઈ છે. ચૂંટણી પછી આપ કેદારનાથ જઈ રહ્યા હતા ત્યારે પણ મેં આપને મૌખિક જાણ કરી હતી કે ભવિષ્યમાં હું કોઈપણ જવાબદારી સ્વીકારવા માગતો નથી. જેથી હું મારી સારવાર પર ધ્યાન આપી શકું. ભાજપ અને એનડીએ દ્વારા આપના નેતૃત્વમાં જંગી વિજય હાંસલ કરાયો છે. આપની નવી સરકાર શપથ લઈ રહી છે. ત્યારે હું સત્તાવાર રીતે આપને અરજ કરું છું કે હાલ નવી સરકારમાં મને કોઈ નવી જવાબદારીનો હિસ્સો બનાવવામાં આવે નહીં. હું મારા સ્વાસ્થ્યનાં ઇલાજ માટે કેટલોક સમય મળે તેમ ઇચ્છું છું.

વચગાળાનું બજેટ પીયૂષ ગોયલે રજૂ કર્યું હતું

જેટલી છેલ્લા દોઢ વર્ષથી કિડની અને કેન્સર સામે લડી રહ્યા છે. તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ છે. અગાઉ પણ એવી અટકળો ચાલતી હતી કે તેઓ મોદી કેબિનેટમાં સામેલ થશે નહીં. ગયા ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ પીયૂષ ગોયલે રજૂ કર્યું હતું. તે વખતે જેટલી સારવાર માટે અમેરિકા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ખરાબ તબિયતને કારણે કેબિનેટમાં સામેલ ન કરવા જેટલીનો મોદીને પત્ર appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/bad-health-due-cabin/
via Best Gujarati News

0 Comments