૧૩,૧૪ જૂને પીએમ મોદીની જિંનપિંગ અને પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાત યોજાશે
। નવી દિલ્હી ।
ભારતના વડા પ્રધાન તરીકેની બીજી ઇનિંગ શરૂ કરવાની સાથે વડા પ્રધાન મોદી ૧૩ અને ૧૪ જૂનના રોજ બિશકેક ખાતે આયોજિત એસસીઓ સમિટમાં ભાગ લેવાની સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાતો કરશે. ભારતના વડા પ્રધાનપદે ફરીવાર ચૂંટાઈ આવ્યા બાદની પીએમ મોદીની વિશ્વ નેતાઓ સાથેની આ પહેલી મુલાકાત હશે. બિશકેક ખાતે આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની બેઠકમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પણ હાજરી આપશે. જોકે, ભારતના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, પીએમ મોદી અને ઇમરાન ખાન વચ્ચે કોઈ દ્વિપક્ષીય મુલાકાત યોજાવાની નથી. મોદી અને ઇમરાન ખાન વચ્ચે મુલાકાત યોજાશે તેવા મીડિયા અહેવાલો કલ્પના માત્ર છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, પીએમ મોદી અને ઇમરાન ખાન વચ્ચે અવિધિસરની મુલાકાત યોજાવાની સંભાવનાઓને નકારી શકાય નહીં પરંતુ દ્વિપક્ષીય મુલાકાતનું કોઈ આયોજન કરાયું નથી.
ચીને પાકિસ્તાન સ્થિત આતંકી સરગણા મસૂદ અઝહર પરના સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો આડેનો વીટો હટાવી લીધા બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ શી જિંનપિંગ વચ્ચે યોજાનારી પહેલી મુલાકાત અત્યંત મહત્ત્વની બની રહેશે.
૧૧ ઓક્ટોબરે વારાણસી ખાતે મોદી અને શી જિંનપિંગ વચ્ચે વુહાન સ્ટાઇલ અવિધિસરની મુલાકાત યોજાશે
ભારતે ૧૧ ઓક્ટોબરના રોજ વારાણસી ખાતે પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિંનપિંગ વચ્ચે વુહાન જેવી અવિધિસરની મુલાકાત યોજવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. ચીની સત્તાવાળાઓ ભારતના આ પ્રસ્તાવ પર હકારાત્મક વિચારણા કરી રહ્યાં છે. મોદી અને જિંનપિંગ વચ્ચે ૨૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ ચીનના હુબેઇ પ્રાંતના વુહાન ખાતે પહેલી અવિધિસરની મુલાકાત યોજાઈ હતી. વુહાનના સરોવર કિનારે આવેલા ગેસ્ટ હાઉસમાં બંને નેતાઓએ બે દિવસ સાથે ગુજાર્યા હતા.
સપ્ટેમ્બરમાં મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત
પીએમ મોદી સંરક્ષણ, વેપાર અને અન્ય વણઉકલ્યા પ્રશ્નોના નિવેડા માટે સપ્ટેમ્બર મહિનામાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે તેવી સંભાવના છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના આયોજન વખતે જ મોદી અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત યોજવાનું આયોજન થઈ રહ્યું છે. હાલ રાજદ્વારી ચેનલો દ્વારા આ મુલાકાત અંગે ચર્ચાઓ હાથ ધરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ૧૩,૧૪ જૂને પીએમ મોદીની જિંનપિંગ અને પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાત યોજાશે appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/1314-june-pm-modi-jinn/
via Best Gujarati News
0 Comments