ક્રિકેટમાં અફઘાનિસ્તાન ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં સ્પિનર રાશિદ ખાનની ભૂમિકા મહત્વની છે. અફઘાનિસ્તાન માટે રાશિદ ખાનનું શાનદાર પ્રદર્શન ચાલુ જ રહે તે ઘણું જરૂરી છે. ટી-20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ટૉપ રહેલો 20 વર્ષનો આ બૉલર ઇંગ્લેન્ડમાં 30 મેનાં રોજથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ટીમનું મુખ્ય હથિયાર હશે. અફઘાનિસ્તાનની ટીમમાં 18 વર્ષનાં સ્પિનર મજીબ-ઉર રહમાને પણ ઝડપથી ઓળખ બનાવી છે, પરંતુ ટેસ્ટ, વન ડે અને ટી-20માં રાશિદ ખાનને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પોતાના 17માં જન્મદિવસ બાદ રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવનારો આ ખેલાડી ટી-20 રેન્કિંગમાં ટૉપ પર પહોંચવાની સાથે એકદિવસીય રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે. રાશિદને તેના બૉલ પર મોટા શૉટ લાગવાનો ડર નથી. આ માટે તે સતત વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેણે આ ક્ષમતા ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં ટી-20 ક્રિકેટ રમીને વિકસાવી છે. રાશિદ ખાન 2017માં 16 એકદિવસીય મેચમાં 43 વિકેટ લઇને બીજા અને 2018માં 20 મેચોમાં 48 વિકેટ લઇને એક વર્ષમાં સૌથી વધારે વિકેટો લેવાના મામલે બીજા નંબરે રહ્યો હતો. જો કે તે બૉલને વધારે ટર્ન નથી કરતો, પરંતુ બેટ્સમેનનાં મગજને પારખવાની ક્ષમતા તેને ખાસ બનાવે છે.

રાશિદ સૌથી ઓછી વન ડેમાં 100 વિકેટ લેનારો બૉલર છે. તેણે ફક્ત 44 મેચોમાં આ આંકડો સ્પર્શી લીધો છે અને ઑસ્ટ્રેલિયાનાં મિશેલ સ્ટાર્કનાં રેકૉર્ડને 8 મેચોથી પછાડ્યો છે. અફઘાનિસ્તાનનાં કૉચ ફિલ સિમંસ પણ ટીમમાં તેમની જરૂરિયાતને જાણે છે. તેમણે કહ્યું કે, “રાશિદ ખાનનું મગજ 30 વર્ષનાં બૉલર જેવું છે. તે જાણે છે કે તેનાથી શું આશાઓ છે.” તો ટીમનાં પૂર્વ કેપ્ટન અસગર અફઘાને કહ્યું કે, “રાશિદ અમારો મુખ્ય બૉલર છે અને તે વિશ્વ કપમાં ટીમનું મુખ્ય હથિયાર છે. તે ગેમને બદલી શકે છે અને તેને પોતાની જવાબદારીઓની ખબર છે.”

રાશિદ ખાન પણ વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કરવા ઉત્સુક છે અને તેણે કહ્યું કે, “અમે વિશ્વ કપમાં બીજી ટીમો માટે ખતરાની ઘંટી વગાડી દીધી છે.” અફઘાનિસ્તાને પ્રેક્ટિસ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતુ. રાશિદે કહ્યું કે, “તમારે તમારું સર્વશ્રેષ્ઠ કરવા માટે પોતાની આવડત પર ભરોસો કરવો પડશે. અમે એશિયા કપમાં જે રીતે રમ્યા તે સંપૂર્ણ રીતે અલગ હતુ. તેનાથી એ ખબર પડે છે કે અમે કોઇપણ ટીમને હરાવી શકીએ છીએ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપ: બીજી ટીમો માટે અફઘાનિસ્તાન છે મોટું જોખમ, રાશિદ ખાને આપી ચેતવણી appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/rashid-khan-speaking-about-his-and-his-teams-cwc-2019-matches/
via Best Gujarati News

0 Comments