સિનેજગતના સૂર-તાલ : વિક્ટર ડિસોઝા

વી.જી. જોગ  

વિષ્ણુ ગોવિંદ જોગ સંગીતની દુનિયામાં વી.જી. જોગ તરીકે ઓળખાય છે. તેમની ગણના શ્રેષ્ઠ વાયોલિનવાદકમાં થાય છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વાયોલિનના સૂરોને વધાવનારા શરૂઆતના મહારથીઓમાં વી.જી. જોગનું નામ ઘણું મોટું છે. તેમનો જન્મ ૧૯૨૨માં મુંબઈમાં થયો હતો. તેઓએ સંગીતનું પહેલું જ્ઞાન એસ.સી. આઠવલે અને સ્વર્ગીય ગણપત રાવ પુરોહિત પાસેથી મેળવ્યું હતું. બાર વર્ષની ઉંમરથી જ વી.જી. જોગે સંગીતના પાઠ શીખવાનું શરૂ કરી દીધું હતું. ભારતના ટોચના સંગીતકાર બાબા અલાઉદ્દીન ખાન અને પંડિત એસ. એન. રતનજંકર પાસેથી તેઓએ શિક્ષણની તાલીમ મેળવી હતી. આ ઉપરાંત શ્રીલંકાના પંડિત અમરદેવ પાસેથી પણ સંગીતનું જ્ઞાન મેળવ્યું હતું. વિષ્ણુ ગોવિંદ જોગે ૧૯૪૪માં લખનૌમાં ભાતખંડે મ્યૂઝિક ઈન્સ્ટિટયૂટમાંથી સંગીતમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને ત્યાં જ તેમણે વિદ્યાર્થીઓને સંગીતના પાઠ પણ શીખવ્યાં હતા. આ ઉપરાંત તેમણે અલી અકબર મ્યૂઝિક કોલેજમાં પણ સંગીત શીખવ્યું હતું. એટલું જ નહી પણ તેઓ બાબા અલ્લાઉદ્દીન ખાનના શિષ્ય પણ રહી ચૂક્યા છે. વી.જી. જોગે દેશના ખુણે ખુણે ફરીને પોતાના સંગીતથી દર્શકોને ડોલાવ્યા છે. તેમણે ૨૧મી સદીના મહાન હિન્દુસ્તાની સંગીતકારો સાથે તાલથી તાલ મિલાવીને પ્રેક્ષકોનું દિલ જીત્યું છે. ૧૯૫૩માં તેઓ ઓલ ઈન્ડિયા રેડીયો સાથે જોડાયા અને સંગીત નિર્માતા તરીકે સેવા આપી. પણ જ્યારે તેઓ નિવૃત થયા ત્યારે તેઓ ઓલ ઈન્ડિયા રેડિયોના ડેપ્યુટી ચીફ પ્રોડયુસર હતા. ૧૯૮૫માં તેમણે અમેરિકામાં ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં પોતાના સંગીતનો હુનર બતાવીને સૌની વાહ વાહી મેળવી હતી. ૧૯૮૩માં ભારત રાષ્ટ્રપતિ સંગીત નાટક એકેડેમી પુરસ્કાર દ્વારા પદ્મ ભૂષણ સહિત વિવિધ સાંસ્કૃતિક સંસ્થાઓમાંથી પણ તેમને ઘણા સન્માન મળ્યાં હતા. ગ્વાલિયર અને આગ્રા અને બખલે ઘરાનામાં તાલીમ પામેલા વિષ્ણુ ગોવિંદ જોગે તેમની પોતાની એક અલગ લાક્ષણિક શૈલી વિકસાવી હતી. તેમનામાં પ્રેક્ષકોના મૂડને સમજવાની અસાધારણ ક્ષમતા હતી.

કૌશિકી ચક્રવર્તી  

કૌશિકી ચક્રવર્તી એક ભારતીય શાસ્ત્રીય ગાયિકા છે અને પ્રતિભાશાળી ગાયક અજય ચક્રવર્તીની પુત્રી છે. તેમનો જન્મ કલકત્તામાં એક પ્રતિષ્ઠિત સંગીત પરિવારમાં થયો છે. તે પટિયાલા ઘરાનાની સંગીતકારા છે. કૌશિકી ચક્રવર્તીએ સંગીત રિસર્ચ એકેડેમીમાંથી સંગીતના પાઠ શીખ્યા છે, જ્યાં તેમના પિતા એક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમની ગાયિકીની સૂચિમાં ખ્યાલ, ઠુમરીનો સમાવેશ થાય છે. સંગીત કારકિર્દી દરમિયાન તેમણે રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે પોતાનો પ્રભાવ પાડયો છે. એટલું જ નહીં, પણ તેમણે પતિ પાર્થસારથિ દેસિકન સાથે મળીને પણ વિદેશોમાં સંગીતના સૂરો રેલાવ્યા છે. બે વર્ષની ઉંમરથી જ તેમને સંગીત પ્રત્યે લગાવ હતો. ૧૯૮૦ના દાયકાનાં અંત ભાગથી જ તેઓ તેમના પિતા સાથે દેશ-વિદેશોમાં સંગીતના કાર્યક્રમોમાં જોડાતાં. સાત વર્ષની વયે જાહેર કાર્યક્રમમાં તરાના શૈલીનું પ્રથમ ગીત પણ ગાયું હતું. દસ વર્ષની ઉંમરે તેમણે જ્ઞાન પ્રકાશ ઘોષ કે જેઓ તેમના પિતાના પણ ગુરૂ રહી ચૂક્યા હતા તેમની એકેડેમીમાં ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ૨૦૦૪માં આઈટીસી સંગીત એકેડેમીમાં સ્નાતકની પદવી મેળવી. આ સાથે તેઓ તેમના પિતાની છત્રછાયામાં રહીને  સંગીત શીખવાનો લહાવો મેળવ્યો છે. તેમણે અનેક સંગીત કાર્યક્રમો કર્યા અને પ્રેક્ષકોને ડોલાવ્યા. કૌશિકી ચક્રવર્તીએ ખ્યાલ શૈલી ઉપરાંત ભારતીય પોપ સંગીતના સમકાલીન સ્વરૂપને પણ બખૂબી રીતે અપનાવ્યું છે.

લાલગુડી જયરામન  

લાલગુડી ગોપાલ અય્યર જયરામન ભારતીય કર્ણાટકી વાયોલિનવાદક, ગાયક અને સંગીતકાર છે. સંગીત કારકિર્દી દરમિયાન ૨૦૦૧માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ સામાન્ય રીતે કર્નાટકી સંગીતના વાયોલિન ટ્રિનિટીના ભાગરૂપે એમ. એસ. ગોપાલક્રિષ્નન અને ટી. એન. ક્રિષ્નન સાથે જોડાયા હતા. તેમનો જન્મ મહાન સંગીતકાર ત્યાગરાજના વંશમાં થયો હતો. અનેકવિધ પ્રતિભા સંપન્ન ગોપાલ અય્યર વી. આર.ના તેઓ પુત્ર છે. એમ કહેવું ઉચિત છે કે, સંગીત પ્રેમ તેમને વારસામાં મળ્યો છે. ૧૨ વર્ષની વયે એક સોલો કલાકારના રૂપે આગળ વધ્યા તે પહેલા તેમણે કર્ણાટકી સંગીતકારો સાથે મળીને વાયોલિનવાદક તરીકે સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી. સમય જતા વાયોલિનમાં નીતનવા ફેરફાર કરીને તેની શૈલીનો ફેલાવો કર્યો, જેને ભારતીય શાસ્ત્રીય સંગીતની જરૂરીયાતો અનુરૂપ તૈયાર કર્યું હતું, જે લાલગુડી બની તરીકે ઓળખાવા લાગ્યું. આ ઉપરાંત જયરામનને અનેક નૃત્યો પણ કંપોઝ કર્યાં છે, જે રાગ,ભાવ, લય અને ગીતના સૌદર્યનું મિશ્રણ છે. લાલગુડી તેમના દરેક પરફોર્મન્સ બાદ  પરફોર્મન્સની આલોચના કરતા અને એટલું જ નહી પણ દરેક સંગીત કાર્યક્રમ બાદ તેઓ તેના વિશે વિસ્તૃતમાં તેની સમીક્ષા લખતા. તેમની આ આદત તેમને તેમના પિતા અને ગુરૂ પાસેથી વારસામાં મળી હતી. તેઓ હંમેશા સ્ટેજ પર તેમના સોલો પરફોર્મન્સને લઈને નાખુશ રહેતા. હંમેશા તેમને તેમના સંગીતમાં કઈક કમી લાગતી. એક વાત તમને જાણીને નવાઈ લાગશે પણ તેમના પિતા દ્વારા તેમને મહિલા કલાકારો સાથે ગાયિકીની સખ્ખત મનાઈ કરવામાં આવી હતી, જેને તેઓ પૂરી નિષ્ઠાથી વફાદાર રહ્યાં હતા. ભારત ઉપરાંત વિદેશોમાં પણ તેમણે મોટાપાયે સંગીત કાર્યક્રમો કર્યાં હતા. એક વખત તો ભારત સરકારે તેમને ભારતીય સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે રશિયા પણ મોકલ્યા હતા. આમ જોવા જઈએ તો સંગીતની દુનિયામાં તેમણે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી પણ આંતરાષ્ટ્રીય સ્તરે વાયોલીનના સૂરોને કર્ણાટકી શૈલીમાં કંડારનારા તેઓ પહેલા સંગીતકાર હતા.

cine@ sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સૂરોની સફરના ચમકતા સિતારા appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/sun-trip-shining-sitar/
via Best Gujarati News

0 Comments