અકબરના દરબારમાં નવ રત્નો ઉપરાંત દરેક કામના નિષ્ણાતો હાજરી આપતા હતા. શામળદાસ આવા જ એક દોરડા નિષ્ણાત હતા. એ દોરડા વણવામાં આખા દેશમાં નંબર વન હતા.

એક દિવસ એક વેપારી પરદેશથી આવ્યો. એણે દરબારમાં કહ્યું, મારી પાસે જે હાથી છે એને કાબૂમાં રાખવા માટે બાજરીના ડૂંડામાંથીં દોરડું બનાવવું પડે છે. હું એ દોરડું લઈને નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં ચોરી થઈ ગયું છે. હવે મારે એવું બીજું દોરડું બનાવવું છે. મેં તમારા ખુબ વખાણ સાંભળ્યા છે એટલે આવ્યો છું. આશા છે કે તમે બાજરીના ડૂંડાનું દોરડું જરૂર બનાવી આપશો.

અકબરે તરત દોરડા નિષ્ણાતને આદેશ કર્યો, આ ભાઈ કહે છે એવું દોરડું ૧૫ દિવસમાં બનાવી આપો.

શામળદાસે માથું નમાવી કહ્યું, જી જહાંપનાહ!

બીજા દિવસે શામળદાસ દરબારમાં ન આવ્યા. ત્રીજા દિવસેય દરબારમાં ન આવ્યા. અકબરે પૂછયું, શામળદાસ દેખાતા નથી. કોઈ તપાસ કરો, દોરડું બનાવવાનું કેટલે પહોંચ્યું?

બીરબલે કહ્યું, હું તપાસ કરી લાવીશ, જહાંપનાહ!

એ સાંજે જ બીરબલ શામળદાસના ઘેર પહોંચ્યો. જોયું તો શામળદાસ ચિંતામાં બેઠા હતા. એમની પત્નીએ કહ્યું, બે દિવસથી ખાતા ય નથી.

બીરબલે શામળદાસના ખભે હાથ મૂક્યો અને કહ્યું, બાજરીના ડૂંડાનું દોરડું કદી ન બને, ખરૃં ને?

શામળદાસ કહે, હા! કોઈ રીતે ન બને. કોઈએ મારી સામે કાવતરું કર્યું છે.

બીરબલ કહે, તમારી સામે નહીં, દરબાર સામે કાવતરું છે. તમે કાલે દરબારમાં આવો અને હું કહું છું એમ બાદશાહ સામે જાહેર કરજો! એમ કહી બીરબલે શામળદાસના કાનમાં કશુંક કહ્યું.

બીજા દિવસે શામળદાસે દરબારમાં આવીને કહ્યું, બાદશાહ સલામત, મેં દોરડું બનાવવાની તૈયારી કરી લીધી છે. બસ, દોરડું બનાવવા બાજરીના ડૂંડાં પલાળવા પડશે. એ માટે આ ચમત્કારિક ચારણીમાં શાહી સરોવરમાંથી એ વેપારીએ પાણી ભરી લાવવું પડશે જેને આ દોરડું જોઈએ છે.

બાદશાહે વેપારીને કહ્યું, જાઓ શાહી સરોવરમાંથી પાણી લઈ આવો.

વેપારી કહે, ચારણીમાં તો કંઈ પાણી ભરાતું હશે!

શામળદાસ કહે, નિષ્ઠા સાચી હશે તો પાણી ભરાયેલું જ રહેશે, જહાંપનાહ!

હવે વેપારી સમજી ગયો કે બરાબરનો ફસાઈ ગયો છે. એણે કહ્યું. જહાંપનાહ , માફી માગું છું. તમારા દરબારની ખ્યાતિ બગાડવા માટે મેં કાવતરું કર્યું હતું. બાજરીના ડૂંડાનું દોરડું બની જ ન શકે! મને આપ સજા કરો! આપ જે સજા કરશો એ મને મંજુર છે.

બાદશાહ કહે, સાચું બોલવા બદલ તમારી સજા માફ! અને હા, તમારી સામે ફરિયાદ કરવાને બદલે તમારા મોઢે જ સાચું બોલાવવા બદલ શામળદાસને ૧૦૦૦ સોનામહોરો આપવામાં આવે!

શામળદાસ બીરબલની સામે જોઈ રહ્યા! આ ઈનામના સાચા હકદાર તો બીરબલ હતા!

પરંતુ બીરબલે શામળદાસને ઈશારો કરી ચૂપ રહેવાની સુચના આપી. શામળદાસ તો મનોમન બીરબરલને આશીર્વાદ આપતા રહ્યા. બીરબલ ન હોત તો એમની આબરૂ આજે ધુળમાં મળી ગઈ હોત!

આ વાત બીરબલને કરી તો બીરબલ કહે મેં તમારી નહીં રાજ્યની આબરૂ બચાવવા  આવું કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચાલાકીનો જવાબ બુદ્ધિથી આપી બતાવ્યો appeared first on Sandesh.



from Kids Corner – Sandesh http://sandesh.com/maneuver-reply-with-them/
via Best Gujarati News

0 Comments