શૂન્ય અને એક વડે કેટલા શબ્દો બની શકે?
જ્ઞાન-વિજ્ઞાન :- માખન ધોળકિયા
કમ્પ્યૂટર શોધાયું ત્યારે તો માત્ર આંકડાઓને કમ્પ્યૂટ કરવા(ગણતરી કરવા) માટે જ શોધાયું હતું. ધીમે ધીમે નિષ્ણાતો એની પાસે વધારે ને વધારે કામ કરાવતાં શીખતા ગયા અને આજે કમ્પ્યૂટર લગભગ બધાં જ કામ કરે છે. આપણે એ પણ જાણીએ છીએ કે કમ્પ્યૂટર બધાં જ કામ બાયનરી લેન્ગ્વેજ એટલે કે માત્ર બે સંકેતની ભાષા વડે કરે છે. આ બં સંકેત છે, શૂન્ય અને એક!
શૂન્ય અને એક તો પ્રતીક છે. કમ્પ્યૂટર તો માત્ર વીજળીના કરન્ટ વડે જ કામ કરે છે. કરન્ટ ચાલુ થાય તો એક અને બંધ થાય તો શૂન્ય. એક સેકન્ડમાં વીજળીનો કરન્ટ લાખ્ખો વખત ચાલુ-બંધ થઈને શૂન્ય અને એક બનાવતો રહે છે.
આટલું જાણ્યા પછી મનમાં સવાલ અચૂક જાગે કે માત્ર શૂન્ય અને એક વડે કેટલા શબ્દો લખી શકાય? કમ્પ્યૂટર નિષ્ણાતોએ આનો જવાબ સરળ બનાવી દીધો. નિષ્ણાતોએ સમજી લીધું કે અંગ્રેજી ભાષામાં ૨૬ મૂળાક્ષર અને શૂન્યથી નવ સુધીના દસ અંક એટલે કે ૩૬ જુદા જુદા સંકેત બનાવવા પડે. જો એટલા સંકેત બની જાય તો પાર વગરના શબ્દો અને સંખ્યાઓ લખી શકાય. આપણે ગમે તેવું લખાણ લખીએ કે વાંચીએ એમાં ભાષાના મૂળાક્ષરો જ જુદા જુદા સ્થાને ગોઠવાયેલા હોય છે ને? સંખ્યાઓમાં આંકડા જુદા જુદા સ્થાને ગોઠવાયેલા હોય છે.
આ વાત સહેલી રીતે સમજવા માટે (માત્ર સમજવા પુરતું ર, અને મ એમ ત્રણ પ્રતીક લઈએ. ર અને મ અક્ષરો છે અને આકારાંત દર્શાવતો સ્વર છે. આ ત્રણ સંકેત વડે કેટલા શબ્દો બનાવી શકાય?
રામ, રમા, માર, મરા, રમ, મર, આમ, મા, આર; આ નવ શબ્દ તો આપણને સમજાય એવા બને છે. તરત અર્થ ન સમજાય એવા શબ્દો પણ દરેક સંકેતને એકથી વધારે વખત ઉપયોગ કરીને લખી શકાય કે નહીં? જરૂર લખી શકાય!
એ જ રીતે કમ્પ્યૂટર નિષ્ણાતોએ કમ્પ્યૂટરની ભાષા બનાવવા માટે અગાઉ ટેલિગ્રાફિક સંદેશા મોકલવા માટે વપરાતા મોર્સ કોડની ટેકનિક વાપરી. પચાસ વર્ષ પહેલાં ઝડપથી કોઈ સંદેશો મોકલવો હોય તો ટેલિગ્રાફ કરીને મોકલવામાં આવતો. તેને આપણે તાર તરીકે ઓળખીએ છીએ. એમાં એક છેડે બેઠેલો માણસ વીજળી પ્રવાહને બ્રેક કરી શકે એવું સાધન લઈને બેસતો એ વીજળી પ્રવાહ તોડે તો ડોટ અને ચાલુ રાખે તો ડેશ એમ બે સંકેત ગણવામાં આવતા હતા. એણે જે સંદેશો મોકલવો હોય એ માત્ર બે સંકેત વડે મોકલી શકાતો. સામે છેડે બેઠેલો માણસ વીજળી સંકેત કેટલી વખત ચાલુ-બંધ થાય છે એ જાણીને અક્ષરો ઉકેલી લેતો. અને એક એક અક્ષર કરીને આખો સંદેશો બની જતો હતો.
કમ્પ્યૂટર નિષ્ણાતોએ પણ શૂન્ય અને એકના સંકેત વડે એબીસીડી અને એકથી શૂન્યના સંકેત બનાવી લીધા. એને ફક્ત સમજવા માટે સરળ રીતે બાજુમાં આપેલા કોઠામાં સમજાવાયું છે. એ રીતે આંકડાના સંકેત નક્કી કરી લીધા. વચ્ચે કોઈ સંકેત ન આવે તો બ્રેક માની લેવાય એટલે કે એક અક્ષર કે એક આંકડાના સંકેત પુરા થયા. હવે બીજા અક્ષર કે આંકડાના સંકેત આવશે. આંકડા અને અક્ષર નક્કી થઈ ગયા પછી તો ગમે તેવી સંખ્યાઓ અને ગમે તેવા શબ્દો લખવામાં કોઈ જ અડચણ ન રહી.
makhan.cc@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શૂન્ય અને એક વડે કેટલા શબ્દો બની શકે? appeared first on Sandesh.
from Kids Corner – Sandesh http://sandesh.com/zero-and-one-with-a-lot/
via Best Gujarati News
0 Comments