ફિલ્મી ટ્રેક : મોના સુતરિયા

ફારાહ ખાનઃ થ્રી ઇઝ કંપની 

મૂળ તો એ ડાન્સ કોરિયોગ્રાફર હતી. ૨૭ની ઉંમરે જો જીતા વો હી સિકંદરથી શરૂ કરીને ૧૯૪૨: અ લવસ્ટોરી, દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે જેવી ૮૦ જેટલી ફિલ્મોમાં તેણે કોરિયોગ્રાફી કરી અને પછી તો મૈં હૂં ના, ઓમ શાંતિ ઓમ તથા હેપી ન્યૂ યર જેવી ફિલ્મોનું એણે નિર્દેશન પણ કર્યું. આ બધાની વચ્ચે, ફારાહે ૨૦૦૪માં, છેક ૩૯ની ઉંમરે એડિટર શિરીષ કુંદર સાથે લગ્ન કર્યું અને છેક ૪૩ની ઉંમરે કૃત્રિમ ગર્ભાધાનની ટેક્નોલોજીની મદદથી તે ટ્રિપ્લેટ્સ (એકસાથે ત્રણ બાળકો, એક દીકરો, બે દીકરી)ની માતા બની. સંતાનોની સંખ્યા પરથી તેણે પોતાની ફિલ્મ પ્રોડક્શન કંપનીનું નામ રાખ્યું, થ્રી ઇઝ કંપની.

ઐશ્વર્યા રાયઃ ઠરી-ઠામ થવામાં વાર લાગી 

એ ૨૧ની ઉંમરે મિસ વર્લ્ડ બની અને પછી તેની ફિલ્મ કારકિર્દી ઘણી લાંબી ચાલી, પરંતુ તેમાં સુપરહિટ કહી શકાય તેવી, હમ દિલ દે ચૂકે સનમ તથા દેવદાસ જેવી, ગણીગાંઠી ફિલ્મો જ હતી. ખાસ તો અતિ સ્વરૂપવાન હોવાને લીધે, (૨૭થી ૩૦ની ઉંમર દરમિયાન) સલમાન સાથેના ઝંઝાવાતી પ્રણયપ્રકરણને લીધે તથા એક સુપરમોડેલ તરીકે એની બોલબાલા હોવાને લીધે લોકપ્રિયતાની ટોચ પર એ લાંબા સમય સુધી ટકી શકી. તેણે ૩૪ની ઉંમરે પોતાનાથી ઉંમરમાં નાના એવા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યું અને ૩૮ની ઉંમરે ક્યૂટ દીકરીની માતા બની.

રાની મુખર્જીઃ લગ્ન આડે પ્રલંબ અવરોધ…  

રાનીની પહેલી ફિલ્મ આવી અઢારની ઉંમરે અને ઝડપભેર સફળતાની ટોચે પહોંચ્યા પછી તેની ચઢાઉ-ઉતારવાળી કારકિર્દી ચાલતી રહી અને પરિણિત આદિત્ય ચોપરા (સન ઓફ યશ ચોપરા) સાથેના તેના અફેરની ચર્ચાઓ પણ ચાલતી રહી. છેવટે, છેક ૩૬ની ઉંમરે તેણે આદિત્ય સાથે લગ્ન કર્યું અને ૩૭ની ઉંમરે તે માતા બની ત્યારે એણે કહ્યું, અચાનક જ હું વધુ શાંત, વધુ ઠરેલ અને વધુ ક્ષમાવાન બની ગઈ. રાનીની દીકરીનું નામ છે આદિરા (આદિત્ય અને રાનીનો સરવાળો).

કાજોલઃ ઝડપી છતાં લેટ 

રાની મુખર્જીની માફક જ, કાજલની પણ પહેલી ફિલ્મ ૧૮ની ઉંમરે રિલીઝ થઈ (બેખુદી) અને પછી બાઝીગર રિલીઝ થઈ ત્યારે એ ૧૯ની જ હતી. દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે ફિલ્મ દ્વારા એ ટોચે પહોંચી ત્યારે એ ફક્ત ૨૧ વર્ષની હતી. ત્યારથી એ અજય દેવગણના પ્રેમમાં તો પડી જ ચૂકેલી, પરંતુ એણે લગ્ન કર્યા ત્યાં સુધીમાં એ પચ્ચીસની થઈ ચૂકી હતી. પછી ૨૭ની ઉંમરે, ૨૦૦૧માં એ પ્રેગ્નન્ટ તો થઈ, પરંતુ મિસકેરેજ થયું. એ ઘટનાના બે વર્ષ બાદ ૨૯ની ઉંમરે એણે દીકરી ન્યાસાને અને તેના સાત વર્ષ પછી ૩૬ની ઉંમરે દીકરા યુગને જન્મ આપ્યો. સંતાનસુખ વિશે એ કહે છે, મારી અંદરનું શ્રેષ્ઠ તત્ત્વ સંતાનોને લીધે બહાર આવ્યું.

માધુરી દીક્ષિતઃ જોશીલી જુવાની પછી ઠરેલ દામ્પત્ય 

૨૧ની ઉંમરે ફિલ્મ તેઝાબ દ્વારા ધડાકાભેર સ્ટાર બની ગયેલી માધુરી દીક્ષિતે પછી તો બી.એસસી. માઈક્રોબાયોલોજીનું ભણતર ત્યજીને એક દાયકા સુધી ટોચની સ્ટાર તરીકે રાજ કર્યું. એ દરમિયાન ૨૩ની ઉંમરે તે સંજય દત્તના પ્રેમમાં પડી, પણ ત્રણ વર્ષ બાદ સંજય દત્તની ટાડા હેઠળ ધરપકડ થઈ એ સાથે પ્રણયપ્રકરણનો અંત આવ્યો. ૩૨ની ઉંમરે તેણે અમેરિકાસ્થિત મહારાષ્ટ્રિયન ડોક્ટર નેને સાથે લગ્ન કરી લીધું. તેણે ૩૭ની ઉંમરે પ્રથમ અને ૩૯ની ઉંમરે બીજા દીકરાને જન્મ આપ્યો.

શિલ્પા શેટ્ટીઃ અનાડી નહીં, સયાની 

૧૯ વર્ષની કાચી ઉંમરે અક્ષય કુમાર સાથે મૈં ખિલાડી તૂ અનાડી ફિલ્મમાં કામ કરી ચૂકેલી શિલ્પા બાવીસની ઉંમરે અક્ષય સાથે પ્રણયસંબંધથી જોડાઈ અને ત્રણ વર્ષ ચાલેલો એ સંબંધ તૂટયા બાદ શિલ્પાએ ૩૪ની ઉંમરે બિઝનેસમેન રાજ કુંદર સાથે લગ્ન કર્યું અને ૩૭ની ઉંમરે તે માતા બની.

હોલીવૂડની અભિનેત્રીઓ જે રીતે મોડા લગ્ન અને મોડા માતૃત્વ પછી પણ મોટે ભાગે છૂટાછેડાની પ્રક્રિયામાંથી પસાર થતી હોય છે એ જોતાં આપણી હિન્દી ફિલ્મજગતની આ બધી માનુનીઓ એ રીતે ઠરેલ ખરી કે વીસથી ત્રીસની ઉંમરમાં સફળતા અને સંબંધોનો ઝંઝાવાત જોઈ લીધા બાદ ઠીક ઠીક હદે સ્થિર અને શાંત કહી શકાય એવા લગ્નજીવનમાં તેઓ પરોવાઈ ગઈ અને પરોવાયેલી રહી.

cine@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સફળતા અને સંબંધોના સુખ પછી મોડેથી સંતાન-સુખ  appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/success-and-relationships-happiness/
via Best Gujarati News

0 Comments