સિનેમેટિક : એમ. એ. ખાન

આજે આપણે કહીએ છીએ કે પ્રેક્ષકોની પસંદ બદલાઈ ગઈ છે. હવે લોકો એવી જ ફિલ્મો પસંદ કરે છે જેમાં મધ્યમ વર્ગના લોકોની અને એમની સમસ્યાઓની વાત હોય એનો માનવીય રીતે કોઈ ઉકેલ બતાવવામાં આવ્યો હોય. બાકી કાલ્પનિક લોકો, કાલ્પનિક પ્રદેશ અને કાલ્પનિક ઘટનાઓનો ચમત્કારિક ઉકેલ બતાવતી ફિલ્મોમાં હવે લોકોને સાવ નહિવત રસ છે. એ પ્રકારની બાહુબલિ જેવી કોઈક જ ફિલ્મ હિટ થાય છે.

આજે મેઈનસ્ટ્રીમ સિનેમામાં ભેળસેળ થઈ ગયેલી પેરેલલ અને આર્ટ સિનેમાનો જન્મ ૧૯૬૯માં થયો હતો. એ એક વર્ષમાં એક બાજુ બાસુ ચેટરજીએ સારા આકાશ ફિલ્મ રજુ કરી. બીજી બાજુ મૃણાલ સેને ભુવન શોમ નામની ફિલ્મ રજુ કરી અને ત્રીજું મણિ કૌલે ઉસ કી રોટી નામની ફિલ્મ રજુ કરી હતી. આ ત્રણેય ફિલ્મો નાના બજેટની હતી, કારણ કે એ સિનેમાઘરોમાં ૧૦-૧૫ અઠવાડિયાં પણ ચાલશે એવી કોઈ જ ગણતરી નહોતી. એમાં પ્રેક્ષકોને ખેંચી લાવે અને જકડી રાખે એવો કોઈ જ મસાલો નહોતો. વિલન ન હોય, મારધાડ ન હોય, કોઈ જાતનું ટેન્શન ન હોય એવી મસાલા વગરની ફિલ્મ જોવા પૈસા ખર્ચીને કેટલા લોકો આવે? આ સવાલનો ચોક્કસ જવાબ ત્રણેય ફિલ્મ સર્જકો પાસે હતો. એટલે જ એમણે ઓછામાં ઓછા ખર્ચે ફિલ્મો બનાવી હતી.

બાસુ ચેટરજીએ બનાવેલી સારા આકાશ નામની ફિલ્મ એક ઘરના કિચનની સિન્ક પાસે જ ફરતી રહેતી વાર્તા પર આધારિત હતી. માતા-પિતાના આગ્રહના કારણે યુવાન મેટ્રિક થયેલી ઘરરખ્ખુ યુવતિ સાથે લગ્ન કરી લે. એ પછી સર્જાતા ઘર્ષણ, કડવાશ, ટેન્શન, હતાશા અને છૂટાછેડાની એમાં વાત હતી. એમાં જાણીતા નામ ગણીએ તો એ. કે. હંગલ, દીના પાઠક અને જલાલ આગા યાદ કરી શકાય. એ જ વર્ષે મૃણાલ સેને ભુવન શોમ ફિલ્મ બનાવી એમાં રેલ્વેમાં ઉચ્ચ અધિકારી તરીકે નોકરી કરતા ખંતીલા અને પ્રમાણિક વિધુર ભુવન શોમની વાત છે. એ અનાડી શિકારી છે. શિકાર કરવાના એક અનાડી સાહસમાં એનો ભેટો ગૌરી સાથે થાય. તે એને શિકાર કરતાં શીખવે અને દરમિયાન ભુવન શોમ કડક, પ્રમાણિક, જડસુ અધિકારીમાંથી કુદરતને સમજનાર રસિક માણસ બની જાય એવી ફિલ્મની વાત હતી. આ ફિલ્મમાં ઉત્પલ દત્ત અને સુહાસિની મૂલે મુખ્ય ભુમિકામાં હતા. એ જ વર્ષે મણિ કૌલે ઉસ કી રોટી નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં કોઈ જ જાણીતા કલાકારો નહોતા. ફિલ્મ એવા ટ્રક ડ્રાઈવરની વાત કરતી હતી જે મુક્ત પતંગિયા જેવો છે. એ ટ્રક લઈને અહીંથી તહીં માલસામાનની હેરફેર કરતો રહે છે. એની પત્ની રોજ એના માટે રોટલા ઘડી ભાથું બનાવે અને ગામમાંથી અનેક કિલોમીટર ચાલીને હાઈવે પર પહોંચી ઊભી રહે. ડ્રાઈવર સુચાસિંઘ ત્યાંથી પસાર થાય તો ટ્રક ઊભી રાખે. પત્ની એને ભાથું આપે અને ડ્રાઈવર એની સામે એક સ્મિત રેલાવીને ટ્રક આગળ દોડાવી દે. પત્ની જાણે છે કે એ મરજીનો માલિક છે. દોસ્તો સાથે પત્તાંનો જુગાર રમે છે. પોતાની રખાતો સાથે રાતો રંગીન કરે છે અને અઠવાડિયે એક જ વખત ઘેર આવે છે. એ ઘેર આવે તો એને પતિદેવ માની પત્નીએ એની દરેક વાતે ભરપુર સેવા કરવાની! છતાં પત્ની એને મનથી ચાહે છે. એક દિવસ પતિનું ભાથું આપવા જતી પત્ની રસ્તામાં જુએ તો એની બહેન પર એક યુવાન બળજબરી કરી રહ્યો હોય. એના હાથમાંથી બહેનને બચાવીને સલામત ગામમાં મૂક્યા પછી એ પાછી દોડે અને હાઈવે પર પહોંચે તો ખબર પડે કે સુચાસિંઘે ટ્રક ઊભી રાખી દુકાનવાળાને પૂછયું હતું, મેરી રોટી નહીં આઈ? દુકાનદારે કહ્યું કે અબ તક તો નહીં દેખી! તો એણે ગુસ્સે ભરાઈને ટ્રક મારી મૂકી હતી. પત્ની નક્કી કરે છે કે એ રાત્રે પાછો ફરે ત્યાં સુધી ઊભા રહી રાહ જોવી છે.

સ્વાભાવિક છે કે આવી વાર્તા ધરાવતી બાફેલા સાત્વિક ખોરાક જેવી ફિલ્મ જોવા કેટલાક કલારસિકો સિવાય ભાગ્યે જ કોઈ જાય! જોકે મણિ કૌલની ઉસકી રોટી ફિલ્મને બેસ્ટ ફોટોગ્રાફીનો નેશનલ એવોર્ડ મળ્યો હતો અને સિનેજગતમાં આજે પણ મણિ કૌલની આ ફિલ્મને શ્યામ બેનેગલની પાથેર પાંચાલીની હરોળમાં ગણવામાં આવે છે.

આવી ફિલ્મ બનાવી શકાય એ વિચાર જ મોટાભાગના લોકો નકારી દેતા હતા, ત્યાં આ ત્રણ ફિલ્મો બનીને રજુ થઈ અને ચોક્કસ વર્તુળોમાં વખણાઈ પણ ખરી. એટલે બીજા સર્જકોને પણ આવી સ્મોલ બજેટ આર્ટ ફિલ્મો બનાવવાની હિંમત જાગી. એમાંથી શ્યામ બેનેગલ, ગોવિંદ નિહાલાણી અને સઈદ મિરઝા જેવા ફિલ્મ સર્જકો ઊભરી આવ્યા અને સ્મિતા પાટીલ, ઓમ પુરી, નસીરૂદ્દીન શાહ, શબાના આઝમી જેવા કલાકારો સિનેજગતને મળ્યા. કે. કે. મહાજન અને વિરેન્દ્ર સૈની જેવા સિનેમેટોગ્રાફરો અને વનરાજ ભાટિયા તથા રજત ધોળકિયા જેવા સંગીતકારો સિનેજગતને માણવા મળ્યા. આ બધા ટોચની પ્રતિભા ધરાવનાર મહાનુભાવો સિનેજગતમાં ઉદય ન પામી શક્યા હોત જો પેરેલલ અથવા આર્ટ ફિલ્મોનો યુગ શરૂ ન થયો હોત!

૧૯૬૯થી શરૂ થયેલી આ પેરેલલ સિનેમા ૧૯૭૩થી ૧૯૮૫ સુધી મેઈનસ્ટ્રીમ સિનેમાને જબરજસ્ત ટક્કર મારીને પોતાનો ભાગ પડાવવા લાગી હતી. એવી ફિલ્મો પણ ચર્ચાવા લાગી હતી અને સિનેમાઘરોમાં ૧૫-૨૫ અઠવાડિયાં ચાલવા લાગી હતી. આ ખુબ જ મોટી સિદ્ધિ હતી. એમાં ગ્લેમર ન હોવાથી અને એ જમાનામાં સિનેમાના પ્રેક્ષકો ગ્લેમરના દિવાના હોવાથી એ સમયે આ ફિલ્મ એક હદથી વધારે કાઠું ન કાઢી શકી, નહિતર એ સમયે જ મેઈન સ્ટ્રીમ સિનેમા સાથે આ પેરેલલ સિનેમાની જબરજસ્ત ભેળસેળ થઈ ગઈ હોત!

makhan.cc@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પેરેલલ અને મેઈનસ્ટ્રીમ ફિલ્મો ભેળસેળ થઈ ગઈ! appeared first on Sandesh.



from Cine Sandesh – Sandesh http://sandesh.com/parallel-and-mainstream-f/
via Best Gujarati News

0 Comments