મિલન મંઝિલ થશે

યમુના તટે કૃષ્ણ રાધાને ઝંખે

પુષ્પ જાણે ભ્રમરને માટે વલખે

સૂર અને શબ્દો સંગીત બનવા

મહેફિલના માહોલ માટે તલસે

હોય જો પ્રીત દિલની કોઈ માટે

સમય પણ સાક્ષી થવા હચમચે

ખરી વિપત્તિ અહીં છે વિરહની

મળી જશે તો, મિલન મંઝિલ થશે.

સરિતાની દોડ તમે જોઈ લેજો

પછી દરિયાની દરિયાદિલી છલકે

જીવન માત્ર દિન રાત જ નથી

પરોવાઈ જાય છે મોતી વિજ ચમકે

સ્નેહના મહેલોમાં રહી લેજો

કૃષ્ણ બની સુદામાઓને જીવાડજો.

  • મહેન્દ્ર એમ. ત્રિવેદી – (અમદાવાદ)

લાગે

જોઈ તમને, ધબકે છે દિલ અમારું બમણું

અમને તો એ, પ્રેમની કોઈ અસર લાગે

મળી જાય  જયારે કોઈ પ્રસંગે તમારું સ્મિત

અમને તો એ, અનેરો કોઈ અવસર લાગે

પ્રેમની રજૂઆત કાયમ જો શબ્દો જ માંગે

અમને તો એ, પ્રેમની કોઈ કસર લાગે

જાણો છો છતાંય બનો છો અજાણ્યા તમે

અમને તો એ, અન્યાય સરાસર લાગે

  • બી. એફ. મહેતા – રાજકોટ

દુઃખ

કારેલું થયુ કડવાશે દુઃખી

દુઃખ પ્રગટાવ્યુ એક દિ

નથી મારો વર્ણ સારો

નથી મારી ચારુતા

કડવાપણાનો ગુણ મારો

કૈ જન ભાગે મારા સ્વાદે

કંઈ તો સારુ ભાસે મારે…!

વેલા એ દીધી શિખામણ

દુનિયા એ તારા ગુણ પૂજાય

કડવું એ તો ગુણ છે સઘળાં

કૈ દર્દનું છે તુ ઓસડીયું

નાહકનું છે તું દુઃખી

સ્વાદે તુ કડવુ ખરું…

પણ ગુણે કયાં છે કડવું…

આ વાત સાંભળી વેલાની

કડવા મૌં એ હાસ્ય વેરાયુ…

  • મુકેશ બી. મહેતા – બામણિયા – (સુરત)

તો કેવું

ફૂલ બનીને તારી વેણીમાં, હું ગુંથાઈ જાવું તો કેવું?

સિંદૂર બનીને તારી સેંથીમાં, હું પુરાઈ જાવું તો કેવું?

બીંદી બનીને તારા ભાલમાં, હું ચીપકાઈ જાવું તો કેવું?

કાજલ બનીને તારી આંખમાં, હું અંજાઈ જાવું તો કેવું?

નથણી બનીને તારા નાકમાં, હું નથવાઈ જાવું તો કેવું?

સ્મિત બનીને તારા હોઠ પર, હું રેલાઈ જાવું તો કેવું?

કંગન બનીને તારા કર પર, હું પહેરાઈ જાવું તો કેવું?

ઝણકાર બનીને તારા ઝાંઝરમાં, હું સમાઈ જાવું તો કેવું?

તારો બનીને ફક્ત તારામાં, હું ખોવાઈ જાવું તો કેવું?

  • નરસિંહભાઈ.બી.રાઠોડ – બારેજા.

જ્યારે મળશે નજર

તારી નજર, મારી નજર,

એકમેકને જ્યારે મળશે,

કહી દો દિલની ધડકનોને.

પછી ના ફૂરસદ મળશે,

જાણે બધા પ્રેમીઓ,

પ્રેમ કરતાં તો નથી, થઈ જાય છે,

મળે છે જેને પ્રેમ મેળવી ખોઈ નાખે,

ફરી પ્રેમ ના મળશે,

જિંદગીમાં દરેક ક્ષણે જેને.

ચાહીએ દિલથી ચાહતા રહીએ,

પળપળ છે ઘણી કિંમતી પછી એ ના મળશે,

દિલથી ચાહીએ જેને દિલમાં વસાવતા રહીએ,

બનો આ જન્મમાં અમારા,

‘મનોમન’ જિંદગી પછી ના મળશે,

બસ એક પળ તને જોઉ પછી

જ્યારે મળશે નજર આપણી સદાયે.

  • દલપત સોલંકી (મનેમન) – ચાંદખેડા

કવિ

– એ કોરા કાગળમાં ઉડતા વિચારો ને પકડું છું…

થોડા અક્ષરોને ગોઠવીને રજૂઆત કરું છું…

શબ્દોને ભેગા કરી ક્યારેક વાક્ય બનાવું છું.

ફકરાઓની અંતરરેખામાં થોડી ગોઠવણ કરું છું.

વિચારોની વ્યક્તતાને થોડી સંબોધી ગોઠવી લઉં છું.

ક્યારેક હકીક્ત તો ક્યારેક વિચારોની

તુલનાને સ્વપ્ન સમજી

જિંદગીમાં ભજવી પણ લઉં છું….

ક્યારેક ફક્ત એક અંતર આત્માના અવાજને.

વિચારો થકી બસ મન મરજી મુજબ

આ કાગળ પર ઉતારી…

‘કવિ’નું પાત્ર પણ આબેહુબ

જિંદગીમાં ભજવી દઉં છું…

  • બિનીતા જિગ્નેશ પરમાર – સુરત.

હું અને તું

મૌનનો આધાર છીએ હું અને તું.

સાથનો સંસાર છીએ હું અને તું.

છે સમયનાં વ્હેણની કેવી અસર આ,

બાળકોનો ભાર છીએ હું અને તું.

સ્પર્શને વાગોળતા ઝળહળ હતાં ત્યાં,

અંગથી લાચાર છીએ હું અને તું.

અંતરે હેલી ચડે છે હેતની ત્યાં,

મેહ ઘેલી ધાર છીએ હું અને તું.

આંખમાં કાજળ હતા, વાદળ છવાયાં,

રાખનો અંગાર છીએ હું અને તું.

  • કાવ્યાલ્પ – અલ્પા વસા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કાવ્યાનુભૂતિ appeared first on Sandesh.



from Nari – Sandesh http://sandesh.com/kavyanyutti-2-62/
via Best Gujarati News

0 Comments