ગોપીઓનો કાન આજ ગોકુળ આવ્યો
વાર્તા :- અમૃત વડિયા
નાનકડું કૃષ્ણપુર ગામના પાદરે કાર પહોંચી એટલે ડ્રાઈવરે કિશનકુમાર સામે જોઈ પૂછયું, સર કઈ તરફ લઉં?
બસ… અહીં જ રોક… સામે મંદિર છે ત્યાં અમે દર્શન કરી લઈએ, પછી ક્યાં જવું છે તે કહું… કિશનકુમારે આમ તેમ નજર કરતા થોડી મૂંઝવણ અનુભવતા હોય તેવા ભાવ સાથે કહ્યું.
કારમાંથી બહાર નીકળતાં નીકળતાં વનિતા બોલી, ઓહ… આ તમારું ગામ છે.. અને આ મંદિર તમે કહેતા હતા એ જ ઠાકર મંદિર છે એમ ને !
હા… એ ના હોત તો ખબર પણ ના પડત કે આ મારું જ કૃષ્ણપુર ગામ છે…. સાવ જ બદલાઈ ગયું હોય એવું દેખાય છે. ગામ ને બદલે શહેર બની ગયું છે…!
તમે રસ્તે ય આવું જ કહેતા હતા કે રસ્તા બદલાઈ ગયા છે… ક્યાંય હવે ખેતરો દેખાતા નથી.. કારખાનાં, મકાનો જ મકાનો અને શોGopis-Kan-Aaj-Gokul-Jayaસેન્ટરો જ દેખાય છે..! એમ અહીં પણ બધંુ બદલાઈ ગયું લાગે છે.. વનિતાએ હસતાં હસતાં કહ્યું.
વનિતા.. આ ગામ મારું છે પણ મારો પરિવાર તો પચાસ વર્ષ પહેલાં અહીંથી મુંબઈ જતો રહ્યો હતો. એ પછી મમ્મી-પપ્પા ક્યારેક અહીં આવતાં. મકાન અને જમીન પણ વેચી નાંખ્યા પછી ભાગ્યે જ આવ્યા હશે. અમારા માટે તો આ બાજુ આવવાનો ક્યારેય પ્રસંગ જ ઊભો ના થયો. અમારો સમાજ પણ આ વિસ્તારમાં રહ્યો નથી. બધા જુદા જુદા શહેરોમાં સ્થાયી થઈ ગયા છે. હશે.. ચાલ, પહેલા આપણે દર્શન કરી લઈએ.
કિશનકુમારે દર્શન કરતાં કરતાં કહ્યું, મારા કાળિયા ઠાકર તો એવા ને એવા જ છે.. વનિતાએ પણ ભાવપૂર્વક દર્શન કર્યા અને કહ્યું આ એ જ તારું ફેવરિટ મંદિર છે કેમ ?
હા.. અહીં સવાર પડતા જ અમે બધા મિત્રો આવી જતા.! બસ, કંઈ રમ્યા કરતા, પછી ઘરે જઈ સ્કૂલમાં જતા. બપોરે સ્કૂલ છૂટી જાય ત્યારબાદ સાંજે પણ અહીં જ આવી જતા. આ મંદિરના પૂજારીનો છોકરો અમારો દોસ્ત હતો. એ કદાચ અહીં જ હશે.. એમ બોલી એણે ત્યાં ઊભા ઊભા તેમની તરફ આશ્ચર્યથી જોઈ રહેલા માણસોને પૂછયું કે પૂજારીબાપા ક્યાં છે?
એ તો ગામમાં હશે, સવારે અને સાંજે પૂજા કરવા આવે છે.. મળવું હોય તો ગામમાં એેના ઘરે જજો.. તેઓમાંથી એકે કહ્યું.
સારું.. સારું… અમે ગામમાં જ જઈએ છીએ.. આ બાજુ પહેલાં શેરીઓ હતી તેની જગ્યાએ બિલ્ડિંગ થઈ ગયા છે. એટલે કંઈ સમજ નથી પડતી.. બાકી હું મૂળ તો આ ગામનો છું.. કિશનકુમારે કહ્યું.
તમે રઘુવીરભાઈના ઘર વિશે જ આ લોકોને પૂછી જુઓને, વનિતાએ કહ્યું.
હા.. ભાઈ તમને ખબર છે કે સામે અગાઉ ફળિયું હતું ત્યાં રહેતા રઘુવીરભાઈ હવે ક્યાં રહે છે ? કિશનકુમારે પૂછયું.
એ તો મારા કાકા થાય છે. તમારે એને ઘરે જવું છે! શું વાત છે. તો તો તમે અમારા મહેમાન છો. ચાલો.. ચાલો.. પું ઘરે લઈ જાઉં. એ ઘરે જ છે. ઊભેલા એ ત્રણ યુવાનો પૈકી એકે કહ્યું અને એ આગળ ચાલ્યો, મંદિર બહાર નીકળી કારમાં તેને બેસાડી રઘુવીરભાઈના ઘરે પહોંચ્યા. ઘરના દરવાજા આગળ કાર ઊભી રહેતા રઘુવીરભાઈ બહાર આવ્યા અને કારમાંથી બહાર નીકળી રહેલા કિશનકુમારને જોતાં જ જોરથી બોલ્યો… અરે.. કિશન તું? શું વાત છે ? કહી એણે દોડીને કિશનકુમારને બાથ ભીડી લીધી. કિશનકુમારે વનિતાને કહ્યું.. આ જ મારો દોસ્ત રઘુવીર છે..!
રઘુવીરભાઈ બન્ને સાથે હજી કંઈ વાત કરતા હતા ત્યાં જ તેમના પત્ની કપિલા બહાર આવી અને ખૂબ આનંદ વ્યક્ત કરતા બોલી.. ઓહ શું વાત છે? કિશનજીને ગોકુળ યાદ આવ્યું ખરું? અમારા ધન્યભાગ.. બાકી પેલો કિશન તો ગયા પછી ક્યારેય ગોકુળ પાછો આવ્યો ના હતો.
કિશને તે બન્ને સાથે વનિતાની ઓળખાણ કરાવી. બધા જૂના સંસ્મરણોમાં તલ્લીન થઈ ગયા.. કિશનનો આનંદ જોઈ વનિતા પણ ખૂબ ખુશ થઈ ગઈ. રાતે ‘દેશી’ વાળું કર્યું અને મોડે સુધી વાતો કરતાં કરતાં બધાં પોઢી ગયાં ત્યારે બે જણાની આંખો બીડાતી ના હતી. કિશન અને કપિલા… બન્ને ખુલ્લી આંખે બાળપણને યાદ કરી રહ્યાં હતાં. બધા મિત્રોમાં તે બન્ને વચ્ચે કંઈક અલગ જ મૈત્રી હતી. બન્નેના દિલ મળી ગયા હતા. નિર્દોષ ભાવે સવાર સવારમાં એકબીજાના ઘરે જતા અને કઢિયલ દૂધ પીતા, દહીં, રોટલાં ખાતા, રમતાં, રખડતાં, ભણતાં ભણતાં દિવસ ક્યાં પસાર થતો એની ખબર ના પડતી.
આખરે સવાર પડી એટલે બ્રશ કર્યા બાદ કપિલાએ બધાને ચા આપી પણ કિશન સામે તાંસળી ધરી.. એમાં હતું કઢિયલ દૂધ!
એ જોઈને વનિતા લગભગ ઉછળી પડી અને બોલી.. ઓહ.. કપિલા… તું તો ભારે નીકળી… અમે તારા ઘરે આ કઢિયલ દૂધ પીવા જ આવ્યા છીએ.. આ કિશન રોજ સવારે તારા ઘરનું કઢિયલ દૂધ યાદ કરે.. એટલે હું એને અહીં એનો સ્વાદ ચખાડવા લઈ આવી છું. કિશન.. મને પણ જરા ચખાડજે.
કિશન જવાબ આપવાને બદલે બધું જ દૂધ ગટગટાવી હસતાં હસતાં બોલ્યો.. આમાં કોઈનો ભાગ નહીં.. બરોબરને કપિલા…!
હા.. ખરી વાત છે. થોડા સમય બાદ સૌ નાહી ધોઈને તૈયાર થયા એટલે કપિલા દહીં અને રોટલાનું શિરામણ લાવી અને બોલી આ પણ કિશનનું ખાસ શિરામણ.. પણ એ આપણે બધા ખાઈશું..
એ દિવસે જ બપોર બાદ કિશનકુમાર અને વનિતાએ રઘુવીર અને કપિલાને મુંબઈ આવવા ખૂબ ભાવભર્યું આમંત્રણ આપી વિદાય લીધી ત્યારે કિશનકુમારે કપિલા સામે જોયું અને બન્નેની આંખ મળતાં જ આનંદનાં અશ્રુ ટપકી પડયાં. કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેના નિર્દોષ પ્રેમનો જાણે બન્ને પર્યાય બની ગયા.
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગોપીઓનો કાન આજ ગોકુળ આવ્યો appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/%e0%aa%97%e0%ab%8b%e0%aa%aa%e0%ab%80%e0%aa%93%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%95%e0%aa%be%e0%aa%a8-%e0%aa%86%e0%aa%9c-%e0%aa%97%e0%ab%8b%e0%aa%95%e0%ab%81%e0%aa%b3-%e0%aa%86%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af/
via Best Gujarati News
0 Comments