કોમોડિટી વોચ : મિનિતા દવે

એગ્રિ કોમોડિટીમાં ખેડૂતો-ટ્રેડરો માટે તેજી આડે પાંદડુ આવી રહ્યું હોવાનો ઘાટ ઘડાઈ રહ્યો છે. દેશભરમાં ચાલુ વર્ષે સામાન્યથી ઓછો વરસાદ પડશે તેવા અહેવાલો પણ એગ્રિ કોમોડિટીની તેજી માટે ડિસ્કાઉન્ટ રહ્યાં છે. છેલ્લા એક મહિનાથી મોટા ભાગની એગ્રિ કોમોડિટીમાં ૨-૫ ટકાની નજીવી વધઘટ રહી છે. હાજર બજારમાં ઘરાકીનો અભાવ અને વાયદામાં વોલ્યુમ કપાઈ રહ્યાં છે. કરન્સી માર્કેટમાં ડોલરનો મજબૂત સપોર્ટ છે પરંતુ વૈશ્વિક મંદીના કારણે નિકાસ વેપારો નહીંવત છે. વૈશ્વિક બજારોમાં મોટા ભાગની કોમોડિટીના ભાવ ભારત કરતા નીચા હોવાથી નિકાસને વેગ મળે તેમ નથી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર વધુ વણસ્યુ હોવા છતાં ભારતીય નિકાસકારો માત્રને માત્ર આશાવાદ રાખી બેઠા છે કે ટ્રેડવોરનો લાભ ભારતને મળશે.

દેશમાંથી જ્યાં સુધી એગ્રિ કોમોડિટીની નિકાસ નહીં વધે અને સ્થાનિકમાં ખેત પેદાશોના ભાવ ઊપજ કરતા વધુ નહીં મળે ત્યાં સુધી ખેડૂતોની આવકમાં પણ વધારો થવો મુશ્કેલ છે. દેશભરમાં ગત વર્ષે અપૂરતા અને અનિયમિત વરસાદના કારણે ખરીફ-રવી તથા ઉનાળુ પાકોના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવા છતાં છેલ્લા બે-ત્રણ માસથી એગ્રિ કોમોડિટીમાં તેજીના બદલે મંદીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટા ભાગની કોમોડિટીમાં સરેરાશ ૫-૧૦ ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. એગ્રિ કોમોડિટીને મંદીનું ગ્રહણ લાગ્યું છે તેમ કહેવું ખોટું નથી. અત્યારે એગ્રિ કોમોડિટીની તેજીને પૂરતો સપોર્ટ છે છતાં મંદીનો ટ્રેન્ડ યથાવત્ રહ્યો છે. એક તરફ નિકાસ માટે નિકાસકારોને ડોલરની તેજીનો લાભ મળી રહ્યો છે પરંતુ તેજીનો લાભ પૂરતી માત્રામાં ઉઠાવી શકતા નથી. વૈશ્વિક નબળી માગ અને વૈશ્વિક બજારોમાં મોટા ભાગની કોમોડિટીમાં મંદીનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોવાથી નિકાસ વેપારો સાવ નહીંવત જેવા છે.

કરન્સી માર્કેટમાં રૂપિયા સામે ડોલર સરેરાશ ૭૦-૭૧ની સપાટી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે છતાં હજુ સુધી નિકાસકારો ડોલરની ઝડપી તેજીનો લાભ લેવામાં સફ્ળ નિવડયા નથી. વૈશ્વિક મંદી તથા કરન્સી માર્કેટની આંટી-ઘૂંટીમાં છેલ્લા એક વર્ષથી એગ્રિ કોમોડિટીની નિકાસ અટવાઈ પડી છે જેના કારણે મોટા ભાગની કોમોડિટીમાં ઘટી ગયા છે. હજુ તેજીની શક્યતાઓ નહીંવત છે. સિવાય કે સરકાર દ્વારા નિકાસને વેગ આપવા માટે કોઇ પ્રત્સાહક નીતિ ઘડાઈ ખાસકરીને નિકાસ સબસિડીમાં વધારો થાય તો જ નિકાસને વેગ મળે અને એગ્રિ કોમોડિટીમાં સુધારાનો ટ્રેન્ડ આવી શકે. દેશમાં અનિયમિત અને અપૂરતા વરસાદના કારણે દેશમાં કઠોળ તેમજ તેલીબિયાં પાકોનું ઉત્પાદન સરેરાશ ૫ ટકાથી વધુ ઘટયું છે. ઘઉંના ઉત્પાદનનો અંદાજ પણ રેકોર્ડ ૧,૦૦૦ લાખ ટનનો મુકાઇ રહ્યો છે પરંતુ તે સિધ્ધ થાય તેમ નથી. માત્ર ને માત્ર સરકાર ટેકાના ભાવ વધારી રહી છે.

જોકે, ચૂંટણી લક્ષી વર્ષના કારણે સરકાર ટેકાના ભાવ વધારો કર્યા બાદ મોટા પાયે ખરીદી પણ ઘઉંમાં કરી છે. ડોલર ૭૨ની સપાટી વટાવી હોવા છતાં નિકાસ વેપારો નથી ઊલટું આયાત વેપારો હજુ પણ જળવાઇ રહ્યાં છે. વૈશ્વિક ખાદ્યતેલોમાં ભાવ સપાટી નીચી હોવાથી ડોલરની તેજી વચ્ચે પણ ખાદ્યતેલોની આયાત સતત વધી રહી છે. તાજેતરમાં ફ્ડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો નથી અને હજુ એકાદ-બે બેઠક સુધી વધારો કરવામાં આવે તેવી કોઈ જ શક્યતાઓ નથી જેના કારણે ડોલરને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે. ૨૦૧૯ના મધ્યમાં ફ્ડ વ્યાજદર વધારાના નિર્ણય કેવો લે છે તેના પર ડોલર અને રૂપિયાની મૂવમેન્ટ નિર્ભર રહેશે.

રૂપિયાની મંદીને અટકાવવા માટે પણ રિઝર્વ બેન્ક આગામી સમયમાં કોઈ નક્કર પગલા ભરે તો નવાઈ નહીં. વૈશ્વિક સ્તરે ટ્રેડવોરમાં ડોલરની ભૂમિકા મુખ્ય ભાગ ભજવશે. ટ્રેડવોરના કારણે મોટા ભાગના વિકસિત દેશોને મોટી અસર પડી છે. ટ્રેડવોરના કારણે ભારતીય નિકાસકારોને ફયદો થશે તેવી વાતો હતી પરંતુ ધારણા મુજબનો ફયદો થયો નથી. ક્રૂડની તેજીના કારણે ગમ-ગવારમાં નિકાસ વેપારને વેગ મળવો જોઇએ તે મળ્યો નથી. ઊલટું ગમમાં માગ અભાવના કારણે ભાવ તૂટી રહ્યાં છે. છેલ્લા એક માસમાં સરેરાશ ૫-૮ ટકા સુધી ભાવ તૂટયા છે. વૈશ્વિક બજારમાં ખાદ્યતેલોના નીચા ભાવના કારણે સ્થાનિકમાં પુરવઠો નહિવત હોવા છતાં તેજી અટકી રહી છે. કપાસિયા તેલ અને સિંગતેલમાં સ્ટોક નથી છતાં ભાવ ધારણા મુજબ વધ્યા નથી. સિંગતેલ ડબ્બો ૧,૮૫૦ આસપાસ રહ્યો છે. જો આયાત અટકે અને ચોમાસું નબળું રહે તો જ ડબ્બાનો ભાવ વધી ૨,૦૦૦ સુધી પહોંચી શકે.

૨૦૧૮-૧૯ નાણાકીય વર્ષમાં મોટા ભાગની કોમોડિટીની નિકાસ ઘટી

સરકારની નિકાસ માટેની પ્રતિકૂળ નીતિ, વૈશ્વિક માગનો અભાવ અને સ્થાનિકમાં નબળા પાકના કારણે ભાવ ઊંચા રહેતા નિકાસમાં મોટો ઘટાડો આવ્યો છે. કરન્સી માર્કેટમાં ડોલરનો મજબૂત સપોર્ટ છે પરંતુ વૈશ્વિક નીચા ભાવના કારણે નિકાસ પેરિટી નથી જેના કારણે તેલીબિયાં પાકો, મરી-મસાલા, રૂ-ખાંડ તથા ગમની નિકાસમાં જંગી ઘટાડો આવ્યો છે. દિવેલની નિકાસ સરેરાશ ૮-૧૦ ટકા ઘટી છે. એપ્રિલ માસમાં દિવેલની નિકાસ ઘટી ૪૫,૮૯૭ ટનની રહી છે જે અગાઉના વર્ષે ૫૦,૩૧૨ ટનની રહી હતી. એરંડાના પાકમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો છતાં તેજી ધારણા મુજબની રહી નથી. બીજી તરફ કોટનમાં પણ ગતવર્ષે ૬૯-૭૦ લાખ ગાંસડીની નિકાસ સામે ચાલુ વર્ષે માત્ર ૪૫-૪૮ લાખ ગાંસડીના જ નિકાસ વેપાર થશે તેવું અનુમાન છે.

નિકાસને વેગ આપવા સરકાર નિકાસ રાહતો વધારે

દેશમાંથી એગ્રિ કોમોડિટીની નિકાસ વધુ વધે તે માટે સરકાર હવે નિકાસ પ્રોત્સાહનો વધારે તે જરૂરી છે. સરકાર નિકાસ લાભો વધુ માત્રામાં આપશે તો નિકાસ વધશે સાથે-સાથે સરકારને વિદેશી હૂંડિયામણની આવકમાં વધારો થશે અને બીજી તરફ સ્થાનિકમાં ખેત પાકોના ભાવ ઊંચકાશે અને તેનો લાભ ખેડૂતોને મળી રહેશે. સરકાર નિકાસ પ્રોત્સાહનો આપી રહી છે પરંતુ તેનો લાભ નિકાસકારો લઈ શકતા નથી. ખાંડની ૫૦ લાખ ટનની નિકાસ લક્ષ્યાંક માટે મિલોને નિકાસમાં અઢળક રાહતો આપી છે ત્યારે નિકાસનો લાભ લઈ નિકાસ ન કરતી મિલો સામે પણ સરકારે લાલ આંખ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટ્રેડ તથા કરન્સી વોર તેમજ વૈશ્વિક મંદીની વેપાર પર પડશે આવી અસર appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/trade-and-currency-war-as-well-as-the-global-recession-will-have-such-impact-on-the-trade/
via Best Gujarati News

0 Comments