સ્નેપ શોટ :- ઇલેકશન એનાલિસિસ

લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી સમગ્ર દેશમાં ભાજપની જીતની ચર્ચા છે. ભાજપે આટલો ભવ્ય વિજય કેવી રીતે મેળવ્યો તે અંગે જાત જાતની થિઅરીઓ અને કારણો જુદા જુદા લોકો આપી રહ્યાં છે. મોટાભાગનાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્મા અને ભાજપ પ્રમુખ અમિત શાહનાં પુરૂષાર્થને જીત સાથે જોડે છે.

વિપક્ષો આ જીત પાછળ શંકા-કુશંકા પણ કરી રહ્યાં છે. પરંતુ કોઇ આ જીતનાં કારણોની અંદર ઊતરવા માગતું નથી. ઉપર જણાવેલી તમામ વાતો અધકચરી અને ઉપરછલ્લી છે. હકીકત એ છે કે ભાજપની જીત પાછળ માઇક્રો પ્લાનિંગ અને ચોક્કસ પ્રકારની રણનીતિ છે. જે વર્ષોથી લાગુ કરાયેલી હતી.કોઇ અખબાર કે કોઇ ટીવી ચેનલ પર આ વાતો બતાવવામાં આવી નથી.

ભાજપ એક કેડરબેઝ પાર્ટી છે. આ કેડર પાછળ સંઘનાં કમિટેડ કાર્યકરોનું મોટું પીઠબળ છે, તેની કોઇ ના પાડી શકે તેમ નથી. નરેન્દ્ર મોદીનો આ ચૂંટણીમાં ફરી એકવાર કરિશ્મા અસર કરી ગયો તે વાત પણ સાચી છે પરંતુ સંપૂર્ણ સાચી નથી. અમિત શાહની રણનીતિ આ ચૂંટણીમાં કામ કરી ગઇ પરંતુ એ વાત પણ અર્ધસત્ય છે. 

કોઇપણ ચૂંટણી સારા ભાષણો કે ચૂંટણીસભાઓમાં ટોળાઓ ભેગાં કરવાથી જીતી નથી શકાતી. ચૂંટણીમાં સારા વક્તાઓ જરૂર અસર કરે છે. સરકારે કામ કર્યા હોય, તેની પ્રતિભા સારી હોય તે વાત પણ અસર કરે છે. પરંતુ તમારી વાત પ્રજા સુધી ના પહોંચે તો સારા કામ કે સારા ભાષણો એક તબક્કે અસર કરતા નથી.

ચૂંટણી જીતવા માટે બે વાત મહત્વની છે. તેમાંની એક તમારી સારી વાતો મતદાર સુધી પહોંચવી જોઇએ. બીજી વાત એ કે તમારા મતદારો મતદાનમથક સુધી મત આપવા પહોંચવા જોઇએ.

ઉપરોક્ત બંને વાતો આમ તો સામાન્ય લાગે પરંતુ ચૂંટણીમાં આ બે વાતો જ સૌથી અઘરી છે કારણ કે તેના અમલ માટે કમિટેડ કાર્યકરોનો જબરજસ્ત મેનફોર્સ જોઇએ. લોકસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારે ભાજપનાં કાર્યકરોમાં થોડી નિરાશા હતી.

તાજેતરમાં ત્રણ વિધાનસભા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં ભાજપની હાર થઇ હતી. આ વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ભાજપ સરકારનાં નિર્ણયો જેવા કે નોટબંધી, જીએસટી અંગે ટીકાત્મક પ્રચાર કર્યો હતો. દેશમાં ખેડૂતોની દુર્દશા અને બેરોજગારોની સમસ્યા અંગે સરકાર પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. આના પરિણામે ભાજપનાં કાર્યકરોમાં થોડી ચિંતા હતી.

એમને હતું કે આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બની છે ત્યાં ભાજપનાં દેખાવને અસર થશે. દેશનાં બીજા રાજ્યોમાં પણ વાતો થતી હતી કે વડાપ્રધાન મોદીનાં કડક નિર્ણયોને કારણે ચૂંટણીમાં અસર થશે. લોકસભાની ચૂંટણી જાહેર થઇ કે તરત જ યુપીમાં સપા-બસપાએ ગઠબંધન કરી લીધું. એટલે હવે યુપીમાં ભાજપનો ગજ વાગશે નહીં તેવી વાતો મીડિયામાં વહેતી થઇ. સાથોસાથ ભાજપનાં કાર્યકરોમાં પણ ચિંતા હતી.

જો કે આ બધી ચિંતા અને કાર્યકરોનો ભય પરિણામો જાહેર થતાં દૂર થયો અને તમામ રાજ્યોમાં ભાજપે સારો દેખાવ કર્યો. તેની પાછળ ભાજપની જે રણનીતિ રહી તે મહત્વની વાત છે.  ભાજપને ચૂંટણીમાં જીતાડવાનું જો સૌથી મહત્વનું કોઇનું યોગદાન હોય તો તે પેજ પ્રમુખોનું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહની આ રણનીતિ છે. બૂથ પ્રમુખો પછી એક નવો હોદ્દો  પેજ પ્રમુખની નિમણૂકે આખી ચૂંટણીની દિશા બદલી નાખી હતી.

મતદાર યાદીના એક પેજ પર ૩૦ થી ૪૦ મતદારોનાં નામ છપાયેલા હોય છે. આ મતદારોને મળવાની અને તેમની પાસે મતદાન કરાવવાની જવાબદારી પેજ પ્રમુખનાં માથે સોંપાયેલી હોય છે. ભાજપનાં આ પેજપ્રમુખે માત્ર આ પેજનાં ૩૦ થી ૪૦ મતદારો પર ધ્યાન આપવાનું હોય છે.

શરૂઆતમાં ભાજપમાં જ પેજ પ્રમુખોની મજાક ઊડાવાતી હતી. ઉંચા હોદ્દાનાં કાર્યકરો પેજ પ્રમુખોને કહેતાં હતાં કે, અચ્છા તમે તો હવે પેજ પ્રમુખો બની ગયા, તમારા ખિસ્સામાં પેજ છે ને ? પરંતુ ભાજપ પ્રમુખ અમિત શાહે સતત જુદા જુદા વિસ્તારોમાં પેજ પ્રમુખોની બેઠકો લીધી અને તેમનું કામ કેટલું મહત્વનું છે એ અંગે વાતો કરી.

ત્યારબાદ પેજ પ્રમુખોમાં એક નવો જ ઉત્સાહ આવ્યો. છત્તિસગઢ જેવા વિસ્તારોમાં તો પોતાના વાહનો પર આ કાર્યકરો પેજ પ્રમુખ એવું લખાવા લાગ્યા. જ્યારે તમારા કાર્યની કદર થાય છે અને તમને સોંપેલું કામનું મહત્વ તમને કહેવામાં આવે છે ત્યારે એ કાર્ય કરવાનો ઉત્સાહ વધી જતો હોય છે. ભાજપ પ્રમુખ અમિત શાહે આજ કામ કર્યુ અને દરેક પેજ પ્રમુખો ઉત્સાહથી કામે લાગી ગયાં હતાં.

પેજ પ્રમુખ પછી ભાજપ તરફથી કાર્યકરોને એક બીજો હોદ્દો આપવામાં આવ્યો હતો જેનું નામ હતું લાભાર્થી પ્રમુખ. આ હોદ્દો મેળવનાર કાર્યકરનું કામ હતું કે સરકારી યોજનાઓનો જેણે લાભ લીધો હોય તે લોકોને મળવું. એ લોકો સાથે વાતચીતમાં વડાપ્રધાન મોદીએ જાહેર કરેલી આ યોજનાને કારણે તમને લાભ મળ્યો છે એ કહેવું.

આ ઉપરાંત જે લોકોને લાભ નથી મળ્યો તેવા લોકોને આ લાભ કેવી રીતે મળે, અને લાભ મેળવવા તેમને મદદ કરવાની કામગીરી સોંપાઇ હતી.  દેશભરમાં સ્વચ્છ ભારતનાં અભિયાન હેઠળ મફત શૌચાલયો, જનધન યોજના, કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, વીજળીનું જોડાણ, મા અમૃતમ કાર્ડ જેવી સરકારી યોજનાઓનાં લાભાર્થીઓની સંખ્યા ૨૦ કરોડથી વધારે હતી. લાભાર્થી પ્રમુખને થોડો વિસ્તાર સોંપીને દરેક લાભાર્થીઓને મળવાની ગોઠવણ કરાઇ હતી.

આ ઉપરાંત ભાજપે જુદા જુદા મતદારોનાં ગ્રૂપ બનાવ્યાં હતાં. જેમકે ડોકટર્સ ગ્રૂપ, એકેડેમિકસ ફોર નમો, વેપારીઓનું ગ્રૂપ,  વકીલોનું ગ્રૂપ, એન્જિનિયરોનું ગ્રૂપ. આ ગ્રૂપ પોતાનાં સાથીઓમાં ભાજપ અને વડાપ્રધાન મોદીનો પ્રચાર કરતાં હતાં. આવી જ રીતે ભાજપે પોતાના નેતાઓને પણ જુદી જુદી કામગીરી સોંપી હતી. દરેક નેતાઓ ભાષણ કરી શકે એ જરૂરી નથી એટલે આવા નેતાઓને લાઇવ સંપર્કમાં સક્રિય કરવામાં આવ્યા હતા. જેઓ જુદી જુદી જગ્યાએ જઇને ભાજપની વાત મૂકતા હતા.

સૌથી અગત્યની વાત હતી કે વડાપ્રધાન મોદી જાતે સતત વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાજપનાં કાર્યકરો સાથે સંપર્કમાં રહેતાં હતાં. નમો એપ દ્વારા મોદીની કાર્યકરો સાથે સતત વાતચીત થતી હતી જેમાં મોદી જાતે કેટલાક કાર્યકરોને તેમના નામ સાથે બોલાવતા અને તેમના ઘરમાં લોકોની ખબર અંતર પૂછતા. જેના ખૂબ પોઝિટિવ રિએકશન પડયાં હતાં.

આમ ભાજપનો વિજય એ એવી સુંદર ફૂલમાળા છે કે જેમાં એક એક ફૂલને સાવચેતીથી ગૂંથવામાં આવ્યું છે. જેના પરિણામે એક સુંદર વિજયમાળા તૈયાર થઇ.

mayur.pathak@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post લોકસભાની ચૂંટણીમાં ભાજપનાં અકલ્પનીય વિજય પાછળનું રહસ્ય ખુલ્યું, આવું હતું માઇક્રો પ્લાનિંગ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/lok-sabha-elections-the-mystery-behind-bjps-incredible-victory-opened-it-was-like-micro-planning/
via Best Gujarati News

0 Comments