કન્ટેમ્પરરી :- એમ. એ. ખાન

ચુંટણીની સીઝન પૂર્ણ થઈ. સામસામા હાકલા પડકારા ખુબ ગાજ્યા. હાલના વિરોધ પક્ષે મુખ્યત્ત્વે દેશના અર્થતંત્રની અત્યંત ખરાબ હાલત અને બેરોજગારી ઉપર સભાઓ ગજાવી. શાસક પક્ષે દેશ સૌથી વધુ ઝડપે વિકસતું અર્થતંત્ર હોવાના આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અહેવાલોના આધારે વિરોધ પક્ષ જૂઠ્ઠું બોલે છે એવી રજુઆતો કરી. માની લઈએ કે ચુંટણીમાં કરવામાં આવતી રજુઆતો તો માત્ર નાગરિકોનો મત ઘડવા માટે જ કહેવામાં આવતી હોય છે. પરંતુ હવે હવે ચુંટણીઓના પડઘમ શાંત થયા પછી, જેતે પક્ષને મત અપાઈ ગયા પછી; પ્રચારથી ડહોળાયેલા વાતાવરણમાં જે હકીકતો જોઈ શકાય એમ જ નહોતી એ હકીકતો ઉપર નજર જરૂર નાંખવી જોઈએ. નજર રાખવી અનિવાર્ય છે, કારણ કે એમ ન કરીએ તો આપણા પાડોશી દેશની જેમ દેશનું વહાણ ડૂબી જાય!

દેશના અર્થતંત્ર ઉપર નિષ્પક્ષ નજર કરવા જઈએ તો અર્થશાસ્ત્રના નિષ્ણાતોની જાતજાતની વાતો, જાતજાતના મત સામે આવે છે. કોઈ કહે છે કે યુપીએ સરકારની અગાઉની ટર્મમાં જે ગરબડ થઈ એના પરિણામ હવે ભોગવવા પડે છે. કોઈ કહે છે કે એનડીએ સરકારના અણસમજ પગલાંથી આ બધી ગરબડ સર્જાઈ છે. કોઈ કહે છે કે આંતરરાષ્ટ્રીય મંદીની અસર છે. કોઈ કહે છે કે વિશ્વ વ્યાપારમાં અમેરિકા અને ચીનના ગજગ્રાહનું આ પરિણામ છે. કોઈ વળી એમ કહે છે કે દેશની બેફામ વધતી વસ્તીના કારણે બધી ગરબડો સર્જાઈ રહી છે.

આ બધામાંથી સત્ય ગમે તેના પક્ષે હોઈ શકે. એ પણ શક્ય છે કે આ બધા જ કારણોના સરવાળે આજની કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. એક વાત નક્કી છે કે સ્થિતિ ખુબ જ દુષ્કર છે. અસહ્ય બની રહી છે અને તત્કાળ સુધારો માગી રહી છે. અર્થકારણના સરવાળા-બાદબાકીની આંટીઘૂંટીમાં અટવાયા વગર આજે જે નક્કર વાસ્તવિકતા છે એની ઉપર એક નજર નાંખીએ, જેથી આખું ચિત્ર સાદા, સમજાય એવા સ્વરૂપે સ્પષ્ટ થાય.

નિષ્પક્ષ નજર કરીએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે શહેર અને ગામડાં, બંને ક્ષેત્રોમાં આર્િથક સ્થિતિ સારી નથી. એનો પુરાવો એ છે કે લોકોએ પોતાના પારંપરિક રોજગાર છોડીને બીજા કોઈ કામધંધામાં નસીબ અજમાવવું પડે છે. નવા કામધંધામાં રોજગાર કાયમી હોવાની કોઈ ખાતરી નથી મળતી. રોજગારના દર પણ જે મળે એ ચલાવી લેવા પડે છે.

સરકારના આંકડા વિભાગ એનએસએસઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કહે છે કે દેશમાં બેરોજગારીનો આંક ૬.૧ છે. છેલ્લાં ૪૭ વર્ષમાં આટલી બધી બેરોજગારી કદી નહોતી. ૨૦૧૧-૧૨માં બેરોજગારી આંક ખુબ ઓછો ૨.૨ હતો. સરકારના ભારતીય અર્થકારણ પર નજર રાખનાર સેન્ટર (સીએમઆઈઈ)ના આંકડા કહે છે કે ૨૦૧૮માં ૧.૧ કરોડ નાગરિકોએ રોજગાર ગૂમાવ્યો છે. એમાં ૧૮ લાખ નાગરિકો શહેરના છે અને ૯૧ લાખ નાગરિકો ગામડાંઓના છે.

આપણા દેશમાં દર વર્ષે એકથી સવા કરોડ યુવાઓ જેતે વિષયમાં ડીગ્રી, ડિપ્લોમા કે શૈક્ષણિક પદવી મેળવીને નોકરી શોધવા મેદાનમાં આવી જાય છે. એમને નોકરી મળવાની તક કેટલી છે એ સમજવા માટે બે દાખલા જોઈએ. ગયા વર્ષે ૨૦૧૮માં ભારતીય રેલવે વિભાગે ૯૦,૦૦૦ જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરી. એટલે કે ૯૦,૦૦૦ રોજગાર મળશે એવી જાહેરાત કરી તો એ માટે ૨.૮ કરોડ યુવાઓએ અરજી કરી હતી. તામિલનાડુના પબ્લિક સર્વિસ કમિશને ટાઈપિસ્ટ અને સ્ટેનોગ્રાફર જેવી ૯,૫૦૦ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી તો ૨૦,૦૦,૦૦૦ યુવાનોએ અરજી કરી હતી.

દેશમાં ૩૦ વર્ષથી ઓછી ઉંમરના ૧૮.૭ ટકા યુવાનો નોકરીની શોધમાં સતત ભટકી રહ્યા છે. આ બધાને સરકાર તો નોકરી આપી જ ન શકે. ખાનગી ઉદ્યોગો જ એમને નોકરી આપી શકે. ઉદ્યોગોની સ્થિતિ કેવી છે? એમ કહી શકાય કે ૨૦૧૩-૧૪માં દ્યોગિક વિકાસ ૩.૩ ટકાના દરે થઈ રહ્યો હતો તે ૨૦૧૭-૧૮માં ૪.૪ ટકાના દરે થઈ રહ્યો છે. એટલે સ્થિતિ સુધરી છે. પરંતુ સાચું માપ કાઢવા જાણવું પડે કે ૨૦૦૪-૦૫માં આ દર ૧૧.૭ હતો. ૨૦૦૭-૦૮માં દર ૧૫.૫ હતો અને ૨૦૧-૧૧માં ૮.૨ હતો. એની સામે આજનો વિકાસદર અડધો જ થઈ રહ્યો છે.

ફુગાવાનો દર સતત નીચે લાવવામાં આવી રહ્યો છે. ૨૦૧૭માં જનરલ ફુગાવો ૫.૨ ટકા અને ખાધ્યપદાર્થોમાં ૪.૯ ટકા હતો. ૨૦૧૮માં એ જનરલ કેટેગરીમાં ૨.૨ ટકા થઈ ગયો છે અને ખાધ્યપદાર્થો તથા પીણાઓમાં તો શૂન્યની નીચે ૧.૫ ટકા થઈ ગયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે ખેડૂતને એના ખેતઉત્પાદનનું વળતર સાવ તળિયે આવી ગયું છે. એને મળતા પૈસા સાવ નહિવત થઈ ગયા છે અને એણે ખરીદવી પડતી વસ્તુઓના ભાવ એની આવક કરતાં ચાર ગણા રહ્યા છે. આજ કારણસર ખેતીવાડીમાં કામ કરતા મજુરો ખેતી અને ગામડાં છોડીને શહેરોમાં મજુરીકામ કરવા ધસી રહ્યા છે.

માથાદીઠ આવકમાં ૨૦૦૫-૦૬માં ૧૪ ટકા વધારો થયો હતો. ૨૦૦૬-૦૭માં ૧૭.૩ ટકા અને ૨૦૧૦-૧૧માં ૧૯.૮ થઈ ગયો હતો. આજે ૨૦૧૮-૧૯માં એ ૧૧.૬ ટકા રહ્યો છે. આ બધા જ આંકડા દર્શાવે છે કે દેશની આર્િથક સ્થિતિ બિલકુલ સારી નથી. આપણી વર્ષો જુની પરંપરાને અનુસરીને ઉપરઉપરથી સુંદર દેખાડતા થીગડાં મારવાને બદલે ખરેખર રોગ મટાડે એવો ઈલાજ કરવાની જરૂર છે. ભલે પીડા થાય, ઈલાજ કરવો જ પડશે.

makhan.cc@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હકીકતો ઉપર નજર રાખવી અનિવાર્ય કેમ? appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/the-facts-above-eye-to-be-anvil/
via Best Gujarati News

0 Comments