એક વાતની સો વાત :- દીપક સોલિયા

સરકારી કચેરીમાં એકાઉન્ટન્ટની નોકરી માટેના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા. એક ઉમેદવારને પૂછવામાં આવ્યું, બે વત્તા બે બરાબર કેટલા થાય?

ઉમેદવારે ચારે બાજુ જોઈને ધીમેકથી પૂછયું, તમારે કેટલા કરવા છે?

એને નોકરી મળી ગઈ.

જોક ટિપિકલ છે, પણ એમાંનો મુદ્દો ઘણો મહત્ત્વનો છે.

મુદ્દો આ છેઃ માણસને રસ હકીકતમાં નથી, હિતમાં છે.

આપણું મગજ હકીકતોથી નથી દોરવાતું, હિતથી દોરવાય છે એ મુદ્દે થયેલા થયેલા મહત્ત્વનાં સંશોધનોનાં અત્યંત અઘરા-પેચીદા તારણોનો સાર એવો નીકળે છે કે માણસનું મગજ કોરા તર્કથી નથી દોરવાતું, પરંતુ સમુહમાં સુરક્ષિત કઈ રીતે રહી શકાય તેવું વિચારવા માટે ઘડાયેલું છે અને આવા ઘડતરને કારણે જ બેઝિકલી નાજુક પ્રાણી હોવા છતાં માણસ અત્યાર સુધી લુપ્ત નથી થયો, ટકી ગયો છે.

અત્યાર સુધી આવું મગજ આપણને બહુ સારી રીતે ઉપયોગી થતું આવ્યું છે, પરંતુ હવે સમય બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે, માહિતીનો વિસ્ફેટ થયો છે, ફેક ન્યૂઝ (ખોટા સમાચારો)નો રાફ્ડો ફટયો છે, લોકોની લાગણીઓને પંપાળી-ઉશ્કેરીને સત્તા મેળવી લેવા માટેના ખેલ દુનિયાભરમાં મોટે પાયે ખેલાઈ રહ્યા છે, પ્રગતિના નામે અધોગતિ તરફ્ની દોટ વેગીલી બની છે… આ પરિસ્થિતિમાં આજના યુગમાં વિજ્ઞાનીઓની અને સમાજશાસ્ત્રીઓની ચિંતા એ છે કે આપણું મગજ હકીકતોને ગાંઠવા ટેવાયેલું નથી એ વાતે અગાઉ તો ઝાઝો વાંધો નહોતો આવતો (ઇવન આવા મગજથી માનવજાતિને અગાઉ ફયદો પણ થતો રહ્યો), પરંતુ હવે હકીકતોને નજરઅંદાજ કરીને લાગણીઓમાં તણાવાની કે ભ્રમોને વળગી રહેવાની માનવીની સહજ વૃત્તિ એકલદોકલ મનુષ્ય માટે તો ઠીક, સમગ્ર મનુષ્યજાતિ માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે.

ખાસ તો, ખોટા નેતાઓની પસંદગી, સંપને બદલે કુસંપ વકરાવતા માહોલને ટેકો આપવો, દ્યોગિક અને સાંસ્કૃતિક બાબતોમાં કહેવાતો વિકાસ કેટલો ખતરનાક સાબિત થઈ રહ્યો છે તેની હકીકતોને અવગણીને વિનાશકારી વિકાસની તરફેણ કરવી… આ બધી બાબતો માનવજાતને ભારે પડી શકે તેમ છે.

આ દલીલના ટેકામાં અનેક અભ્યાસુઓ દ્વારા ટાંકવામાં આવતો સાદો દાખલો અમેરિકાની ગન પોલિસી (બંદુકનીતિ)નો છે. મોટા ભાગના અમેરિકનો આજે પણ માને છે કે ઘરમાં ગન રાખવાની છૂટ આપવાથી નાગરિક વધુ સુરક્ષિત બની રહે છે. હકીકત જુદી જ છે. અસલમાં જ્યારે ગુંડા કે લુંટારા ત્રાટકે છે ત્યારે અમેરિકન નાગરિક પોતાની ગન સુધી પહોંચે તે પહેલાં જ હુમલાખોર તેને રોકી લે છે, લૂંટી લે છે, મારી લે છે. બીજી તરફ, એકદમ છૂટથી ગન ખરીદી શકાતી હોવાને લીધે ગાંડા લોકોના હાથમાં ગન આવી જવાથી તેઓ મન ફવે ત્યારે બેફમ ગોળીબારી કરીને સેંકડો લોકોના જીવ લે છે. કાશ્મીર સિવાયના આખા ભારતમાં આતંકી હુમલાથી જેટલા નાગરિકો નહીં મરતા હોય એનાથી ઘણા વધુ અમેરિકન નાગરિકો ગાંડાઓના ગોળીબારથી મરે છે.

તો શું અમેરિકનોને આટલી સાદી હકીકત સમજાતી નહીં હોય? ના, તેમને આ વાત નથી સમજાતી. આપણે ભારતીયો અમેરિકાથી દૂર બેઠા હોવાને કારણે હકીકતોને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે અમેરિકાની ગન-પોલિસી ખોટી છે, બેજવાબદાર છે, નુકસાનકારક છે, પણ આટલી સાદી વાત તેઓ સ્વીકારી શકતા નથી, કારણ કે એમનું મન હકીકતોને ગાંઠતું નથી.

એકવાર મગજમાં બંધાઈ ગયેલી ગાંઠ ઝટ છૂટતી નથી. આવું થવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે ગાંઠો આનંદદાયક હોય છે. આપણી માન્યતા સાથે મળતી આવતી હોય એવી વાતો સાંભળતી કે વાંચતી વખતે મનુષ્યના શરીરમાં ડોપામીન જેવા આનંદપ્રેરક રસાયણનો સ્રાાવ થતો હોવાનું વિજ્ઞાને તો સ્પષ્ટપણે નોંધ્યું જ છે અને ઇવન આપણે સામાન્ય લોકો, કોઈ વૈજ્ઞાનિક પ્રયોગો વિના પણ કહી શકીએ કે આપણી પ્યારી માન્યતાની તરફેણમાં કે અણગમતી વાતના વિરોધમાં પ્રગટ થતી વાતો વાંચતી-સાંભળતી વખતે મગજમાં એક મસ્ત ગુદગુદી થતી હોય છે. એ ગુદગુદી આપણને સત્યથી દૂર અને માન્યતાની જાળમાં કેદી બની રહેવા પ્રેરે છે.

આ ગુદગુદી અને કેદથી ચેતવા જેવું છે. આખી દુનિયા ચેતે તેની રાહ જોયા વિના વ્યક્તિગત સ્તરે આપણે આજથી જ બે પ્રતિજ્ઞા લેવા જેવી છેઃ ૧) મારી માન્યતા ભલે જે હોય તે, પરંતુ નિઃશંક હકીકતોને હું નમ્રપણે અને ખુલ્લા મનથી આદર આપીશ. ૨) મને દેખાતી સચ્ચાઈ એકદમ સ્પષ્ટ હોય ત્યારે પણ સાથોસાથ હું યાદ રાખીશ કે એ મર્યાદિત સચ્ચાઈ છે, મને પૂર્ણ સત્યની ખબર નથી.

અહીં પેલા અર્જુનને યાદ કરવો. અર્જુનને ચકલી ન દેખાય, ડાળી ન દેખાય, ઝાડ ન દેખાય, આકાશ ન દેખાય, એને ફ્ક્ત ચકલીની આંખ જ દેખાય… આ એકાગ્રતા લક્ષ્ય વીંધવા પૂરતી ઠીક છે, પરંતુ સરવાળે, અંદરખાને અર્જુનને ખબર તો હતી જ કે પક્ષીની આંખ સિવાયનું પણ જગત છે. એમ, આપણને પણ ખબર હોવી જોઈએ કે આપણને જે વાતમાં રસ પડે છે, આપણને જે માનવું ગમે છે, આપણે જે વાતોમાં ઓતપ્રોત છીએ, એ સિવાય પણ વિશાળ-અફટ દુનિયા ફેલાયેલી છે. નેતાઓ અને પક્ષો આપણને ચૂંટણીપ્રચારના પ્રવાહમાં તાણી જાય ત્યારે તેઓ ભલે અમુક મર્યાદિત મુદ્દાઓ પર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરવા મથે, અંદરખાને આપણને ખબર હોવી જોઈએ કે વ્યાપક જનહિતને સ્પર્શતા અસલી મુદ્દા કયા છે…

ટૂંકમાં, વાત ચાહે કોઈ ફ્લ્મિ કે કળાકૃતિની હોય, નેતાની હોય કે વિચારધારાની હોય… એ વિશે અભિપ્રાય આપતી વખતે, મંતવ્ય બાંધતી વખતે હકીકતોને આદર આપવો અને પૂર્ણ હકીકતની જાણ ન હોવા વિશે નમ્રતા સેવવી. યાદ રહે, સોક્રેટિસ મહાન ગણાયો તેનું એક મુખ્ય કારણ એ હતું કે તેને પોતાના અજ્ઞાનનું જ્ઞાન હતું.

તો, હકીકતોને આદર અને અજ્ઞાનનું જ્ઞાન, આ બે ગુણોનો મનુષ્યોમાં વિકાસ નહીં થાય તો માનવજાતિનું અસ્તિત્વ જોખમમાં છે એવી ચેતવણીઓ કેટલાક લોકો ઉચ્ચારી રહ્યા છે.

આ પણ એક અભિપ્રાય થયો. હવે શાંતિથી વિચારોઃ તમે આ અભિપ્રાય સાથે સહમત થાવ કે નહીં?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગ્રંથિઓની જોખમી ગુદગુદી! appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/glandies-risky-gudgidi/
via Best Gujarati News

0 Comments