। અમેઠી ।

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ પૂરી થવાની સાથે જ હત્યાઓનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અમેઠીમાં ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીનાં નિકટનાં પ્રભાવશાળી કાર્યકર અને પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે ઘટનામાં ૭ શકમંદોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. સ્મૃતિ ઈરાની મૃતકનાં ગામ બરૌલિયા પહોંચી ગયા હતા અને મૃતકનાં પરિવારને મળ્યા હતા. તેમણે ભાવુક થઈને મૃતકની નનામીને કાંધ આપી હતી. તેઓ મૃતકનાં પરિવારનાં સભ્યોને મળ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું. સ્મૃતિ ઈરાનીએ હત્યારાઓને વહેલામાં વહેલી તકે પકડવા પોલીસ અધિકારીઓને તાકીદ કરી હતી. મૃતકનાં પરિવારજનોએ હત્યામાં કોંગ્રેસનાં કાર્યકરોની સંડોવણીનો આરોપ લગાવ્યો છે. મૃતકની સ્મશાનયાત્રામાં રાજ્ય સરકારનાં પ્રધાનો, ધારાસભ્યો હાજર રહ્યા હતા. અમેઠીમાં ભાજપનું કમળ ખીલવવામાં તેમનું ભારે યોગદાન હતું.

સ્મૃતિ ઇરાનીનાં ભાજપનાં નિકટનાં કાર્યકર

મૃતક સુરેન્દ્રસિંહ અમેઠીમાં સ્મૃતિ ઈરાનીનાં નિકટનાં સાથી હતા. ચૂંટણીમાં તેમણે સ્મૃતિ ઈરાનીનાં પ્રચારમાં મહત્ત્વની કામગીરી નિભાવી હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને હરાવવામાં અગ્ર ભાગ ભજવ્યો હતો. તેઓ ગામનાં પ્રભાવશાળી અને સક્રિય સરપંચ રહી ચૂક્યા હતા. મૃત્યુનાં એક દિવસ અગાઉ એક ચર્ચામાં તેમણે અમેઠીમાં રાહુલ ગાંધીની નિષ્ક્રિયતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી તેમનાં ગામ બરૌલિયામાં ૩ વર્ષ પહેલાં આવ્યા હતા. ચૂંટણી વખતે પણ આવ્યા ન હતા. આવા નેતાને શા માટે કોઈ મત આપે? બરૌલિયા ગામને પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે દત્તક લીધું હતું અમેઠીમાં તેમણે સ્મૃતિ ઈરાની સાથે રહીને મોટાપાયે પ્રચાર કર્યો હતો. આજુબાજુનાં ગામમાં સુરેન્દ્રસિંહનો ભારે પ્રભાવ હતો અને તેમનાં ઇશારે લોકો કામ કરતા હતા.

સ્મૃતિ ઈરાનીનું વિજય સરઘસ હત્યાનું કારણ

સ્મૃતિ ઈરાનીનું વિજય સરઘસ સુરેન્દ્રસિંહની હત્યાનું કારણ બન્યું હોવાનું મનાય છે. સ્મૃતિ ઈરાનીનાં વિજય પછી ત્યાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. રાહુલનાં પરાજયનાં કારણે કોંગ્રેસનાં કાર્યકરો નારાજ હતા. ભાજપનાં કાર્યકરોએ વિજય સરઘસ કાઢયા પછી ત્યાં બંને પક્ષનાં કાર્યકરો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી.ચૂંટણી પ્રચાર વખતે સ્મૃતિ ઈરાની દ્વારા આવા વિસ્તારમાં પગરખાં વહેંચવામાં આવ્યા હતા જેનો મોટો વિવાદ સર્જાયો હતો. આ પછી મૃતક સુરેન્દ્રસિંહ પણ ખાસ્સી ચર્ચામાં આવ્યા હતા. તેમનાં પ્રચારને કારણે સ્મૃતિ ઈરાનીને ઢગલાબંધ મત મળ્યા હતા.

બાઇક પર આવેલા ૪ હત્યારાઓએ પોઇન્ટ બ્લેન્ક ઠાર કર્યા

અમેઠીનાં એસપીએ જણાવ્યા મુજબ અમેઠીનાં ગૌરીગંજનાં જામો થાણા ક્ષેત્રનાં બરૌલિયા ગામનાં પૂર્વ પ્રધાન સુરેન્દ્રસિંહની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળીઓ ધરબીને ક્રૂર હત્યા કરાઈ હતી. શનિવારે રાત્રે ૩ કલાકે સુરેન્દ્રસિંહ તેમનાં ઘરની બહાર સૂતા હતા ત્યારે બાઇક લઈને આવેલા ચાર હુમલાખોરોએ તેમનાં ઘરમાં ઘૂસી જઈને તેમના માથા પર પોઇન્ટ બ્લેન્ક ફાયરિંગ કર્યું હતું. તેમને પહેલાં નજીકની હોસ્પિટલમાં અને પછી લખનઉ લઈ જવાયા હતા જ્યાં રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું. પોલીસ ઘટનાને રાજકીય તેમજ અંગત અદાવત ગણીને હુમલાખોરોની શોધ કરી રહી છે. હત્યા પછી તંગદિલીને કારણે પોલીસની ફોજ ખડકી દેવામાં આવી છે.

૧૨ કલાકમાં કેસનું રહસ્ય ઉકેલાશે : ડીજીપી

રાજ્ય પોલીસનાં ડીજીપી ઓ.પી.સિંહે કહ્યું હતું કે, કેસની ઊંડી તપાસ કરાઈ રહી છે અને મહત્ત્વનાં પુરાવા મળ્યા છે. ૧૨ કલાકમાં કેસનું રહસ્ય ઉકેલવામાં આવશે. પોલીસને ૭ લોકોને અટકાયતમાં લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમેઠીમાં સ્મૃતિ ઈરાનીનાં નિકટનાં કાર્યકરની ગોળી મારી હત્યા : ૭ શકમંદોની અટકાયત appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/amethi-smriti-iranis/
via Best Gujarati News

0 Comments