ટપલી પાસ થઈ, એ આનંદ નહીં આશ્ચર્ય હતું!
લાફ્ટર કાફે :- હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’
અમારા આઠમા માળે રહેતા પૂનમ પકોડીની એકની એક ટપલી સાતમી ટ્રાયલે પાસ થઈને બારમાની બા’ર નીકળી ત્યારે આખું ટાવર હરખની હેલીએ ચડયું’તું.
“ટપલીને કોન્ગ્રેટ્સ કરી આવ્યા?” વાઇફે રસોડામાંથી પૂછયું, “હું તમને કહું છું, ના ગયા હો તો જઈ આવો. ટપલી બિચારી રાજી થશે.”
“ઉતાવળ શી છે?” ‘સંદેશ’ વાંચતાં વાંચતાં બાલ્કનીના હિંચકાની ઠેસ મારીને મેં કહ્યું, “એકાદ-બે દહાડા પછી જઈ આવીશ.”
“પછી તમારા ‘એકાદ બે દહાડા’ આવતા જ નથી.” લોટવાળા હાથે બહાર આવીને વાઇફે કહ્યું, “જાવ જઈ આવો. ટાણે ઢોલ વાગે તો જ કામનું, વગર ટાણે વગાડવા બેસીએ તો કોક મશ્કરી કરે. ઊભા થાવ.”
“એટલે જ હું શાંતિથી બેઠો છું.” મેં મારી ગણતરી મૂકીને કહ્યું, “પછી કોઈ મારી મશ્કરી કરે એ મને ન ગમે.”
“મોડા જાવ તો મશ્કરી તો કરે જ ને?” બેઝિનમાં હાથ ધોતાં ધોતાં વાઇફે કહ્યું, “ચાલો, હું આવું છું તમારી સાથે.”
“તો એમ કહેને કે તારે પણ આવવું છે!”
“હું તો ક્યારનીય જઈ આવી.”
“ભારે ઉતાવળી.”
“આમાં ઉતાવળ ક્યાં આવી? અને મોડા પડવું તો મને સહેજપણ ન ગમે.”
“એની તો મને ૪૪ વર્ષ પહેલાં ૧૯૭૫ના મે મહિનાની વસમી, સોરી…, વીસમી તારીખે ખબર પડી ગઈ’તી કે તને મોડા પડવું તો સહેજે ન ગમે!” મેં મૂળ વાત પર આવતાં કહ્યું, “ટપલીને આજે ને આજે અભિનંદન આપવામાં જોખમ છે. એકાદ-બે દિવસ ઝીણવટથી છાપાં વાંચીએ, એમાં ‘સુધારો’ મથાળા હેઠળ એવા કોઈ સમાચાર છપાયા તો નથી કે કમ્પ્યૂટરની ભૂલથી જેને પાસ જાહેર કરવામાં આવેલા, એ ખરેખર તો નાપાસ છે – અને એમાં આપણી ટપલી હોય, તો… ભારે પડે ને?”
“એમ?” વાઇફ્નેય શંકા પડી.
અમારા ટાવરમાં રહેતા અને બાલમંદિરથી માંડીને બબાલ-મંદિર એટલે કે કોલેજ સુધી ભણતાં છોકરા-છોકરીઓની કરિયર વિશેની માહિતી એ લોકોને ન હોય એનાથી અનેકગણી માહિતી વડીલોને હોય છે. “મેં તો આવું વિચાર્યું જ નહોતું.” વાઇફે કહ્યું, “તમને આવા નહીં આવવા જેવા વિચારો ક્યાંથી આવે છે?”
“શાસ્ત્ર્રોમાં લખ્યું છે કે અનુભવ જેવું કોઈ જ્ઞાન નથી. નહીં આવવા જેવા વિચારો હંમેશાં અનુભવના જ્ઞાનમાંથી આવે છે.” મારી વિદ્યાર્થી અવસ્થાને યાદ કરતાં મેં કહ્યું, “જિંદગીમાં પહેલો પ્રેમ અને પહેલો આંચકો ક્યારેય ભૂલાતો નથી.”
“હવે શાંતિ રાખશો?” ગુસ્સામાં ઊભા થઈ રસોડામાં જતાં જતાં વાઇફે કહ્યું, “૪૪ વર્ષ પછી પણ એજ ફ્રિયાદ?”
“અરે યાર…” પાછળ પાછળ હું પણ રસોડામાં ગયો, “હું આપણાં લગ્નની વાત નથી કરતો.. . યુનિવર્સિટીમાં એક વાર ભૂલથી હું પાસ જાહેર થયેલો અને બીજા જ દહાડે ‘સુધારો’ આવ્યો… ત્યારે મને જે આંચકો લાગેલો, એની વાત કરું છું, આંચકો એક જ પ્રકારનો થોડો હોય? બોલ, તું કહેતી હો, તો ટપલીને અભિનંદન આપી આવું. બાકી જોખમ પૂરેપૂરું છે.”
“સારું ત્યારે.” વાઇફે કહ્યું, “એકાદ-બે દહાડા રાહ જુઓ.”
“અરે, આ આવી.” ટપલીનો હાથ પકડી ખેંચી લાવતાં ટીંચુ ટીખળીએ મારા ઘરમાં પ્રવેશતાં કહ્યું, “ટપલી જાય ક્યાં?”
“અંકલ.” મને પગે પડતાં ટપલીએ કહ્યું, “હું પાસ થઈ ગઈ! આપણા ટાવરના બધા લોકો આવ્યા, તમે કેમ ન આવ્યા? હું પાસ થઈ એનો તમને હરખ ના થયો?”
“અરે,” મેં એના માથે હાથ મૂકતાં કહ્યું, “એ શું બોલી બેટા? પણ ચમત્કાર જેવું કંઈક બને છે ત્યારે હું બધું ભૂલી જાઉં છું!”
ટીંચુ પાસે બોક્ષ હતું એમાંથી આઇસ્ક્રીમ કપ કાઢી મારા હાથમાં મૂકતાં ટપલીએ કહ્યું, “લો અંકલ આઇસ્ક્રીમ. આન્ટી ક્યાં ગયાં?”
“કેમ તને અભિનંદન આપવા એ નહોતી આવી?”
“આવ્યા’તા ને! બાબુ અંકલનાં આન્ટી અને તમારાં આન્ટી બેઉ સાથેે આવ્યા’તાં!”
આવું સાંભળીને ટપલીના રિઝલ્ટ અંગેની મારી શંકા વધારે ગાઢ બની.
મને થયું કે આ ‘બાળકી’નો આઈસ્ક્રીમ ખાઉં અને એકાદ બે દહાડા પછી સાલુ… ન થવાનું થાય તો એના નિસાસા જ લેવાના ને? આઈસ્ક્રીમ ખાઉં કે ન ખાઉં? શેક્સપિયરના હેમ્લેટની જેમ ‘ટુ બી ઓર નોટ ટુ બી’ જેવી મારી દશા થઈ.
ઓગળી રહેલા આઈસક્રીમ તરફ મને એક નજરે જોઈ રહેલો જોઈને બાબુએ કહ્યું, “જોયું, ટપલી કેટલી ખુશ છે! આઈસક્રીમ લો. ચાલો. હું તમને કંપની આપું!”
“મને એની જ ચિંતા છે.” બબડીને ધ્રુજતા હાથે મેં આઈસક્રીમનો કપ ઉપાડયો.
ગોવર્ધન ઊંચકતાં કૃષ્ણ ભગવાનને નહીં લાગ્યું હોય એટલું વજન આઈસક્રીમનો કપ ઉપાડતાં મને લાગ્યું.
સાંજ સુધી અમારા આખા ટાવરમાં આઈસક્રીમ ખવાતો રહ્યો.
ટપલી પાસ થઈ એ અમારા ટાવર માટે આનંદ કરતાં આશ્ચર્યનો અવસર બની ગયો!
બે દિવસ પછી હું ઓફ્સિે જવા નીકળતો’તો ત્યાં જ ડોરબેલ વાગ્યો.
“આવોે બાબુભાઈ.” બારણું ખોલતાં મેં કહ્યું, “આજે દુકાન બંધ રાખી છે કે શું?”
“ના રે.” બાબુએ ટિપોય પર પડેલું ‘સંદેશ’ ઉપાડતાં કહ્યું, “દુકાને ટીંચુડાને મોકલ્યો છે.”
“વાહ! ટીંચુ તમારો હોશિયાર છે હોં!”
“શું ધૂળ હોશિયાર છે?” બાબુએ દરવાજો આડો કર્યો. “બે દા’ડા પહેલાં ટપલીનું રિઝલ્ટ આવ્યું ત્યારે દુકાનમાંથી મોંઘામાં મોંઘી પેનનો સેટ ટપલીને ભેટ આપી આયો અને ‘ના’ કહું તો કંજુસ તરીકેની મારી છાપ વધારે ઘેરી બને. આજના છાપામાં વાંચો આ.”
“મને સહેજ પણ આશ્ચર્ય નથી થયું.” ન્યૂઝ વાંચીને મેં કહ્યું, “ઊંડે ઊંડે તો મને હતું જ કે ટપલી પાસ થાય જ નહીં. આજે બોર્ડવાળાનો ખુલાસો છપાયો ને?’
ઓફ્સિે જવાનો ટાઇમ થઈ ગયો’તો, મારે મોડું થતું’તું તો પણ વાઇફ્ને બોલાવીને મેં કહ્યું, “જો, આમાં છપાયું છે કે ટપલીને ભૂલથી પાસ જાહેર કરવામાં આવી છે,ખરેખર તો બીચારી નાપાસ છે.”
“પૂનમ ભાઈ અને પકોડી ભાભીને બીચારાંને કેટલું દુઃખ થતું હશે? પાંચેક હજારનો તો આખા ટાવરને આઈસ્ક્રીમ ખવડાવ્યો…” વાઇફે ગદ્ગદ્ થતાં કહ્યું, “આપણે એમના ઘેર ખરખરો કરવા જવું જોઈએ હોં…”
“તમે લોકો જાવ.” હું કંઈ બોલું એ પહેલાં જ બાબુએ કહ્યું, “ત્યાં જઉં એટલે આંખો સામે પેનનો સેટ દેખાય.. ન તો પાછો માંગી શકાય, ન તો જોઈ શકાય. ત્યાં જઈને મારે તો દુઃખી જ થવાનું ને?”
બાબુ બોસના ગયા પછી વાઇફ્ને મેં કહ્યું, “ટપલી ભલે નાપાસ થઈ, પણ મોટી થઈને એ ચોક્કસ મહાન વ્યક્તિ બનશે.”
“એવું તમે કેવી રીતે કહી શકો?”
“ભૂતકાળમાં – મારી લાઇફ્માં પણ આવી જ ‘સુધારા’વાળી ઘટના બની’તી!”
સુગરક્યુબ :
– આ TV ક્યાં સુધી બંધ રાખવાનું છે?
– નેતાઓની ગાળાગાળી બંધ નહીં થાય ત્યાં સુધી.
એ બંધ ક્યારે થશે ?
– ૨૩ મે પછી.
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટપલી પાસ થઈ, એ આનંદ નહીં આશ્ચર્ય હતું! appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/tapali-pass-is-a-fun-no-ash/
via Best Gujarati News
0 Comments