મનોવૃત્તિ :- ડો. નમિતા ગાંજાવાલા

મનોચિકિત્સકના ક્લીનિક પર વ્યક્તિ સૌથી વધુ જેની તકલીફ લઈને આવતા હોય તો તે છે, ઊંઘ નહી આવવાની. ૨૧મી સદીની સૌથી સામાન્ય બીમારી – ડીપ્રેશનનું આ એક મુખ્ય લક્ષણ છે. આજની યુવા પેઢીને જોઈ લો. લગભગ મોટેભાગનાને રાત્રે મોડે સુધી ટીવી જોવાની, મોબાઈલમાં ગેઇમ્સ રમવાની, ક્યાં તો ચેટિંગ કરવાની અથવા બહાર રખડયા કરવાની આદતો હશે. જેને પરિણામે તેઓ રાત્રે રોજ મોડા સુતા હશે. તેમનું ઊંઘવાનું અને ઉઠવાનું શિડયુઅલ જ કંઈક ભળતું હશે. મોબાઇલ કે ટીવીની બ્રાઇટ લાઇટનાં કારણે આંખોને તણાવ પહોંચે અને ઊંઘ આવવામાં તકલીફ પડે અથવા તો ઊંઘ જ મોડેથી આવે. આથી, બને તો બેડરૂમમાં ટીવી જ ન રાખવું જોઈએ. સુતાં પહેલાં મોબાઈલને પણ બંધ કરીને દુર મૂકી દેવો જોઈએ. પણ, એવા કેટલાય વ્યક્તિઓ મળી આવશે કે, જેમને મોબાઇલ જો પોતાના ઓશિકા પાસે ન હોય, તો તેઓ ઊંઘી ન શકે !! તેમનું સ્લીપ હાઈજીન જાળવવા માટે મોબાઇલને પાસે રાખવો જરૂરી થઇ પડે અથવા તો ટીવી ચાલુ રાખવું જ પડે !

મિશાને જ જોઈ લો. કોલેજમાં અભ્યાસ કરે છે. તેનાં રૂટીન વિષે સાંભળીએ તો આપણને નવાઈ લાગે. તેને છેલ્લાં થોડાં વર્ષોથી રાત્રે મોડે સુધી જાગીને વાંચવાની આદત પડી હતી. સવારે ૪ વાગ્યા સુધી તે  આરામથી જાગીને વાંચી શકે. ત્યારબાદ તે સુઈ જાય. તે છેક સવારે ૧૦ વાગ્યા સુધી ઊંઘે. તેની બોર્ડની પરીક્ષાઓની તેણે આ રીતે જ તૈયારીઓ કરી હતી. આથી, તેનું ઊંઘવાનું રૂટીન જ બીજા કરતાં અલગ થઇ ગયું હતું. પરીક્ષાઓ તો ક્યારની પૂરી થઇ ગઈ. પણ, મહેકનું ઊંઘવાનું રૂટીન ફ્રીથી નથી સેટ થઇ શક્યું. તેને આજે પણ રાત્રે ઊંઘતા ૨-૩ તો વાગી જ જાય. સવારે ઊઠવા માટે પણ તેને ૯ તો વાગે, વાગે ને વાગે જ. કોલેજમાં પહેલું લેક્ચર રોજ જ તેનું છૂટી જાય. જેને કારણે તે ખુબ જ પરેશાન રહેતી.

કેટલાકને રાત્રે સ્મોકિંગ કરવું અથવા બીજા નશીલા પદાર્થોનું સેવન કરવું, જેવી આદતો હોય છે. જેને કારણે પણ રાત્રે ઊંઘ આવવામાં તકલીફ પડતી હોય છે. આવી આદતોના કારણે તેમનું ઊંઘનું શિડયુલ ખોરવાઈ જતું હોય છે. આથી, સારી ઊંઘ માટે નશીલા પદાર્થોથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. બને ત્યાં સુધી, સાંજ પછી, ચા – કોફીનુ સેવન પણ ટાળવું જોઈએ. તેમાં રહેલ કેફીન પણ ઊંઘને દૂર ભગાડી મૂકે છે. આપણા વડીલો હંમેશાંથી કહેતા આવ્યા છે, કે સમયસર સુઈ જઈને, સમયસર ઉઠવું જોઈએ. વહેલા ઊંઘીએ, તો વહેલા ઉઠી શકાય અને દિવસ સારો જાય. પણ, અહી તો, કેટલાયને મોડે સુધી લેટ નાઇટ પાર્ટીઓ જ કરવાની આદત પડી હોય છે, જેના કારણે તેમના ઊંઘવાનાં રૂટીનના કોઈ ઠેકાણા નથી હોતા. જો કે હવે તો, આમાંથી છોકરીઓ પણ બાકાત નથી.

હાલનું કલ્ચર જ એવું બનતું જાય છે, જેમાં વ્યક્તિની ઊંઘવાની આદત કઈ ઓર જ હોય છે. કેટલાય વ્યક્તિઓને આજે ઊંઘવા માટે દવાઓ લેવાની જરૂર પડે છે. દવાઓ ન લે તો, તેઓ શરાબનો સહારો લેતા હોય છે. તેના વગર તેમને ઊંઘ જ નથી આવતી. બને ત્યાં સુધી આવી કોઇપણ પ્રકારની દવાઓ લેવાથી દૂર રહેવું. જરૂર પડે તો, કોઈ યોગ્ય ડોક્ટરની સલાહ લઈને જ જરૂરી દવાઓ લેવી. જાતે ઊંઘની ગોળીઓ કદાપી ગળવી નહિ.

ઘણી ગૃહિણી બહેનોને બપોરે ઊંઘી જવાની આદત હોય છે. પણ, બપોરે રોજ ૩-૪ કલાક સુઈ જવાથી ફયદા ને બદલે નુકશાન થાય, તેની શક્યતાઓ વધુ છે. બને કે, તેના કારણે જ રાતની ઊંઘમાં ખલેલ પહોચે. તેના બદલે ૧૫-૨૦ મીનીટ માત્રનો નેપ લેવાથી ફયદો થઇ શકે છે. તેમ કરવાથી વ્યક્તિની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. અમારા પડોશી છે, મયંકભાઈ. તેઓને વર્ષોથી, રોજ સુવા પહેલાં સ્નાન કરવાની ટેવ છે. તેમનું માનવું છે, કે તો જ તેમને સારી નીંદર આવે અને જો કોઈ કારણસર તેઓ સ્નાન ન કરે, તો તે આખી રાત તેઓ પડખાં જ ફેરવ્યા કરે. તેવી જ રીતે, કેટલાકને રાત્રે સેક્સ માણે, તો જ ઊંઘ આવે. તો કેટલાક જુવાનીયાઓને, હસ્તમૈથુન કરે, પછી જ ઊંઘ આવે !

બીજી બાજુ, મારી ફ્રેન્ડ પલકની વાત કરું તો, તેને મ્યુઝિક સાંભળતાં સાંભળતાં જ સુવાની આદત છે. માત્ર ઈન્સ્ટ્રુમેન્ટલ. તો કેટલાય લોકોને વાંચવાથી પણ સારી ઊંઘ આવી જતી હોય છે. બેઠાડું જીવન જીવતા વ્યક્તિને ઊંઘમાં તકલીફ આવી શકે. આથી, દિવસ દરમિયાન કસરત કરવી જરૂરી છે. પણ, જરૂરી છે, કે તમે ઊંઘવાના ૨-૩ કલાક પહેલાં જ કસરત કરી લો. નહિ તો, તેના કારણે જ ઊંઘ નહિ આવે, એવુંય બને. રાતનું ભોજન પણ જો ખુબ હેવી લેવાય જાય, તેલવાળું, તળેલું, કે વધારે ખવાય જાય, તોય ઊંઘ આવવામાં તકલીફ પડી શકે. જેટલું મોડું જમીએ, એટલી વધારે તકલીફ. તો અહી, ઊંઘવાના ઓછામાં ઓછા ૨-૩ કલાક પહેલાં તો જમી જ લેવું જોઈએ, બને ત્યાં સુધી હળવો અને પચવામાં સહેલો પડે, તેવો ખોરાક રાત્રે લેવો જોઈએ. ઊંઘવા માટે બેડરૂમનું ટેમ્પરેચર વ્યક્તિને અનુકુળ આવે, તેવું હોવું જોઈએ. થોડું ઠંડું વધારે સારું રહે. બહારથી જો ખુબ ઘોંઘાટ આવતો હોય, તો ઊંઘવામાં તકલીફ પડી શકે. પતિ અને પત્નીની બેડરૂમમાં સાથે સુઈ જવા માટેની જરૂરિયાતો જો અલગ અલગ હોય, તો તકલીફ થઇ પડે. તેના ઉપર અલગથી આખો આર્ટીકલ લખી શકાય !!

ઘરમાં, પરિવારમાં, ઓફ્સિમાં, મિત્રો જોડે, કોઈ તણાવ હોય, તોય ઊંઘ આવવામાં તકલીફ પડી શકે છે. અરે, રોડ પર કોઈ અજાણ્યા જોડે ઝગડો થઇ જાય, તોય તે રાત્રે ઊંઘ ન આવે, તેવું પણ બની શકે. વ્યક્તિ પોતે કે તેની નજીકની વ્યક્તિ, કોઇપણ પ્રકારની શારીરિક કે માનસિક બીમારીથી પીડાતી હોય, તેવા સંજોગોમાં પણ તેની ઊંઘ ઉડી જાય, તેવું બની શકે છે. તેવા સંજોગોમાં તેમનો યોગ્ય ઈલાજ કરાવવો જરૂરી થઇ પડે છે.

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સારી અને રિફ્રેશિંગ ઊંઘ આવે તે માટેના ઘરેલું નુસખાઓ… appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/good-and-refreshing-sleep-this/
via Best Gujarati News

0 Comments