હેલ્થ ઇઝ વેલ્થ

બાળકનાં રડવાનાં મુખ્ય બે કારણો હોય છે, ભૂખ અને દુઃખ. તદુપરાંત કેટલાક મનોવૈજ્ઞાનિક કારણો પણ હોય છે. એટલે આ પ્રકરણનો સમાવેશ આ વિભાગમાં કરવામાં આવ્યો છે.

રડવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એવો દાવો કરતું હોય એમ બાળક જન્મતાં જ રડે છે. તેના આ હક્કનો આપણે સહર્ષ સ્વીકાર પણ કરીએ છીએ. આપણે એ સમજીએ છીએ કે રડવું અને બાળક હોવું એ બંને એકબીજાનાં પૂરક પ્રમાણ છે અને ખરેખર તો રડયા વિના બાળકનું અસ્તિત્વ અધૂરું લાગે.

વિશ્વના માનવોની ભાષા અલગ અલગ છે, પરંતુ સમગ્ર વિશ્વનાં બાળકોની ભાષા એક છે, અને તે છે રડીને વ્યક્ત થતી ભાષા. આ ભાષાની વ્યંજના અદ્ભૂત હોય છે! એટલે જ તો બાળકના રડવાનો અવાજ માતાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વર્ષાવી શકે છે. રડવાની ભાષા દ્વારા બાળક આપણને કંઈક કહેવા માંગતું હોય છે. આપણા માટે મૂંઝવતો સવાલ એ હોય છે કે, તેની રડવાની ભાષા ઉકેલવી કઈ રીતે? કવિ, લેખકો, મનોવૈજ્ઞાનિકો, બાળ તજ્જ્ઞાો અને બાળકની માતા બાળકના રડવાની ભાષાનો કોડ થોડેઘણે અંશે ઉકેલી શકે છે, અને પોતપોતાની રીતે તેનું અર્થઘટન કરે છે.

બાળકનાં રડવાનાં અર્થઘટનો

રવીન્દ્રનાથ ટાગોર જેવા સમર્થ સાહિત્યકારના મંતવ્ય પ્રમાણેઃ જન્મતાં જ બાળક રડીને આપણને ઈશ્વરનો સંદેશ પહોંચાડે છે કે, મનુષ્યનું સર્જન કરી હજુ એ હતાશ થયો નથી.

મનોવૈજ્ઞાનિકો એવું માને છે કે, બાળક રડીને ડર અભિવ્યક્ત કરે છે. આવી માન્યતાને આધારે તેઓ એમ પણ કહે છે કેઃ નવજાત શિશુ નવી દુનિયાના વાતાવરણનો સામનો કરતાં ડરે છે, લઘુતાગ્રંથિ અનુભવે છે અને રડે છે.

બાળ દર્દ નિષ્ણાંત તબીબો આવી કાલ્પનિક વાતોને અવગણી, બાળકના રડવાના સૂર પ્રમાણે, જુદા જુદા રોગોનું નિદાન કરે છે. તેઓને બાળકના રડવાના અવાજમાં ભૂખ, દુઃખ, ભય, માંગ, વિરોધ જેવાં કોઈને કોઈ ર્ગિભત સંકેતો કળાય છે!

ગુનેગારો પર કરવામાં આવતા Lie Detection Test જેવી Sound Spectography દ્વારા, બાળકના અવાજનું રેકોડિંગ કરી શકાય છે! અને તેનું વિશ્લેષણ કરી રડવાના અવાજમાં ગુહ્ય ભૂખ, દુઃખ, ગુસ્સો, હતાશા વગેરે જેવાં આવેગોને અલગ અલગ તારવી શકાય છે.

બાળકના રડવાનાં કારણો

ભૂખ

બાળકનાં રડવાનાં અનેક કારણોમાંથી મુખ્ય કારણ ભૂખ હોય છે. બાળક ભૂખ્યું થાય એટલે રડે, એવું માતાને સમજાવવાનું હોતું નથી. બાળકના રડવાનું કારણ ભૂખ છે, એવી સમજ ડોક્ટર કરતાં માતામાં વિશેષ હોય છે. રડતું બાળક એટલે ભૂખ્યું બાળક એવી સમજના આધારે તે સાતેય કામ પડતાં મૂકી બાળકને છાતીએ વળગાડે છે. આ કાર્યમાં ઘડીનો પણ વિલંબ માતા કે બાળકને પાલવતો નથી. અને વિલંબ થાય તો દાદીમાની ટકોર તૈયાર જ હોયઃ વહુ, બાળક ભૂખ્યું થયું છે, કયાં સુધી રડાવશો?

વિષયને આગળ ધપાવીએ ત્યાર પહેલાં એક રસપ્રદ સંશોધન વિશે જાણીએ.

પોતાના બાળકના રડવાના અવાજનો રણકો માતાના દિલો-દિમાગમાં કેવા સ્પંદનો પેદા કરે છે એ જાણવા, jessop obstetric Hospital, sheffieldમાં એક સંશોધનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના પ્રથમ તબક્કામાં, માત્ર ત્રણ દિવસની ઉંમરનાં, ત્રીસ નવજાત શિશુઓના રડવાના અવાજને ટેપમાં રેકોર્ડિંગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ત્રીસ નવજાત બાળકોની માતાઓને એક જ સ્થળે એકઠી કરી, ટેપમાં રેકોર્ડ કરેલ અવાજ સંભળાવવામાં આવ્યો હતો, અને દરેક માતાને બાળકના રડવાના અવાજને ઓળખી કાઢવાનું કહેવામાં આવ્યું હતું. સંશોધકોના સુખદ આૃર્ય વચ્ચે, દરેક માતાએ પોતાના બાળકનો રડવાનો અવાજ અલગ તારવી બતાવ્યો હતો!

આ અભ્યાસના બીજા તબક્કામાં, મતાઓને ઊંઘમાં ફરી એ જ રડવાનો અવાજ સંભળાવવામાં આવ્યા. દરેક માતા પોતાના બાળકના અવાજને સાંભળી જાગી ગઈ! પરંતુ અન્યના બાળકના રડવાના અવાજની તેની ઊંઘ પર કોઈ અસર જોવા મળી નહીં!

(બાળઉછેર બે હાથમાં પુસ્તકમાંથી સાભાર)

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બાળકનું રડવું અને રડીને શ્વાસ ચડાવી જવો appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/child-wailing-and-weeping-sh/
via Best Gujarati News

0 Comments