। પેરિસ ।

૨૦૧૫ બાદ ફ્રેન્ચ ઓપનમાં કમ બેક કરનારા સ્વિટઝરલેન્ડના ખેલાડી રોજર ફેડરરે પહેલી જ મેચમાં ઇટાલીના લોરેન્જો સોનેગોને ૬-૨, ૬-૪, ૬-૪થી પરાજિત કરીને વિજયી શરૂઆત કરી હતી. હવે રોજર આગળના રાઉન્ડમાં બુધવારે જર્મનીના ઓસ્કર ઓટે સામે રમશે.

પહેલા સેટમાં તેણે ૪-૦થી શરૂઆત કરી હતી અને ૬-૨થી પહેલો સેટ જીતી લીધો હતો. તેના આ દેખાવથી મેચ જોવા આવેલા ટેનિસ રસિકો જૂમી ઉઠયા હતા. બીજા સેટમાં પણ ફેડરરે પહેલા સેટ જેવી લીડ જાળવી રાખી હતી પણ સોનેગોએ સારી ટક્કર આપી હતી. જોકે ફેડરરે સેટ ૬-૪થી જીતી લીધો હતો. ત્રીજો સેટ પણ રોજર ફેડરરે ૬-૪થી જીતી લીધો હતો.

મેચ પૂરી થયા બાદ ફેડરર જ્યારે મેદાનમાંથી બહાર જઈ રહ્યો હતો ત્યારે લોકોએ તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. રોજર ફેડરરની ગણતરી દુનિયાના મહાન ટેનિસ ખેલાડીઓમાં થાય છે અને ફ્રેન્ચ ઓપન જીતવા માટે તેને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.  વર્લ્ડ ટેનિસ રેન્કિંગમાં તે હાલમાં ત્રીજા નંબરે છે. ૨૦૦૯માં તે ફ્રેન્ચ ઓપનમાં વિજેતા રહ્યો હતો. જો તે આ વખતે જીતી જાય તો આ એનો ૨૧મો ગ્રેન્ડ સ્લેમ ખિતાબ હશે.

નિશિકોરી, સ્ટેફાનોસ, સિલિક બીજા રાઉન્ડમાં

ફ્રેન્ચ ઓપનમાં મેન્સ સિંગલ્સ ઇવેન્ટમાં પહેલા દિવસે જાપાનના કેઈ નિશિકોરી, ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસ અને ક્રોએશિયાના મારિન સિલિકનો આસાન વિજય થયો હતો અને તેઓ બીજા રાઉન્ડમાં પહોંચ્યા હતા. રવિવારે કેઈ નિશિકોરીએ પહેલા રાઉન્ડમાં ધમાકેદાર શરૂઆત કરી  હતી. તેણે ફ્રાન્સના ક્વેંટિન હેલિસને ૬-૨, ૬-૩, ૬-૪થી હરાવી દીધો  હતો. તેમની મેચ બે કલાક ચાલી હતી. દુનિયામાં સાતમા  ક્રમાંકના નિશિકોરીએ ૪-૦થી ધરખમ શરૂઆત કરીને પહેલો સેટ  ૬-૨થી જીતી લીધો હતો. જાપાનના આ નંબર વન ખેલાડીએ બીજા  સેટમાં પણ પ્રભુત્વ કાયમ રાખ્યું હતું. જોકે ત્રીજા સેટમાં તેનું  ધ્યાન વિચલિત થતાં હેલિસે ફાયદો ઉઠાવ્યો હતો અને ૩-૧થી  લીડ મેળવી હતી પણ નિશિકોરીએ પોતાની રમત સુધારીને સેટ  ૬-૪થી જીતી લીધો હતો.

મારિન સિલિકનો વિજય

મારિન સિલિકે ઇટાલીના થોમસ ફાબિયાનો સામે ૬-૩, ૭-૫, ૬-૧થી આસાન વિજય મેળવ્યો હતો. ગત બે વર્ષથી મારિન સિલિક ફ્રેન્ચ ઓપનમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી શક્યો છે. પહેલા સેટમાં તેણે ફટાફટ ૩-૧ની લીડ મેળવી હતી. જોકે થોમસે પ્રતિકાર કર્યો હોવાથી સિલિકે તેની વ્યૂહરચના બદલી હતી,આક્રમક ખેલથી આસાન જીત મેળવી હતી. હવે બુધવારે મારિન સિલિકનો મુકાબલો બલ્ગેરિયાના ગ્રિગોર દિમીત્રોવ સામે થશે.

વિમ્બલ્ડન ચેમ્પિયન એન્જલિક કેર્બર ફ્રેન્ચ ઓપનમાંથી આઉટ

જર્મનીની પાંચમા ક્રમાંકની ખેલાડી અને વર્તમાન વિમ્બલ્ડન ચેમ્પિયન એન્જલિક કેર્બર ફ્રેન્ચ ઓપનના પહેલા જ રાઉન્ડમાં આઉટ થઈ છે. રશિયાની ૧૮ વર્ષની યુવા ખેલાડી અનાસ્તાસિયા પોટાપોવાએ તેને રવિવારે રોલાં ગૈરામાં યોજાયેલી મેચમાં ૬-૪, ૬-૨થી હરાવી દીધી હતી. ફેન્ચ ઓપનમાં પોતાના પદાર્પણના વર્ષમાં જ પોટાપોવાએ મોટો ઊલટફેર કર્યો છે. ટેનિસ રેન્કિંગમાં પોટાપોવાનો ૭૦મો ક્રમાંક છે. ૪૧ વર્ષની કર્બર ફ્રેન્ચ ઓપનના પહેલા જ રાઉન્ડમાં છઠ્ઠી વખત બહાર ફેંકાઈ છે. ગયા વર્ષે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ અને ૨૦૧૬માં અમેરિકન ઓપન જીતનારી કેર્બરને મેડ્રીડ ઓપનમાં પગમાં ઈજા થઈ હતી. પરાજય બાદ કેર્બરે કહ્યું હતું કે પોટાપોવાએ સારી રમત દાખવી હતી, મેં પણ મારી બેસ્ટ કોશિશ કરી હતી. બીજી એક મેચમાં સ્પેનની ૨૦૧૬ ચેમ્પિયન ગાર્બાઇન મુગુરુજાએ અમેરિકાની ટેલર ટાઉનસેંડને ૫-૭, ૬-૨, ૬-૨થી હરાવી  દીધી હતી. પહેલો સેટ હારી ગયા બાદ ગાર્બાઈન મુગુરુજાએ વાપસી કરી હતી અને બાકીના બે સેટ જીતી લઈને મોટો ઊલટફેર અટકાવ્યો હતો. બીજી તરફ ક્રોએશિયાની પેત્રા માર્ટિચે ફ્રેન્ચ  ઓપનના પહેલા રાઉન્ડમાં ટયૂનિશિયાની ઓંસ જબોરને ૬-૧,૬-૧થી  હરાવી દીધી હતી. આ વર્ષે ફ્રેન્ચ ઓપનમાં જીત મેળવનારી તે  પહેલી ખેલાડી બની હતી.

એક કલાક ૫૧ મિનિટમાં સિતસિપાસનો વિજય

ફ્રેન્ચ ઓપનમાં ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસનો જર્મનીના મેક્સીમિલિયન માર્ટેરેર સામે સીધા સેટોમાં ૬-૨, ૬-૨, ૭-૫થી આસાન વિજય થયો હતો. છઠ્ઠા ક્રમાંકનો સ્ટેફાનોસ એકદમ સ્ટાઈલથી માત્ર એક કલાક ૫૧ મિનિટમાં આ મેચ જીત્યો હતો. આ સ્પર્ધામાં સ્ટેફાનોસને પણ ટાઈટલ જીતવાનો દાવેદાર માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ફેડરરનું ફ્રેન્ચ ઓપનમાં વિજયી કમ બેક appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/in-federers-french-open/
via Best Gujarati News

0 Comments