ન્યૂઝીલેન્ડ સામેનો પરાજય ભારત માટે ચિંતાનો વિષય છે
લંડન :
વર્લ્ડ કપની દાવેદાર ટીમ ગણાતી ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની વોર્મ-અપ મેચમાં છ વિકેટે પરાજિત થતાં ભારતમાં ક્રિકેટ રસિકો નારાજ થયા છે અને સવાલ ઉઠાવ્યા છે કે જો આવો દેખાવ રહેશે તો ભારતીય ટીમ કેવી રીતે સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકશે? ટીમ ઈન્ડિયા હવે તેની પહેલી મેચ રમે એ પહેલાં ૧૦ દિવસ બાકી છે અને એમાં ટીમે તેની નબળાઈઓ પર ધ્યાન આપવાની જરૂર છે.
તૈયારી બરાબર?
પરાજય બાદ ટીમ ઈન્ડિયાની તૈયારી પર સવાલ ઊઠવા લાગ્યા છે. ક્રિકેટ રિસકોએ સવાલ કર્યો હતો કે ભારતીય ટીમ જો ટૂર્નામેન્ટના આ તબક્કામાં પૂરી ૫૦ ઓવર પણ રમી નહીં શકે તો સેમિફાઇનલમાં પણ પહોંચવાની આશા રાખવી અસ્થાને છે. ભારતીય ટીમ ૩૯.૨ ઓવરમાં ૧૭૯ રન બનાવી શકી હતી અને આ સ્કોર કિવિ ટીમે ૪ વિકેટે ૩૭.૧ ઓવરમાં આંબી લીધો હતો. ૬૪ બોલ નાખવાના બાકી હતા ત્યારે ટીમ ઈન્ડિયા આઉટ થઈને પેવેલિયનમાં પહોંચી હતી અને ૭૭ બોલ બાકી હતા ત્યારે ન્યૂઝીલેન્ડે ૬ વિકેટે વિજય મેળવ્યો હતા.
બેટ્સમેનો ખામોશ
ભારતીય બેટ્સમેનોની બાબતે જે ચિંતા હતી એ વોર્મ-અપ મેચમાં સાચી સાબિત થઈ હતી. આઈપીએલમાં ઢગલાબંધ રન બનાવનારા બેટ્સમેનોના બેટ વોર્મ-અપ મેચમાં ખામોશ થયા હતા અને ઈંગ્લેન્ડમાં તેઓ રન બનાવી શક્યા નહોતા.એક તબક્કે તો લાગતું હતું કે ભારત ૧૦૦નો આંકડો પણ પાર નહીં કરી શકે. રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડયા અને કુલદીપ યાદવે ટીમ માટે સન્માનજનક કહી શકાય એવો સ્કોર ઊભો કર્યો. રવીન્દ્ર જાડેજાએ ૫૦ બોલમાં ૫૪ રન અને હાર્દિક પંડયાએ ૩૦ બોલમાં ૩૭ રન બનાવ્યા હતા.
બોલિંગમાં ડંખનો અભાવ
જે પિચ પર ન્યૂઝીલેન્ડના બોલરો ટ્રેટ બાઉલ્ટ અને જિમી નિશામે ઘાતક સ્પેલ નાખ્યા એ પિચ પર ભારતના બોલરો જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વરકુમાર અને મોહમ્મદ શમી કંઈ ખાસ ઉકાળી શક્યા નહીં. સ્પિન બોલરો પણ કોઈ અસર બતાવી શક્યા નહીં.
મોસમનો માર?
ઓવલમાં આકાશમાં વાદળો છવાયેલાં હતાં અને તેથી પહેલાં બેટિંગ કરનારી ટીમ ઈન્ડિયા સુંદર રીતે સ્વિંગ થતી બોલિંગ સામે ઘૂંટણીયે પડી હતી. ટીમને આ દેશમાં જ વર્લ્ડ કપ રમવાનો છે અને જીતવાનો છે. આ વેધર કંડિશન માટે ટીમે કોઈ પણ હિસાબે તૈયાર થવાની જરૂર છે.
ઓવલમાં ઓસી. સામે મેચ
ભારત વર્લ્ડ કપની તેની પહેલી મેચ પાંચમી જૂને સાઉથ આફ્રિકા સામે સાઉથમ્પ્ટન ખાતે રમશે. લંડનના ઓવલ મેદાન પર ભારતની બીજી મેચ ૯મી જૂને ઓસ્ટ્રેલિયા સામે છે. ઓવલ મેદાન પર ૨૪,૫૦૦ પ્રેક્ષકો બેસી શકે છે. એ મેચમાં ભારતીય ક્રિકેટ રસિકો વિરાટ કોહલી એન્ડ ટીમ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખશે. ન્યૂઝીલેન્ડ સામેના પરાજય બાદ હવે વર્લ્ડ કપની તૈયારી માટે ભારતીય ટીમ પાસે ૧૦ દિવસનો સમય છે. આ ૧૦ દિવસમાં તેણે પોતાની નબળાઈઓ પર ધ્યાન આપવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ન્યૂઝીલેન્ડ સામેનો પરાજય ભારત માટે ચિંતાનો વિષય છે appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/new-zealand-against-defeats/
via Best Gujarati News
0 Comments