સિક્સ ડે વોરઃ ઇઝરાઇલના અસ્તિત્વની લડાઇ
ઓફબીટ :- જિજ્ઞાસા પટેલ
આજે પણ ઇઝરાઇલ માટે અસ્તિત્વના પાયામાં તો સિક્સ ડે વોર રહેલું છે. કરો યા મરો જેવી સ્થિતિ વચ્ચે ઇઝરાઇલે આસપાસના દુશ્મનો સાથે લડેલી પોતાના અસ્તિત્વની લડાઇને ૫૨ વર્ષ થઇ જશે પમી જુને.
ઇઝરાઇલ અને ઇજીપ્ત વચ્ચે યુધ્ધના મંડાણ થયા. એ વખતે ઇઝરાઇલ પાસે ૨૭૫૦૦૦ સૈનિકો હતા, તો ઇજીપ્ત, સીરિયા અને ઇરાક સહિત આઠ આરબ દેશોની સેના ૪૬૨૦૦૦ સૈનિકોની થતી હતી. સરંજામની વાત કરીએ તો ઇઝરાઇલ પાસે ૮૦૦ રણગાડીઓ હતી, તો ઇજીપ્ત પાસે ૧૨૦૦ રણગાડીઓ હતી. વળી એ ઓછું હોય એમ ઇઝરાઇલ પાસે બીજા વિશ્વ યુધ્ધના સમયની શેરમાન અને એ.એમ.એક્સ. ૧૩ પ્રકારની રણગાડીઓ હતી, તો ઇજીપ્ત પાસે આધુનિક રશિયન બનાવટની ટી-૫૪ અને ટી-૫૫ રણગાડીઓ હતી. ઇરાક, સીરિયા અને જોર્ડન પાસે પણ ૧૩૦૦ ટેક્નો હતી. ફઇટરોમાં ઇઝરાઇલ પાસે ૨૮૦ વિમાનો હતા, તો ઇજીપ્ત એકલા પાસે ૫૦૦ ફઇટરો હતા. ઉપરાંત બીજા આરબ રાષ્ટ્રોની વાત કરીએ તો ૧૦૦૦થી વધુ વિમાનો હતા. આ સમીકરણો ધ્યાનમાં રાખીએ તો ઇઝરાઇલ માટે સ્થિતિ કાંઇ સારી ન હતી.
સોવિયેત સંઘે તેના સાથી ઇજીપ્તને માહિતી આપી કે, ઇઝરાઇલ સીરિયાની સરહદે પોતાના લશ્કરની જમાવટ કરી રહ્યું છે, એ સાથે જ ઇજીપ્તે તેના કમાન્ડર ફ્લ્ડિ માર્શલ આમિરે સૈન્યને યુધ્ધ માટે તૈયાર રહેવા કહી દીધું હતું. ઇઝરાઇલને ઉશ્કેરવા માટે નાસરે ૨૨ મેના દિવસે તિરાનના માર્ગ ઇઝરાઇલના જહાજોની આવનજાવન રોકી દીધી હતી. ઇજીપ્તે અકાબાના અખાતમાં નાકાબંધી કરી કે તરત જ ઇઝરાઇલના વડાપ્રધાન એશ્કોલે ડાયાનને યુધ્ધ માટે લીલી ઝંડી આપી દીધી હતી.
ઇજીપ્તની ચાલ એવી હતી કે સિનાઇમાંથી ટેન્ક યુધ્ધ થાય અને હવાઇ દળ કવર પૂરું પાડીને હવાઇ હુમલા શરુ કરે એટલે ઇઝરાઇલ ભેખડે ભરાઇ જશે. દુશ્મન વધુ કાંઇ વિચારે એ પહેલાં જ સવારે ૮.૨૫ કલાકે ઇઝરાઇલના મિરાજ-૩ વિમાનો ઉડયાં… પાંચ ટુકડી ઉડી અને એ તમામમાં પાંચ મિરાજમાં સમય પણ એવો ગોઠવાયો કે નાઇટ ડયુટી પૂરી થાય ત્યારે રડાર ઓપરેટરોથી માંડીને પાયલોટ સહિતના તમામ જવાનો ઘર જવા ઉતાવળા હોય.સ્ટાફ્ની અદલાબદલીના સમયમાં જે અવકાશનો સમય રહેતો હતો, તેનો ઉપયોગ કરીને ઇઝરાઇલે હવાઇ હુમલા કરવાનો વ્યુહ ગોઠવી દીધો હતો.
ઇજીપ્તનું સૈન્ય કશું સમજે એ પહેલાં જ ઇઝરાઇલી ફઇટરોએ કૈરો વેસ્ટ, બેની સુયેફ, કૈરો અલ્માઝા અને કાબ્રિત મળીને ઇજીપ્તના ૧૭ હવાઇમથકો ઉપર એવો હુમલો કર્યો કે ત્યાંથી હવાઇ હુમલો કરવાની તાકાત જ ન રહે. ઇજીપ્તના એરબેઝોના રન વે ઉપર ૫૦૦ કિલોગ્રામના બોમ્બ ફેંકીને એવા ગાબડાં પાડી દીધા કે ઇજીપ્તના વિમાનો ઉડી જ ન શકે. ઇજીપ્તને ખરો, ફ્ટકો તો તુપલોવ-૧૬ ફઇટરનો પડયો. ગંજાવર ફઇટર ૯૫૦૦ કિલોગ્રામના શસ્ત્રો લઇને ઉડી શકતું હોય, ત્યારે તેનો હુમલો ખાળવો કેટલો મુશ્કેલ થઇ પડે તેની કલ્પના જ કરવી રહી. ઇઝાઇરલે તેના હવાઇ હુમલામાં તુપલોવનો ઘડોલાડવો કરવામાં પણ બાકી રાખ્યું ન હતું.
ઇજીપ્તે ટેન્ક અને તોપ જેવો શસ્ત્ર સરંજામ સિનાઇમાં દિવસો પહેલાંથી ખડકી દીધો હતો. પરિણામે તેમની વચ્ચે થતી સાંકેતિક વાતોનો કોડ ઇઝરાઇલના જનરલ યારિવના કોડબ્રેકરોએ ઉકેલી નાંખ્યો અને તે દ્વારા ઇજીપ્તનો વ્યુહ જાણવા ઉપરાંત ઇઝરાઇલના ટેન્કકમાન્ડરોએ દુશ્મનોના વાયરલેસનો ઉપયોગ કરીને તેમની જ સાંકેતિક ભાષામાં ખોટેખોટા આદેશ આપવા માંડયા હતા. પરિણામે ઇજીપ્તની વ્યુહરચના બદલાતી રહી. એ પછી ઇઝરાઇલે હુમલો શરુ કર્યો. જનરલ અબ્દુલ મોર્તાગીને ઇઝરાઇલની કમાલની જાણ ન હતી. મોર્તાગીના ટેક્નયુધ્ધમાં વિમાનોનો સથવારો ન મળ્યો, ત્યારે સિનાઇમાં ઇજીપ્તની સેનામાં ગભરાટ મચી ગયો. એ સમયે ઉત્તર ગાઝા પટ્ટી વિસ્તારમાં ઇજીપ્તનું એક મિગ વિમાન દેખાયું, પણ તે બોમ્બમારો કરે એ પહેલાં જ તેના પાયલોટને સંદેશો મળ્યો, બોમ્બમારો કરવાનો નથી. બેઝ ઉપર પાછા ફ્રો. મિગના પાયલોટે કેમ એવો પ્રશ્ન પૂછવા સાથે સંદેશો મોકલનારની ઓળખ મેળવી તાલ મેળવી લીધો કે ખરેખર ઇજીપ્ત સેનાનો જ એ સંદેશો હતો. વાસ્તવમાં ઇઝરાઇલે ગુપ્તચર તાકાતથી મેળવેલી બાતમીનો ઉપયોગ કરીને ઇજીપ્તના મિગને હુમલો કર્યા વિના જ પાછું વાળી દીધું હતું. એ પછીનું કામ ઇજીપ્ત સૈન્યનો પુરવઠો ખોરવવાનું હતું. ઇઝરાઇલે એ કામ કરી દેખાડયું ત્યારે ઇજીપ્તના સૈન્યમાં ફ્ફ્ડાટ મચી ગયો.
ઇજીપ્તના સૈન્યે પીછહઠ શરુ કરી. સુએઝની નહેર સુધી જવા માટે આખા કાફ્લાએ ૨૦૦ કિલોમીટરનું અંતર કાપવાનું હતું. ઇઝરાઇલે ટેન્કો અને ટ્રકોને ફૂંકી મારી હતી, તેથી પોતાના સરંજામ સાથે સૈનિકોએ પગપાળા જ રણ પાર કરવાનું હતું. પુરવઠો ખોરવાઇ ગયો હતો, તેથી ભુખ અને તરસ પણ પરેશાન કરતી હતી. ઇજીપ્તે ઇઝરાઇલના અસ્તિત્વને નાબૂદ કરવાનું સપનું જોયું હતું, તે રણમાં તેના જ ભારે નુકશાનથી વિખેરાઇ ગયું અને તેનું સૈન્ય ઇઝરાઇલના દિમાગ સામે હારી ગયું હતું, જે આજે સિક્સ ડે વોર તરીકે જાણીતું છે.
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સિક્સ ડે વોરઃ ઇઝરાઇલના અસ્તિત્વની લડાઇ appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/six-day-war-israels/
via Best Gujarati News
0 Comments