હું તો બસ માટીનો માણસ છું
હાસ્યાસવ :- કનુ આચાર્ય
હું કરું હું કરું એજ અજ્ઞાનતા
શક્ટનો ભાર જેમ શ્વાન તાણે…
નરસિંહનું આ પદ મૌખિક પરીક્ષામાં પાસ થવા માટે મેં શાળામાં ગોખી નાખેલું. એટલે ઘણીવાર હું મારા કર્તાપદનો સ્વેચ્છાએ ત્યાગ કરી કર્મને જ કર્તા બનાવી દઈને મને ગૌણ બનાવવા જેટલો નમ્ર બની જતો.
(ક્યાં કર્તાપદ વાપરવું ને કયાં હળવેથી કર્મને કર્તાપદ ઓઢાડીને ખસી જવું તે ઈલાજ હું જ જાણતો હતો, એવો મારો ભ્રમ હતો. જે મારી પત્નીએ જ તોડયો…બોલો!)
હવે એકવાર એવું બન્યું કે મારા હાથમાંથી ટેબલ ઉપર પડી રહેતી જૂના મોડેલની એક ઘડિયાળ પડી ગઈ ત્યારે મેં વ્યથિત હૈયે મારી પત્નીને આ સમાચાર હળવેકથી આપ્યા કે- ‘ઘડિયાળ તૂટી ગઈ.’ મેં ઘડિયાળ તોડી એમ કહું તો ‘મેં’ કર્તા બને. પણ અહીં કર્તા કોણ? ઘડિયાળ પોતે પડે ને હું ન્યારો નીકળી ગયો. પણ મારી પત્ની તો આ સાંભળીને ખાર-ખાર થઈ ગઈ. કહે, તમને બોલતાં નથી આવડતું. પતિને બોલતાં નથી આવડતું, એવું ઘણી ભોળી સ્ત્રીઓ જીવનભર માન્યા કરે છે ને ડાહ્યા પુરુષો એ ભ્રમને કાયમ ચલાવ્યા કરે છે. કારણકે ઘણીવાર એ ઢાલ બની જાય છે. ને એમાંની ઘણી પત્નીઓ તો હોંશે હોંશે પોતાની બહેનપણી સુધી એ બુલેટિન પ્રસારિત કરે છે- ‘અમારા ઈવડા ઈ સાવ ભોળા. બોલતાં જ ના આવડે ને?’
પણ, મને બોલતાં નથી આવડતું એ વાક્ય આજે લાડમાં નહીં; ગુસ્સામાં બોલાયું હતું. ને એ સાંભળીને આજે બેસી રહેવું તે મને પાલવે તેમ ન હું. કારણકે એ ઘડિયાળ એને બહુ પ્રિય હતું. રક્ષાબંધનના દિવસે એના ભાઈએ એને આપ્યું હતું. એટલે મારે આજે ઘડિયાળ મેં તોડી છે એ કર્તાપદનો ત્યાગ કરી, ઘડિયાળ સ્વયં તૂટી છે એમ કહી કર્મને માથે ભાર દઈને એ સાબિત કરવાનું હતું.
તે વ્યંગમાં બોલી, જુઓ ઘડિયાળ ટેબલ ઉપરથી ઉછળી જાતે જ તૂટી ગઈ એમ કહેવા માંગો છો ને તમે?’
હવે સ્તબ્ધ થવાનો વારો મારો હતો. થોડા દિવસ પહેલાં શાક દાઝી ગયું ત્યારે મેં તેને કહેલું, શાક દાઝી ગયું છે, એમ ના કહેવાય. આમાં કર્તા તું છે. કારણકે તારી બેદરકારીથી શાક દાઝયું છે. તેણે આ બરાબર યાદ રાખીને ઢેખાળાનો જવાબ મને ઈંટથી આપ્યો હતો. મને પહેલીવાર એના ‘આઈક્યુ’ ઉપર માન ઉપજ્યું.
સંયુક્ત પરિવારમાં રસોઈ સારી બને તો બધા એનું કર્તાપદ શોભાવવા આગળ આવે. ‘રસોઈ મેં કરી…’ પણ શાક બગડે તો- ‘મેં શાક બગાડયું છે’ એમ કોઈ ના કહે. ‘શાક બગડયું’ એમ કહે. આમાં કર્તા ય શાક ને કર્મ પણ શાક. ચા ઊભરાઈ ગઈ, દૂધ ઢળી ગયું, આ બધા પદાર્થોમાં આપોઆપ ક્રિયા બને. એટલે કે ચા જાતે ઊભરાય, દૂધ જાતે ઢળે. આમાં કર્તાનો ભાર કર્મને પીઠ ઉપર ઉપાડવો પડતો હોય છે. એટલે ઘણીવાર કર્મની પીઠ વાંકી વળી જાય છે.
જોકે, હું દસેક કામ કરું તેમાં એકાદમાં કર્તા પદનો સ્વીકાર પણ કરું છું. પણ મારી પત્ની પેલા નવ કામને ભંજવાડ માને છે. ને મોટેભાગે મને કામ ચીંધવાનું બંધ કરેલ છે. ગીતા કહે છે કે- ‘કર્તૃત્વના અભિમાન વગર કર્મ કરે છે તેને અકર્મ કહે છે.’ ભગવાન કૃષ્ણ કહે છે કે ‘તું કર્મ કર કર્મ ફળની આશા ના રાખ.’ ફળની આશા રાખતી મારી પત્નીએ મારી પાસે કામ કરાવવાનું બંધ કરેલ છે. ને આમ નિષ્કામ કર્મની સાધના કરવાની મારી પ્રવૃત્તિ બંધ થતાં, અધ્યાત્મની દુનિયામાં એક નિષ્કામ કર્મયોગીની ખોટ પડી છે; પરંતુ આપણે શું કરી શકીએ, ધાર્યું ધણીનું થાય છે!! (સોરી, ઘણિયાણીનું!)
કર્મફળની આશા ન રાખવાનો મંત્ર મારા ઘણા મિત્રોએ જીવનમાં ઉતાર્યો છે. ખાસ કરીને મારા સરકારી કર્મચારી મિત્રો!! (જો કે પગાર નિયમિત મળતો હોવાને કારણે તેઓ નિષ્કામ રહી શકે છે.) ઘણા કામોનાં પરિણામ સ્વયં એવાં આવે છે કે – જેનો યશ ભગવાનને માથે મૂકીને આપણે હળવા ફૂલ બની શકીએ!
પત્નીના ના કહેવા છતાં એકવાર મેં સફાઈકામ શરૂ કર્યું. તેનો યશ સાવરણીને આપવાને બદલે મેં જાતે જ લીધેલો. (સાવરણી સારી નથી માટે સફાઈ સારી થતી નથી, તેવું હું અગાઉ ઘણીવાર જાહેર કરી ચૂકેલો) તમને થશે કે ક્યારેક ક્યારેક હું કર્તા કેમ બની જાઉં છું? ત્યારે ગીતાજી મારા સમર્થનમાં આવીને ઊભા રહે છે. ગીતા કહે છે કે- જોવું, સાંભળવું, સમજવું, સ્મરવું આદિ સઘળી ક્રિયાઓ કરનાર પ્રકૃતિસ્થ પુરુષને કર્તા કહે છે. આમ હું ક્યારેક-કયારેક કર્તા બની જાઉં છું. જો આમ ના થાય ને નિષ્કામ કર્મ જ કર્યા કરીએ તો ડર છે કે- ભગવાન બની જવાય. ને પછી ભગવાનનું યુગે યુગે અવતાર લેવાનું જે પ્લાનિંગ છે, તેનું શું? ગીતામાં ભગવાને કહેલી વાત ખોટી ના ઠરે એવો મારો સંકલ્પ છે.
ક્યારેક કર્તા બની જાઉં છું. ક્યારેક કર્મને કર્તા બનાવી દઈને ખસી જાઉં છું. કારણકે આપણે કાંઈ ફરિશ્તા નથી કે બધાં સારાં કામ કરીએ ને શયતાન પણ નથી કે બસ બૂરાં કામ કર્યા કરીએ. એટલે તો કહ્યું છે કે
‘ફરિશ્તે સે બહેતર હૈ ઈન્સાન બનના;
મગર ઉસ મેં મહેનત લગતી હૈ ઝ્યાદા.’
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હું તો બસ માટીનો માણસ છું appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/i-a-boss-clay-man-am-i/
via Best Gujarati News
0 Comments