આરોગ્ય :- વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

આયુર્વેદના અને ધર્મના પ્રાચીન ગ્રંથોમાં જણાવ્યું છે કે, શરીરને ટકાવી રાખવા માટે ત્રણ ખાસ બાબતોની આવશ્યક્તા રહે છે. ઉચિત અને પૌષ્ટિક આહાર, યુક્તિપૂર્વકનું બ્રહ્મચર્ય અને ઉચિત નિદ્રા. આમાંથી આપણને જો ઉચિત રીતે માત્ર નિદ્રા ન આવે તો પણ અનેક પ્રકારની શારીરિક અને માનસિક તકલીફો ઉત્પન્ન થાય છે.

ઊંઘ ન આવવાના અનેક કારણો હોય છે જેમાં ઊંઘવાના સમયે ન ઊંઘવું, ચિંતા, શોકયુક્ત વાતાવરણ, વાયુપિત્તના રોગો, શરદી, સળેખમ, શ્વાસ, ક્ષય, અતિસાર, ઊલટી, શૂળ-પીડા, હેડકી, તૃષા, કેટલાકને માનસિક ગૂંચવણોને લીધે ઊંઘ આવતી નથી. ઘણીવાર વિભિન્ન ઔષધોના પરિણામે પણ ઊંઘ આવતી નથી. શારીરિક અને માનસિક પરિશ્રમના અભાવે પણ અનિદ્રા ઉત્પન્ન થાય છે.

જો અનિદ્રાની તકલીફ વધારે દિવસો સુધી ચાલે તો અનેક પ્રકારના ઉપદ્રવો ઉત્પન્ન થાય છે. જેવા કે ચક્કર આવવા, બેચેની, થાક, ર્સ્ફૂિતનો અભાવ, શિરઃશૂળ, આંખોમાં બળતરા, વાયુ તથા પિત્તના રોગો થવા, પાચનતંત્ર તથા નર્વસતંત્રની ગરબડ વગેરે.

સામાન્ય ઉપચાર 

શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ટકાવી રાખતી ઊંઘ જ્યારે વેરણ બને, ત્યારે તેને મનાવવા માટે નીમ્ન ઉપાયો પ્રયોજવા. માથા પર ઠંડા તેલનું માલિશ, ઉબટન લગાડીને શરીરને ગમે એવા ઠંડા પાણીનું સ્નાન, ગાયના ઘીથી અથવા કોપરેલ તેલમાં પાણી મેળવીને પગના તળીયા પર માલિશ, શરીરને હળવા હાથે દબાવવું, ખુલ્લી હવામાં સુખદાયી પથારીમાં સૂવું તથા મનપસંદ સુગંધિત ફૂલોને સૂંઘવા અથવા સુગંધિત વાતાવરણમાં સૂવું, મધુર અને મનપસંદ કર્ણપ્રિય સંગીત સાંભળવું તથા આહારમાં ગાય કે ભેંસનું દૂધ, ભાત, ઘઉંના પદાર્થો, સાકરથી બનાવેલ મીઠાઈઓ, સુપાચ્ય શીતળ શરબત, નાળિયેરનું પાણી તથા આસવ, અરિષ્ટના ઉપયોગથી સારી ઊંઘ આવે છે.

માનસિક તકલીફોના લીધે અથવા તો માનસિક રોગોના લીધે જો ઊંઘ ન આવતી હોય તો શંખપુષ્પી, આમળા, અશ્વગંધા, શતાવરી, બ્રાહ્મી અને સાકરનું સમભાગે ચૂર્ણ બનાવીને અડધાથી એક ચમચી જેટલું રોજ રાત્રે જમ્યા પછી લેવું.

બ્લડપ્રેશરને લીધે જો ઊંઘ ન આવતી હોય તો સર્પગંધા એક ગોળી રાત્રે સૂતી વખતે લેવી. જો કોઈ પેટ(પાચનની તકલીફ) દુખાવાને લીધે ઊંઘ આવતી ન હોય, તો ખુરાસાની અજમાનું ચૂર્ણ બેથી ત્રણ ચપટી જેટલું પાણી સાથે લેવાથી ફાયદો થાય છે.

માનસિક કે શારીરિક થાકને લીધે જ ઊંઘ ન આવતી હોય તો રાત્રે જમ્યાં પછી અડધા કપ જેટલા અશ્વગંધારિષ્ટમાં એટલો જ દ્રાક્ષાસવ મિશ્ર કરી, તેમાં આ બે ઔષધો જેટલું પાણી ઉમેરી ધીમે ધીમે ચાની જેમ પીવું. નિદ્રાપદ ઔષધોમાં અશ્વગંધાની ગણત્રી થયેલી જ છે. આમેય આસવ, અરિષ્ટના પ્રયોગો નિદ્રાપદ ગણાવાયા જ છે.

ઊંઘ ન આવવાના શારીરિક અને માનસિક અનેક કારણો હોઈ શકે. આમાંથી મૂળભૂત કારણો કયા છે? તે શોધીને દૂર કરવામાં આવે તે ઊંઘને મનાવવા જવું પડતું નથી. ઊંઘ ન આવવાના મૂળભૂત કારણો જાણ્યાં વગર માત્ર ટ્રાંક્વીલાઈઝર ઔષધોની ટીકડીઓ ખાધા કરવી તે અંતતોગત્વા હાનિકારક જ સાબિત થાય છે.

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઊંઘ ન આવવાનાં અનેક કારણો હોઇ શકે appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/sleep-free-for-many-reasons/
via Best Gujarati News

0 Comments