તક્ષશિલા અગ્નિકાંડઃ વિદ્યાર્થીઓને બચાવતા જ્યારે શ્વાસ રૂંધાયો ત્યારે જતીન હાર્યો અને કર્યું કંઇક એવું કે..!
તક્ષશિલા અગ્નિકાંડમાં એક તરફ જીવ બચાવવાની દોડાદોડી સાથે મદદના પોકાર વચ્ચે મોતની ચીસ સંભળાઇ હતી, જ્યારે બીજી તરફ કેટલાક લોકો માટે આ ઘટના શૂટ, શેર અને લાઇકનો મસાલો હતી, આ બે અંતિમો વચ્ચે આંગણીના વેઢે ગણી શકાય એવા નરબંકાઓ પણ જોવા મળ્યા કે જેઓ આગમાં ફસાયેલા યુવાઓને બચાવવા જીવ સટોસટનો જંગ ખેલી રહ્યા હતાં.
લસકાણાના જતીન નાકરાણીએ પોતાના સ્ટાફની સાથે ચોથા માળે ફસાયેલા વિદ્યાર્થીઓનો પણ જીવ બચાવ્યો હતો. પરંતુ આ દરમિયાન ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકેલી આગમાંથી બહાર નીકળવું અશક્ય લાગતા અન્ય વિદ્યાર્થીઓની જેમ તેણે પણ કૂદકો મારવો પડયો હતો. જેને પગલે માથામાં ગંભીર ઇજાઓ થતાં શહેરની મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મૂળ અમરેલી, સાવરકુંડલના બાઢડા ગામનો વતની જતીન ભરત નાકરાણી (ઉં.વ. ૨૪) પરિવાર સાથે લસકાણા ખાતેના બજરંગ રો હાઉસમાં રહે છે. જતીન તક્ષશિલા આર્કેડના બીજા માળે ક્રિએટર ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ડિઝાઈન નામની સંસ્થા ચલાવે છે. તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલા અગ્નિકાંડના સમયે જતીન સ્ટાફ મેમ્બર સાથે ઓફિસમાં જ હતો. શોર્ટસર્કિટ બાદ સામાન્ય તણખામાંથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાની વાત જતીનના કાને આવતા તેણે સૌપ્રથમ પોતાના સ્ટાફની સલામતીની કાળજી લીધી હતી.
તક્ષશિલા આર્કેડના દાદર તરફના ભાગ સુધી આગની જ્વાળા પ્રસરી જતા જતીને ઓફિસની ઇમરજન્સી વિન્ડોમાંથી સ્ટાફ મેમ્બર અને અલોવા ક્લાસિસના ત્રણ વિદ્યાર્થીઓને લોકોની મદદથી બહાર કાઢયા હતા. ઉપરના માળે બનાવાયેલા ડોમમાં ચાલતા ક્લાસિસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયા હોવાની જાણ થતાં જતીન લોબીમાં પડેલું ફાયર ઇસ્ટિંગ્યુશર લઈ દાદરમાં ભભૂકેલી આગ કંટ્રોલ કરતો ઉપરના માળે પહોંચ્યો હતો.
ધુમાડાઓના ગોટેગોટા વચ્ચે ગૂંગળામણ અનુભવતા વિદ્યાર્થીઓને રાહત અપાવવા તેણે બારીઓના કાચ તોડી કાઢયા હતા. પરંતુ આગ બેકાબૂ બની હોય જે બારીઓના કાચ તોડાયા હતા, તેમાંથી બહાર કૂદવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં દેખાતા એક પછી એક ૧૫થી વધુ વિદ્યાર્થીએ નીચે ઝંપલાવ્યંું હતું. જેમાંથી પાંચેક કમભાગી કાળનો કોળિયો બન્યા હતા.
આ વિદ્યાર્થીઓની સાથે જતીને પણ નીચે કૂદકો માર્યો હતો. જેમાં તેને માથા, હાથ અને પાંસળીઓમાં ગંભીર ઇજાઓ થઈ હતી. હાલ, જતીન મહાવીર હોસ્પિટલના બિછાને વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. બે બહેનોનો એકનો એક ભાઈ જતીન વહેલી તકે સાજો થઈ જાય એવી પ્રાર્થના મિત્રવર્તુળ કરી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post તક્ષશિલા અગ્નિકાંડઃ વિદ્યાર્થીઓને બચાવતા જ્યારે શ્વાસ રૂંધાયો ત્યારે જતીન હાર્યો અને કર્યું કંઇક એવું કે..! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/takshashila-ignition-when-you-stop-breathing-when-you-stop-breathing-you-will-lose-your-life/
via Best Gujarati News
0 Comments