વિરાટ કોહલી સતત સારા પ્રદર્શનથી મહાન ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ચુક્યો છે, પરંતુ ઇંગ્લેન્ડમાં આવી રહેલો વર્લ્ડ કપ તેના માટે કેપ્ટન તરીકે એક છાપ છોડવાની તક છે. ઑસ્ટ્રેલિયાઈ જમીન પર ટેસ્ટ સીરીઝ જીતનારો પહેલો ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એવી ટીમની આગેવાની કરશે જેની પોતાની કેટલીક સમસ્યાઓ છે, પરંતુ આ ટીમ મેચનું પાસું પલટી દેવા માટે પણ સમર્થ છે.

ભારતીય ટીમ માટે મોટા પ્રશ્નો

ભારતીય ટીમ માટે સૌથી મોટા પ્રશ્ન છે કે ચોથા નંબર પર કોણ બેટિંગ કરશે? ત્રીજો ફાસ્ટ બૉલર કે વધારાનો ઑલરાઉન્ડર? કુલદીપ કે પછી ચહલ કે બંને? વિશ્વ કપમાં કોહલીની આવડત ખેલાડી કરતા કેપ્ટન તરીકે વધારે જોવામાં આવશે. જો આ ભારતીય ટીમ વિશ્વ કપ જીતે છે તો વિરાટ કોહલીની કેપ્ટનશિપ કરવાની પ્રતિભા પર શંકા કરવાનું બંધ થઈ જશે.

કોહલી આ ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી મહત્વનો હશે. આ વર્લ્ડ કપમાં વિરાટ કોહલી 11 હજાર રન પુરા કરી શકે છે તો પોતાની 41 સદીઓમાં કેટલીક વધારે સદીઓ પણ ઉમેરી શકે છે. ઇંગ્લેન્ડમાં પિચો સપાટ હશે. રોહિત શર્મા અને ધવન પાસેથી સારી બેટિંગની આશા રાખવામાં આવી રહી છે. બની શકે છે કે આ વિશ્વ કપમાં રોહિત શર્મા પોતાની ચોથી બેવડી સદી પણ ફટકારી દે. તો શિખર ધવનની ખાસ વાત એ છે કે તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયર બાદ આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં ક્યારેય ખરાબ પ્રદર્શન નથી કર્યું.

અહીં છે ભારતને મુશ્કેલી

ભારત માટે મુશ્કેલીઓ અહીંથી શરૂ થાય છે અને ટીમ આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહી છે, અને આ પ્રશ્ન છે ચોથા નંબરનું સ્થાન. અંબાતિ રાયડૂ આ સ્થાનની રેસમાંથી બહાર થયા બાદ અને ઋષભ પંતને ટીમમાં સામેલ ના કરાયા બાદ ચોથા ક્રમે કોણ બેટિંગ કરશે તે ચર્ચામાં છે. ઋષભની જગ્યાએ દિનેશ કાર્તિકને મહત્વ આપવામાં આવ્યું. જો કે ચોથા સ્થાન પર કેએલ રાહુલ અથવા વિજય શંકર રમશે તેવું અનુમાન છે.

મધ્યમક્રમમાં શું છે ખાસ?

મહેન્દ્ર સિંહ ધોનીનો લગભગ આ છેલ્લો વિશ્વ કપ છે. ધોની 35થી 50 ઑવરમાં ઝડપથી રન બનાવી શકે છે અને દરેક ટીમોની તેના પર નજર હશે. તો છઠ્ઠા નંબરે કેદાર જાધવ હશે. જો કે આઈપીએલમાં કેદાર જાધવનું ફૉર્મ સારું નહોતુ રહ્યું અને તે હમણાં જ ઇજામાંથી બહાર આવ્યો છે.

સ્પિન બૉલિંગ અને પંડ્યા પર નજર

હાર્દિક પંડ્યા ટૂર્નામેન્ટમાં સાતમાં નંબરે રમશે તેવી આશા છે અને આઈપીએલમાં તેના ધમાકેદાર ફૉર્મને પણ જાળવશે તો ભારત માટે તે ‘હુકમનો એક્કો’ સાબિત થઈ શકે છે. ભારતીય પસંદગીકારોએ છેલ્લા બે વર્ષોમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ પર ખાસ ધ્યાન આપ્યું છે અને તેમણે સારું પ્રદર્શન પણ કર્યું છે. આઈપીએલમાં કુલદીપનું ફૉર્મ સારું રહ્યું નહોતુ અને તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. વિશ્વ કપની ભારતીય ટીમમાં સામેલ ખેલાડીઓમાંથી કુલદીપ એકમાત્ર ખેલાડી છે જેને આઈપીએલમાં બહાર કરાયો હતો. તો રવિન્દ્ર જાડેજા પણ બૉલિંગ, બેટિંગ અને ફીલ્ડિંગમાં માહેર છે અને જરૂરી સમયે ટીમને વિકેટ અપાવી શકે છે.

ઝડપી બૉલિંગમાં ભારતની પકડ મજબૂત

ઝડપી બૉલિંગમાં ભારત પાસે જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મહોમ્મદ શમીની ત્રિપુટી છે. છેલ્લા કેટલાક સમયથી આ ત્રણેયે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભુવનેશ્વર બૉલને સ્વિંગ કરાવવામાં માહેર છે, તો મોહમ્મદ શમી પણ ઘાતક બૉલિંગ કરીને વિકેટ અપાવી જાણે છએ. જ્યારે બુમરાહને અત્યારનાં સમયનો શ્રેષ્ઠ બૉલર કહેવામાં આવે છે અને તે શાનદાર યૉર્કર અને મિશ્રિત બૉલ ફેંકીને વિકેટો લેવામાં પાવરધો છે. દરેક ટીમે સેમિફાઇનલમાં પહોંચવા માટે 9 મેચોમાંથી 6 મેચો જીતવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપ: કોહલી સામે છે આ ‘વિરાટ’ પ્રશ્નો, જાણો કેટલી મજબૂત છે ભારતીય ટીમ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/know-about-indian-cricket-team-for-world-cup-2019/
via Best Gujarati News

0 Comments