। નવી દિલ્હી ।

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેનું મહિમામંડન કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિતના ૩ ભાજપી નેતાઓ સામે લાલ આંખ કરી છે. શુક્રવારે અમિત શાહે શ્રેણીબદ્ધ ટ્વિટમાં જણાવ્યું હતું કે, નથુરામ ગોડસે અંગે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, અનંતકુમાર હેગડે અને નલિન કાટીલ દ્વારા અપાયેલાં નિવેદનો ભાજપની વિચારધારા સાથે બેસતા નથી. ત્રણે નેતાઓને શો કોઝ નોટિસ પાઠવી ૧૦ દિવસમાં જવાબ આપવા જણાવવામાં આવ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, ત્રણે નેતાઓ સામે શિસ્ત સમિતિ દ્વારા ૧૦ દિવસમાં પાર્ટીને રિપોર્ટ સોંપવામાં આવશે.

હિન્દીમાં કરેલા  ટ્વિટમાં અમિત શાહે જણાવ્યું હતું કે પ્રજ્ઞા ઠાકુર, અનંતકુમાર હેગડે અને નલિન કાટીલ દ્વારા કરાયેલી ટિપ્પણીઓ તેમની અંગત માન્યતા છે. તેમની ટિપ્પણીઓ સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી. ત્રણે નેતાઓએ તેમની ટિપ્પણીઓ પાછી ખેંચીને માફી પણ માગી લીધી છે પરંતુ પાર્ટીએ તેમના નિવેદનોને ગંભીરતાથી લીધાં છે અને તેમને શિસ્ત સમિતિ સમક્ષ મોકલી આપવાનો નિર્ણય લેવાયો છે. ભાજપના ગૌરવ અને વિચારધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

શું હતો આ નેતાઓનો વાણીવિલાસ

પ્રજ્ઞા ઠાકુર

નથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે.. ગોડસેને આતંકવાદી કહેનારા લોકોએ પોતાનો માંહ્યલો ચકાસવો જોઈએ. આ પ્રકારના લોકોને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવો જોઈએ.

નલિન કાટીલ

ગોડસેએ એકની હત્યા કરી, કસાબે ૭૨ની હત્યા કરી અને રાજીવ ગાંધીએ ૧૭,૦૦૦ની હત્યા કરી, તમે જ નક્કી કરો કે સૌથી ક્રૂર કોણ?

પ્રજ્ઞાએ માફી માગી, અનંત અને નલિને ટ્વિટર એકાઉન્ટ હેક થયા હતા!

ભારે વિવાદ સર્જાયાં પછી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે માફી માગી લીધી હતી. સાધ્વીએ જણાવ્યું હતું કે, હું નથુરામ ગોડસે અંગેના મારા નિવેદન માટે દેશની જનતાની માફી માગું છું. બીજીતરફ અનંતકુમાર હેગડે અને નલિન કાટીલે તેમના ટ્વિટર એકાઉન્ટ હેક થયાની દલીલ કરી હતી.

અનંતકુમાર હેગડે

મને ખુશી છે કે ૭ દાયકા પછી આજની પેઢી નવા વાતાવરણમાં ચર્ચા કરી રહી છે અને અગાઉ વખોડી કઢાયેલાઓ માટે સારી તકો છે. ચર્ચાના કારણે નથુરામ ગોડસેને ઘણી ખુશી મળી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પ્રજ્ઞા ઠાકુર, હેગડે અને કાટીલને ભાજપની નોટિસ, ૧૦ દિવસમાં જવાબ આપવા આદેશ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pragnya-thakur-hegde-et-k/
via Best Gujarati News

0 Comments