મમતાના નજીક ગણાતાં કોલકાતાના પૂર્વ કમિશનર પર સીબીઆઈએ ગાળિયો કસ્યો
લોકસભા ચૂંટણી પૂરી થવાની સાથે જ પશ્વિમ બંગાળમાં શારદા ચીટ ફંડ મામલે સીબીઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીક ગણાતાં અને કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમાર પર સીબીઆઈએ ગાળિયો કસ્યો છે. શારદા ચીટ ફંડ મામલે સીબીઆઈએ રાજીવ કુમારને કોલકાતા સીબીઆઈ ઓફિસમાં સોમવારે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે.
રવિવારે પહેલાં સીબીઆઈએ કોલકાતાના પૂર્વ કમિશનર રાજીવ કુમાર વિરુધ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરી હતી. બાદમાં રવિવારે રાત્રે 8 વાગ્યે સીબીઆઈના ઓફિસર રાજીવ કુમારની શોધ માટે તેમના ઘરે પહોંચ્યા હતા. જો કે તે સમયે રાજીવ કુમાર ઘરે હાજર ન હતા. જે બાદ સીબીઆઈએ કોલકાતાના પોલીસ કમિશનર અને ડેપ્યુટી પોલીસ કમિશનરના ઘરે પણ સર્ચ માટે ગઈ હતી. પણ ત્યાં પણ રાજીવ કુમારની જાણકારી મળી ન હતી.
સીબીઆઈનું કહેવું છે કે, તે રાજીવ કુમારને કસ્ટડીમાં લઈને પુછતાછ કરવા માગે છે. એનો મતલબ છે કે, જો સોમવારે રાજીવ કુમાર સીબીઆઈ સમક્ષ હાજર થાય છે તો, સીબીઆઈ તેમની ધરપકડ કરી શકે છે. હાલમાં જ લોકસભા ચૂંટણી માટે રાજીવ કુમારની બદલી દિલ્હી કરવામાં આવી હતી. આચાર સંહિતા સમાપ્ત થતાંની સાથે જ તેઓએ કોલકાતા પોલીસમાં પરત ડ્યુટી પર આવી ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજીવ કુમાર વચગાળાના જામીન માટે સોમવારે પશ્ચિમ બંગાળની કોર્ટમાં અરજી આપી શકે છે. જો કોર્ટ તેમને જામીન આપી દેશે, તો સીબીઆઈ તેમની ધરપકડ કરી શકતી નથી. રાજીવ કુમારને સુપ્રીમ કોર્ટ તરફથી 24મે સુધી ધરપકડથી સંરક્ષણ મળ્યું હતું. પણ હવે તેની અવધિ પુરી થઈ ચૂકી છે. સીબીઆઈએ રાજીવ કુમાર સામે લુક આઉટ નોટિસ જાહેર કરતાં તમામ જગ્યાઓએ એજન્સીઓ તેમની શોધખોળ કરી રહી છે.
રાજીવ કુમાર પર આ છે આરોપ
રાજીવ કુમાર પર શારદા ચીટ ફંડ અને રોજવેલી સ્કેમની તપાસ દરમિયાન પુરાવા સાથે છેડછાડનો આરોપ છે. શારદા ગોટાળાની તપાસમાં મમતા સરકારે 2013માં એસઆઈટીનું ગઠન કર્યું હતું. તેની આગેવાની રાજીવ કુમાર કરી રહ્યા હતા. બાદમાં આ મામલાને સીબીઆઈ પાસે મોકલી દેવામાં આવ્યો હતો. સીબીઆઈનો દાવો છે કે, કેસ ટ્રાન્સફર થયા બાદ રાજીવ કુમારે ઘણા પુરાવાઓને તેમને સોંપ્યા નથી અને ઘણાં પુરાવાઓને નષ્ટ કરી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મમતાના નજીક ગણાતાં કોલકાતાના પૂર્વ કમિશનર પર સીબીઆઈએ ગાળિયો કસ્યો appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/cbi-summons-ex-kolkata-police-commissioner-rajeev-kumar/
via Best Gujarati News
0 Comments