સાઉથ આફ્રિકા સામે ઇંગ્લેન્ડની છેલ્લા ચાર વર્ષની યોજનાઓની કસોટી થશે
લંડન :
યજમાન ઇંગ્લેન્ડની ટીમ ગુરુવારે જ્યારે ૨૦૧૯ના આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના પ્રારંભિક મુકાબલામાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે ત્યારે તેની છેલ્લા ચાર વર્ષથી તેણે કરેલી યોજનાઓની પણ આકરી કસોટી થશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ખાતે ૨૦૧૫માં રમાયેલા વર્લ્ડ કપના પ્રથમ તબક્કામાં જ બહાર થવાની બાબત ઇંગ્લેન્ડ માટે એટલું બધું શરમજનક રહ્યું હતું કે તેને સફેદ બોલ પ્રત્યેના તેના અભિગમ અંગે પુનઃવિચાર કરવાની ફરજ પાડી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડની સફર એટલી બધી શાનદાર રહી છે કે ઇયોન મોર્ગનની ટીમ વન-ડે ક્રિકેટમાં નંબર-૧ ક્રમાંકે પહોંચવા ઉપરાંત વન-ડેમાં નવા રેકોર્ડ સાથે છ વિકેટે ૪૮૧ રનનો તોતિંગ સ્કોર પણ નોંધાવ્યો હતો. સાઉથ આફ્રિકન ટીમે વર્લ્ડ કપના ઇતિહાસમાં હંમેશાં નિરાશાનો સામનો કર્યો છે પરંતુ ચાર વર્ષ પહેલાં સેમિફાઇનલમાં હાર્યા બાદ આફ્રિકન ટીમ આ વખતે વધારે સાવચેત કરીને મેદાનમાં ઉતરશે. કોચ ઓટિસ ગિબ્સનનું માનવું છે કે યજમાન ઇંગ્લેન્ડની ટીમ દબાણ હેઠળ રહેશે.
યજમાન ટીમ સામે તથા નંબર-૧ ગણાતી ટીમ સામે પ્રારંભિક મુકાબલો રમવો આફ્રિકન ટીમ માટે ફાયદાકારક બનશે. સુકાની ફાફ ડુ પ્લેસિસની આફ્રિકન ટીમમાં નિવૃત્તિ લઇ ચૂકેલો એબી ડીવિલિયર્સ નથી પરંતુ ક્વિન્ટન ડી કોકના સ્વરૂપે પ્રતિભાશાળી બેટ્સમેન હાજર છે. ઝડપી બોલર ડેલ સ્ટેઇન પ્રારંભિક મુકાબલામાં રમી શકશે નહીં પરંતુ કાગિસો રબાડા ફિટ થઇ ચૂક્યો હોવાથી આફ્રિકન ટીમને રાહત થઇ છે.
ઇંગ્લેન્ડ । વન-ડે રેન્કિંગમાં નં-૧
સુકાની : ઇયોન મોર્ગન
વર્લ્ડ કપમાં પ્રદર્શન
હજુ સુધી ચેમ્પિયન બની શક્યું નથી. ૧૯૭૯, ૧૯૮૭, ૧૯૯૨માં ફાઇનલ સુધી પહોંચ્યું હતું પરંતુ રનર્સ-અપથી સંતોષ માનવો પડયો હતો.
ઇંગ્લેન્ડનો મજબૂત પક્ષ
૧. બેટિંગ, બોલિંગમાં અત્યંત બેલેન્સવાળી ટીમ
૨. છેલ્લા ૩ વર્ષથી વન-ડેમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન
૩. ઘરઆંગણાની પરિસ્થિતિનો, સમર્થકોનો ફાયદો
૪. બેરિસ્ટો, રોય, મોર્ગન, બટલર જેવા મેચવિનર
૫. જોફ્રા આર્ચર, વોકિસ, પ્લન્કેટ, રશીદ ફોર્મમાં
બંને ટીમો આમનેસામને
વન-ડેમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી ૫૯ મેચો રમાઇ છે જેમાં ઇંગ્લેન્ડે ૨૬ તથા સાઉથ આફ્રિકાએ ૨૯ મેચ જીતી છે. એક મેચ ટાઇ રહી હતી અને ત્રણ મેચનું કોઇ પરિણામ આવ્યું નહોતું.
પિચ રિપોર્ટ । ઓવલ ગ્રાઉન્ડની પિચ પર શરૂઆતમાં પેસ બોલર્સને મદદ મળશે. ગરમી વધતા પિચ વધારે સપાટ બનશે. ડયૂક બોલ ઓછો સ્વિંગ થતો હોવાના કારણે બેટ્સમેનોને થોડીક રાહત રહેશે.
સાઉથ આફ્રિકા । વન-ડેમાં નં-૩
સુકાની : ફાફ ડુ પ્લેસિસ
વર્લ્ડ કપમાં પ્રદર્શન
હજુ સુધી ચેમ્પિયન બની શક્યું નથી. ૧૯૯૨, ૧૯૯૯, ૨૦૦૭ તથા ૨૦૧૫ની સેમિફાઇનલ સુધી પહોંચ્યું હતું.
દ. આફ્રિકાનો મજબૂત પક્ષ
૧. ડુ પ્લેસિસ, અમલા, ડી કોક જેવા બેટ્સમેન
૨. આર્ચર-રબાડાનું પેસ આક્રમણ ધારદાર
૩. ડયુમિની, મોરિસ મજબૂત મિડલ ઓર્ડર
૪. મિલર અને ડી કોક જેવા બેટ્સમેન મેચવિનર. ૫. તાહિર, શમ્સીના સ્વરૂપે સારા રિસ્ટ સ્પિનર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સાઉથ આફ્રિકા સામે ઇંગ્લેન્ડની છેલ્લા ચાર વર્ષની યોજનાઓની કસોટી થશે appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/south-africa-against-england/
via Best Gujarati News
0 Comments