સચિનના ભગવાને મહેન્દ્રસિંહ ધોનીને લઇને આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું?
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯ની પૂર્વસંધ્યાએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ભારતીય ટીમના સિનિયર ખેલાડી મહેન્દ્રસિંહ ધોની અંગે મોટું નિવેદન કર્યું છે અને તેની વાસ્તવિકતા જોઇએ તો તેનું આ નિવેદન માત્ર સુકાની વિરાટ કોહલી માટે જ નહીં પરંતુ ધોનીના બેટિંગ ઓર્ડર અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી વિવિધ અટકળો ઉપર પૂર્ણવિરામ પણ મુકી શકે છે.
ધોનીના બેટિંગ ક્રમાંક અંગે કેટલાકનું માનવું છે કે લોઅર ઓર્ડરમાં ધોની મેચફિનિશર બની શકે છે તો કેટલાકનું મંતવ્ય છે કે ધોનીએ ઉપલા ક્રમે બેટિંગ કરવી જોઇએ. જોકે ‘સંદેશ’ સાથે વિશેષ મુલાકાતમાં સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે ધોનીએ પાંચમા ક્રમે બેટિંગ કરવી જોઇએ પરંતુ વર્લ્ડ કપમાં ભારતનું કોમ્બિનેશન કયું છે તેનો મને ખ્યાલ નથી.
જો શિખર ધવન તથા રોહિત શર્મા ઓપનિંગ કરે અને સુકાની કોહલી ત્રીજા ક્રમે બેટિંગ કરે તો ચોથા ક્રમે કોઇ પણ બેટ્સમેન આવી શકે છે. ધોનીએ પાંચમા ક્રમે બેટિંગ કરવી જોઇએ અને આ ટીમ માટે ફાયદારૂપ બનશે તેમાં કોઇ શંકા નથી. સચિને જણાવ્યું હતું કે ધોની બાદ પાવર હિટર હાર્દિક પંડયાએ બેટિંગમાં આવવું જોઇએ. ધોની અને હાર્દિક ઇનિંગ્સના અંત ભાગમાં સ્ફોટક બેટિંગ કરી શકે છે અથવા તો રનચેઝ વખતે બંને ખેલાડી ભારતને વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે છે.
ધોનીનો અનુભવ વર્લ્ડ કપ દરમિયાન કોહલીને ઘણો ઉપયોગી સાબિત થઇ શકે છે. શિખર ધવન વર્તમાન ભારતીય ટીમમાં એકમાત્ર ડાબોડી બેટ્સમેન છે અને તેના ઓપનિંગના સ્થાન અંગે સચિને જણાવ્યું હતું કે લેફ્ટ અને રાઇટ કોમ્બિનેશનના કારણે હરીફ ટીમના બોલરને વારંવાર લાઇનલેન્થ બદલવી પડે છે અને સુકાનીને પણ વારે ઘડીએ ફિલ્ડિંગ બદલવી પડે છે.
મોટા ભાગની ટીમોમાં લેગ સ્પિનર વધારે હોવાથી ધવને ધીમે ધીમે ઇનિંગ્સને આગળ વધારીને લેગ સ્પિનર્સના સ્પેલ સુધી રાહ જોવી જોઇએ. ધવન સ્પિનર્સને વધારે સારી રીતે રમી શકે છે.
સચિને આ ટીમો ઉપર અટકળ કરી
વર્લ્ડ કપના ઇતિહાસમાં સર્વાધિક રનનો રેકોર્ડ ધરાવતા સચિને ૨૦૧૯ના વર્લ્ડ કપ માટે પોતાની ત્રણ સેમિફાઇનલ ટીમ અંગે સ્પષ્ટ ભવિષ્યવાણી કરી છે અને ચોથા સ્થાન માટે બે ટીમો પર અટકળ કરી છે. સચિનના અનુસાર ભારત, ઇંગ્લેન્ડ તથા ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ સુધીની સફર કરશે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનમાંથી કોઇ એક ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સચિનના ભગવાને મહેન્દ્રસિંહ ધોનીને લઇને આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું? appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/mahendra-singh-dhoni-will-strengthen-indias-batting-in-fifth-position-sachin/
via Best Gujarati News
0 Comments