ક્રિકેટના મહાકુંભની રણભૂમિમાં આજથી મહાસંગ્રામ, જાણો પહેલી મેચ કંઇ બે ટીમો વચ્ચે રમાશે
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯નો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે અને તેમાં ૧૦ ટીમો વચ્ચે ક્રિકેટનો તાજ પહેરવા માટે એકબીજા વચ્ચે જોરદાર હરીફાઈ થશે તેમાં કોઈ શંકા નથી. ટૂર્નામેન્ટમાં યજમાન ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રારંભિક મુકાબલો થશે પરંતુ બંને ટીમોમાંથી એક પણ ટીમ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની શકી નથી.
યજમાન ઇંગ્લેન્ડ ઘરઆંગણે રમી રહ્યું હોવા ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં હોવાના કારણે ટાઇટલ માટેની હોટફેવરિટ માનવામાં આવે છે. સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરના પુનરાગમનથી ઓસ્ટ્રેલિયન ટીમ મજબૂત બની છે. વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ તેના સિનિયર ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીને ટ્રોફી સ્વરૂપે વિદાયી ભેટ આપવા કમર કસી ચૂકી છે.
ફોર્મેટ બદલાઈ પરંતુ રોમાંચ નહીં
૨૦૧૯ના વર્લ્ડ કપમાં આઈસીસીએ ફોર્મેટમાં કેટલાક ફેરફાર કર્યા છે અને આ વખતે ટીમોને વિવિધ ગ્રૂપમાં વહેંચવામાં આવી નથી. આ વખતે પ્રત્યેક ટીમે બાકીની તમામ ટીમો સામે એક-એક મેચ રમવાની છે જેના કારણે તમામ ટીમને સેમિફાઇનલમાં પહોંચવાની સમાન તક રહેશે. રાઉન્ડ રોબિન લીગના અંતે ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં રમશે. એક ટીમ લીગ તબક્કામાં નવ મેચ રમશે. પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકે રહેલી તથા ચોથા ક્રમાંકે રહેલી ટીમ પ્રથમ સેમિફાઇનલમાં તથા બીજા અને ત્રીજા ક્રમાંકની ટીમ બીજી સેમિફાઇનલમાં રમશે.
ટાઇટલ માટેની પ્રબળ દાવેદાર ટીમો
જો ટાઇટલની પ્રબળ દાવેદાર ટીમોની વાત કરીએ તો યજમાન દેશ ઇંગ્લેન્ડ ઉપરાંત ભારતનું નામ સૌથી ઉપર છે. આ બંને ટીમો હાલમાં શાનદાર ફોર્મમાં છે પરંતુ ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૯માં જે રીતે ફોર્મ દાખવ્યું છે તે જોતાં તેને પણ ફેવરિટમાં સ્થાન અપાયું છે.
વેસ્ટ ઇન્ડિઝ તથા બાંગ્લાદેશની ટીમ છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં છૂપા રૂસ્તમ તરીકે વર્લ્ડ કપમાં આવે છે પરંતુ આ વખતે તેમની સાથે અફઘાનિસ્તાનનું નામ પણ જોડાયું છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચવાના તમામ પ્રયાસ કરશે. સાઉથ આફ્રિકા ચોકર્સના ટેગને ભૂંસવાનો પ્રયાસ કરશે.
દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્રથમ મેચ
ઓસ્ટ્રેલિયા પોતાનું ટાઇટલ બચાવવાનો પ્રયાસ કરશે તો યજમાન ઇંગ્લેન્ડ પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવાનો લક્ષ્યાંક રાખશે. ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાના સ્વપ્ન સાથે ઇંગ્લેન્ડ પહોંચી છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાંચમી જૂને સાઉથમ્પ્ટન ખાતે સાઉથ આફ્રિકા સામે રમશે. ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા પણ પોતાનો પ્રથમ વર્લ્ડ કપ જીતવાની આશા રાખશે.
૧૧ મેદાન પર રમાશે મુકાબલા
ટૂર્નામેન્ટની તમામ મેચ કુલ ૧૧ મેદાન પર રમાશે. તેમાં બ્રિસ્ટોલનું કાઉન્ટી ગ્રાઉન્ડ, લંડનનું લોર્ડ્ઝ, નોટિંગહામનું ટ્રેન્ટ બ્રિજ, માન્ચેસ્ટરનું ઓલ્ડ ટ્રેફર્ડ, ટોનટન કાઉન્ટી ગ્રાઉન્ડ, લંડનનું ધ ઓવલ, ચેસ્ટર લી સ્ટ્રીટનું રિવર સાઇડ ગ્રાઉન્ડ, લીડ્સનું હેડિંગ્લે, બર્મિગહામનું એજબેસ્ટન, સાઉથમ્પ્ટનનું રોઝ બાઉલ, ર્કાિડફનું સોફિયા ગાર્ડન વિવિધ મેચોની યજમાની કરશે. લીગ તબક્કો છ જુલાઈએ પૂરો થશે. નવમી જુલાઈએ પ્રથમ સેમિફાઇનલ માન્ચેસ્ટર ખાતે તથા ૧૧મી જુલાઈએ બર્મિગહામ ખતે બીજી સેમિફાઇનલ રમાશે. ૧૪મી જુલાઈએ ઐતિહાસિક લોર્ડ્ઝ ખાતે ફાઇનલ મુકાબલો રમાશે.
૧ બોલ બદલશે ટીમની હારજીતનું પરિણામ
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં વિશેષ બાદ એ છે કે આ વખતે કેટલાક નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે જેનો પ્રથમ વખત અમલ કરાશે. આ નિયમો અગાઉ કરતાં આ વખતના વર્લ્ડ કપને ઘણી રીતે અલગ પાડશે. જોકે નિયમો અગાઉથી તૈયાર કરી દેવામાં આવ્યા છે પરંતુ વર્લ્ડ કપમાં પ્રથમ વખત અમલમાં મુકાશે. કેટલાક નિયમ મેચનું પાસું પણ પલટી શકે છે.
અમ્પાયર પ્લેયરને સસ્પેન્ડ કરી શકશે
ખેલાડીઓ મેદાનમાં ખોટ વ્યવહાર કરશે તો નવા નિયમ મુજબ અમ્પાયર તેને પૂરી મેચ માટે સસ્પેન્ડ કરી શકશે. અમ્પાયરને એવું લાગશે કે કોઇ ખેલાડી મેચ દરમિયાન હરીફ ખેલાડી સાથે જાણીજોઇને લડે છે અથવા બોલાચાલી કરે છે તો તે પૂરી મેચ માટે સસ્પેન્ડ કરી શકશે. આ નિયમ ૨૦૧૭માં અમલમાં મુકાયો હતો પરંતુ પ્રથમ વખત વર્લ્ડ કપમાં અમલ કરાશે.
ક્રિઝમાં બેટ હવામાં હશે તો પણ નોટઆઉટ
જો કોઇ ખેલાડી રન લેશે અને તેનું બેટ ક્રિઝની અંદર આવી જાય પરંતુ હવામાં હોય અને બોલ સ્ટમ્પને વાગે તો આ સ્થિતિમાં બેટ્સમેનને નોટઆઉટ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી બેટ હવામાં હોય તો ખેલાડીને રનઆઉટ જાહેર કરવામાં આવતો હતો અને બેટ ક્રિઝની અંદર જમીન સાથે અડકેલું હોવું જરૂરી હતું.
ડીઆરએસ રિવ્યૂ બેકાર જશે નહીં
કોઇ ટીમ અમ્પાયર્સ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)નો ઉપયોગ કરે અને અમ્પાયર્સ કોલના આધારે અમ્પાયરનો નિર્ણય યથાવત્ રહે તો ટીમ દ્વારા લેવામાં આવતો રિવ્યૂ બેકાર જશે નહીં.
હેન્ડલ ધ બોલ નોટઆઉટ : સ્ટમ્પ તરફ જતા બોલને હવે બેટ્સમેન હાથથી રોકી શકશે. અગાઉ બેટ્સમેનને હેન્ડલ ધ બોલ નિયમ મુજબ આઉટ અપાતા હતા.
વર્લ્ડ કપ આઇપીએલનું રીમિક્સ વર્ઝન, ૫૨ ખેલાડી વિવિધ ટીમમાંથી રમશે
ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ડ વર્લ્ડ કપનો ગુરુવારથી પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્લ્ડ કપને જો આઇપીએલ ૨૦૧૯નું રીમિક્સ વર્ઝન કહેવામાં આવે તો કશું ખોટું નથી. હકીકતમાં વર્લ્ડ કપમાં ભાગ લેનારી ૧૦ ટીમોના ૧૫૦ ખેલાડીઓમાંથી ૫૨ ખેલાડીઓ એવા છે જેમણે ચાલુ વર્ષની આઇપીએલમાં ઓછામાં ઓછી એક મેચ તો રમી જ છે. આનો મતલબ વર્લ્ડ કપ ટીમનો હિસ્સો બનેલા પ્રત્યેક ત્રણ ખેલાડીએ એક ખેલાડી ૨૦૧૯ની આઇપીએલમાં રમેલો છે. માત્ર પાકિસ્તાનને બાદ કરતાં બાકીના નવ સભ્યોની ટીમનો ઓછામાં ઓછો એક ખેલાડી આઇપીએલમાં હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદ સૌથી આગળ
વર્લ્ડ કપ ૨૦૧૯માં સૌથી વધારે ખેલાડી સનરાઇઝર્સ હૈદરાબાદના જોવા મળશે. તેના નવ ખેલાડી વિવિધ ટીમોના સભ્ય છે. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સના ૫-૫ ખેલાડીઓ વર્લ્ડ કપની ટીમોમાં છે. હૈદરાબાદ માત્ર વધારે ખેલાડીઓ જ નથી મોકલી રહ્યું પરંતુ તેના ખેલાડીઓ છ અલગ અલગ ટીમોમાંથી રમશે. બેંગ્લોરની ટીમના આઠ ખેલાડીઓ વર્લ્ડ કપમાં વિવિધ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ક્રિકેટના મહાકુંભની રણભૂમિમાં આજથી મહાસંગ્રામ, જાણો પહેલી મેચ કંઇ બે ટીમો વચ્ચે રમાશે appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/mahasangram-from-todays-ranak-in-cricket-know-that-the-first-match-will-be-played-between-two-teams/
via Best Gujarati News
0 Comments