નિરામય । વૈદ્ય મનુભાઈ ગૌદાની

યૌવનાવસ્થાના પ્રારંભે સૌંદર્યમાં સૌથી વધારે અવરોધક બનતા ખીલની ફરિયાદ લઇને ઘણાં યુવક-યુવતીઓ આવતા હોય છે. ઘણી વાર તો આ ખીલને લીધે જ કેટલાક દર્દીઓ આ ઉંમરે વિષાદ-અવસાદનો ભોગ બનતાં હોય છે.

આયુર્વેદમાં ખીલ ઉત્પન્ન થવામાં મુખ્ય દોષ વાયુ અને કફ ગણાવ્યા છે. પ્રકૃપિત્ત થયેલા વાયુ અને કફ જ્યારે મુખ પરની ત્વચાના છિદ્રમાં અવરોધ ઉત્પન્ન કરે છે ત્યારે જે ગાંઠ અથવા ફુન્સી ફોડકી ઉત્પન્ન થાય છે તેને આપણે ખીલ કહીએ છીએ. ખીલને આયુર્વેદમાં મુખદૂષિકા, તારુણ્ય પીડિકા, યૌવન પીડિકા વગેરે નામ અપાયા છે.

આ રોગ મોટાભાગે ૧૬થી ૧૭ વર્ષની ઉંમરે થાય છે અને તે લગભગ ૩૦ વર્ષની ઉંમર સુધી પણ જો તેનો ઉપચાર કરવામાં ન આવે તો હેરાન કરે છે.

ખીલ થવાના પ્રારંભે ચહેરા પર નાની નાની લાલ રંગની ફોડકીઓ થાય છે અને તે ધીમે ધીમે મોટી થાય છે. જો આ ફોડકીઓ કાચી હોય ત્યારે ફોડી નાખવામાં આવે તો દુખાવો એકદમ વધી જાય છે અને સોજા સાથે ખીલ વકરીને મોટા થાય છે. બરાબર પાક્યા પછી દબાવીને તેનો દાણો કાઢી નાખવામાં આવે તો બે-ત્રણ દિવસમાં જ ખીલ બેસી જાય છે. શાંત થઇ જાય છે. ઘણાં દર્દીઓને આ ખીલ પાકીને ફૂટી ગયા પછી અથવા મટી ગયા પછી ડાઘ રહી જાય છે.

મોટાભાગે ખીલ મોંઢા પર થાય છે. આમ છતાં કેટલાક દર્દીઓને તે ખભા, છાતી અને પીઠ પર પણ થાય છે. આ ખીલ કઇ પ્રક્રિયાથી થાય છે? આયુર્વેદિય મતે જ્યારે વાયુ અને કફ વગેરે દોષ પ્રકૃપિત્ત થાય છે ત્યારે તે ત્વચા, ચામડી, માંસ, મેદ વગેરેના વહન સ્રોતો છિદ્રોને પૂરી દઇને તે સ્થાને અવરોધ કરે છે ત્યારે ખીલ ઉત્પન્ન થાય છે. આથી આવા દર્દીઓની ચામડી, માંસ, લોહી અને ચરબીની શુદ્ધિ થાય તથા વાયુ, કફ વગેરે દોષોનું શમન થાય એવો ઉપચારક્રમ ગોઠવવો જોઇએ.

મંજીષ્ઠાદિ ક્વાથ એ લોહીની શુદ્ધિ કરનાર ખૂબ જ જાણીતો ઉકાળો છે. ક્વાથ એટલે ઉકાળો. ચામડી અને રક્ત બગાડના અનેક રોગોમાં અમે વૈદ્યો આ ઉકાળાનો છૂટથી ઉપયોગ કરીએ છીએ. લોહીમાં ભળેલા દોષોને તે કાઢી નાખી લોહીને તે સાફ કરે છે. માંસ એ લોહી પછીની ધાતુ છે, એટલે જો લોહી ચોખ્ખું થાય તો માંસ પણ સાફ થાય અને માંસ સાફ થતાં એ પછી મેદ ધાતુ પણ સાફ ચોખ્ખી થાય. એટલે ખીલના દર્દીઓએ સવારે, બપોરે અને રાત્રે એમ દિવસમાં ત્રણ વાર મહામંજીષ્ઠાદિ ક્વાથ ચારથી છ ચમચી જેટલો પીવો જોઇએ.

ખીલનું બીજું ષધ છે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ. આ ચૂર્ણ મળની શુદ્ધિ કરનાર, પિત્તનું વિરેચન કરનાર અને લોહીને શુદ્ધ કરી ચામડીના અને લોહીના રોગો મટાડનાર જાણીતું ષધ છે. આ ચૂર્ણમાં ગંધક પણ પડે છે. જે ચામડીના રોગોનું ઉત્તમ ષધ છે. સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણથી આંતરડામાં ભરાઇ ગયેલા મળનું નિષ્કાસન થવાથી વાયુની શાંતિ થાય છે. કાચો રસ પણ બહાર ફેંકાઇ જવાથી કફ પ્રકોપ પણ ઘટે છે. એટલે રોજ રાત્રે પોતાની પ્રકૃતિને અનુકૂળ આવે એ પ્રમાણે એકથી દોઢ ચમચી જેટલું સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવું જોઇએ.

ખીલમાં ખૂબ જ સફળતા અપાવે એવું એક ઉત્તમ ષધ ‘શીમળાના કાંટા’ જેને અમે વૈદ્યો ‘શાલ્મલી કંટક’ પણ કહીએ છીએ. ગાંધીને ત્યાંથી આ શીમળાના કાંટાવાળી ગાંઠ લાવવી. તેને કાંટા સાથે જ દૂધ સાથે લસોટી લેપ તૈયાર કરવો. આ શીમળાના કાંટાનો લેપ સવારે અને રાત્રે ખીલ અને તેના ડાઘાઓ પર લગાડવાથી નવા ખીલ થશે નહીં તથા જૂના ખીલ અને ડાઘાઓ જતા રહેશે.

હળદર, શીમળાના કાંટા, ત્રિફળા ચૂર્ણ, જાંબુના ઠળિયા, મસૂરની દાળ આટલા ષધો ખૂબ લસોટી, તેનો લેપ બનાવી સવારે અને રાત્રે લગાડવામાં આવે તો પણ ખીલ અને તેના ડાઘાઓ મટે છે.

ખીલની પરેજીમાં ખટાશ, નમક, ગળપણ, માવાની મીઠાઈઓ, ઠંડા પીણાં, ફેસ પાઉડર, ક્રીમ-સ્નો, લિપસ્ટિક, લાલી વગેરે ત્યાજ્ય ગણાવાય છે. તેનો ઉપયોગ કરવો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ખીલની સમસ્યાને મિનિટોમાં કરો દૂર, આ છે સરળ ઉપાય appeared first on Sandesh.



from Stree – Sandesh http://sandesh.com/take-away-the-problem-of-acne-in-minutes-this-is-a-simple-remedy/
via Best Gujarati News

0 Comments